“માયામાં ફસાયા નારદજી”
એકવાર નારદજીને અભિમાન થયું કે આ પૃથ્વી ઉપર તેમનાથી મોટો ભગવાન વિષ્ણુનો કોઈ ભક્ત નથી. આ લાગણીથી પ્રેરિત થઇ તેમનું વર્તન પણ બદલાવા લાગ્યું. ભગવાનના ગુણો ગાવાની સાથે સાથે તેઓ પોતાની સેવાકીય પ્રવૃતિઓનું પણ વર્ણન કરવા લાગ્યા.
પણ ભગવાનથી તો કશું છુપાયેલું રહેતું નથી. તેમને તરત જ આ વાતની જાણ થઈ ગઈ. અને તે પોતાના ભક્તનું પતન કેવી રીતે જોઈ શકે? તેથી તેમણે નારદજીને આ ખરાબ વલણથી બચાવવાનું નક્કી કર્યું.
એક દિવસ નારદજી અને ભગવાન વિષ્ણુ એકસાથે વનમાં જઈ રહ્યા હતા, અચાનક વિષ્ણુજી થાકીને એક ઝાડ નીચે બેસી ગયા અને બોલ્યા – ભાઈ નારદજી, હું થાકી ગયો છું, તરસ પણ લાગી છે. ક્યાંકથી પાણી મળે તો લઈ આવો. મારાથી તો તરસને લીધે ચાલી શકાતું નથી. મારું ગળું સુકાઈ રહ્યું છે.
આ સાંભળીને નારદજી તરત જ સાવધાન થઈ ગયા, તેમની હાજરીમાં ભગવાન તરસ્યા કેવી રીતે રહે. તેમણે કહ્યું ‘ભગવાન’ હમણાં જ લાવ્યો, તમે થોડી વાર રાહ જુઓ.
નારદજી એક તરફ દોડ્યા. તેમના જતાની સાથે જ ભગવાને હસીને પોતાની માયાને નારદજીને સત્યના માર્ગે લાવવાનો આદેશ આપ્યો. માયા શરૂ થઈ ગઈ. નારદજી થોડે દૂર ગયા હશે કે તેમણે એક ગામ જોયું, જેની બહાર કેટલીક યુવતીઓ કૂવામાંથી પાણી ભરી રહી હતી. જ્યારે તેઓ કૂવા પાસે પહોંચ્યા ત્યારે એક છોકરીને જોઈને તેઓ સુદબુદ ખોઈ બેઠા અને માત્ર તેને જ જોતા રહ્યા.
તે ભૂલી ગયા કે તે ભગવાન માટે પાણી લેવા આવ્યા હતા. છોકરી પણ નારદજીની લાગણી સમજી ગઈ. તે ઝડપથી ઘડામાં પાણી ભરીને, પોતાની બહેનપણીઓને પાછળ છોડીને ઘર તરફ દોડી. નારદજી પણ તેની પાછળ પડી ગયા. છોકરી તો ઘરની અંદર ચાલી ગઈ પણ નારદજી દરવાજા પાસે ઊભા રહ્યા અને નારાયણ, નારાયણ કરવા લાગ્યા.
ઘરના માલિક નારાયણનું નામ સાંભળીને બહાર આવી ગયા. તેમણે નારદજીને તરત જ ઓળખી લીધા. અત્યંત નમ્રતા અને આદર સાથે તેઓ નારદજીને ઘરની અંદર લઈ ગયા, તેમના હાથ-પગ ધોઈને તેમને સ્વચ્છ આસન પર બેસાડ્યા અને તેમના આતિથ્યમાં કોઈ કસર ન છોડી. તેમના આગમનથી પોતાને ધન્ય ગણાવતા, તે ગૃહસ્થે તેમની યોગ્ય સેવા માટે વિનંતી કરી.
નારદજીએ કહ્યું : તમારા ઘરમાં જે તમારી કન્યા પાણીનો ઘડો લઈને આવી છે. હું તેની સાથે લગ્ન કરવા માંગુ છું.
નારદજીની વાત સાંભળીને ગૃહસ્થ આશ્ચર્યચકિત થઈ ગયા, પણ તેઓ ખુશ પણ હતા કે મારી પુત્રી આવા મહાન યોગી અને સંત પાસે જશે. તેમણે તેની અનુમતિ આપી અને નારદજીને પોતાના ઘરમાં રાખી લીધા.
બે-ચાર દિવસ પછી, શુભ મુહૂર્તમાં, તેમણે પોતાની પુત્રીના લગ્ન નારદજી સાથે કર્યા અને તેમને ગામમાં જ જમીનનો એક ટુકડો આપ્યો, જેથી તેઓ ખેતી કરીને આરામથી પોતાનું અને પરિવારનું ભરણપોષણ કરી શકે.
હવે નારદજીની વીણા એક ખીલી પર લટકેલી રહેતી, જેના તરફ તેમનું ધ્યાન બહુ ઓછું જતું. પોતાની પત્નીની સામે તે નારાયણને ભૂલી ગયા.
તે આખો દિવસ ખેતીકામમાં વ્યસ્ત રહેતા. ક્યારેક હળ ચલાવતા, ક્યારેક સિંચાઈ કરતા, ક્યારેક બીજ વાવતા, ક્યારેક નીંદણ દૂર કરતા. જેમ જેમ પાક ઉગે છે તેમ તેમ તેમની ખુશી વધતી જતી.
દર વર્ષે પાક પકવવામાં આવતો હતો, લણણી કરવામાં આવતી હતી, તેમના ભંડારો અનાજથી ભરેલા રહેતા હતા. નારદજીને ગામના સમૃદ્ધ ખેડૂત માનવામાં આવવા લાગ્યા. વર્ષ પછી વર્ષ વીતતા ગયા અને નારદજીનો પરિવાર પણ વધતો ગયો. ત્રણ છોકરા-છોકરીઓ પણ થઈ ગયા. હવે નારદજીને એક ક્ષણ માટે પણ નવરાશ મળતી ના હતી.
આખો સમય તેઓ બાળકોના ઉછેર અને શિક્ષણમાં વ્યસ્ત રહેતા અથવા ખેતરોમાં કામ કરતા રહેતા. એવામાં અચાનક એક વાર જોરદાર વરસાદ પડ્યો, જેણે દિવસો સુધી બંધ થવાનું નામ પણ લીધું નહિ. વાદળોના ગડગડાટ અને વીજળીના કડાકાથી દરેકના હૃદયમાં ભય છવાઈ ગયો. મુશળધાર વરસાદથી ગામ નજીક વહેતી નદીમાં પૂરની સ્થિતિ સર્જાઈ હતી.
ચારે તરફ પાણી ફેલાઈ ગયું. તમામ કાચા અને પાકા મકાનો ધરાશાયી થવા લાગ્યા. ઘરનો સામાન તણાઈ ગયો. પશુઓ પણ ડૂબી ગયા. ઘણા લોકો મ-રૂ-ત્યુ પામ્યા. ગામમાં હાહાકાર ફેલાઈ ગયો.
નારદજી પણ શું કરી શકે? તેમણે પણ ઘરમાં જે થોડી કિંમતી ચીજવસ્તુઓને વધી હતી તેનું પોટલું બાંધ્યું અને પોતાની પત્ની અને બાળકો સાથે પોતાનો જીવ બચાવતા પાણીમાંથી બહાર નીકળવા લાગ્યા.
નારદજીએ પોતાની બગલમાં પોટલું પકડ્યું હતું, એક હાથે એક બાળકને અને બીજા હાથે પત્નીને પકડી રાખ્યા હતા. પત્ની પણ એક બાળકને તેડીને અને એકનો હાથ પકડી ધીમે ધીમે આગળ ચાલવા લાગી.
પાણીનો પ્રવાહ ખૂબ જ તેજ હતો અને ક્યાં ખાડો છે અને ક્યાં ટેકરો છે તે પણ ખબર પડતી નોહતી. એકાએક નારદજીને ઠોકર લાગી અને બગલમાંથી પોટલું છટકી ગયું અને પાણીમાં તણાઈ ગયું. નારદજી પોટલું પકડે કેવી રીતે? બંને હાથ ભરેલા હતા. તેમણે મનમાં વિચાર્યું કે હું ફરી કમાઈ લઈશ. થોડે દૂર ગયા પછી પત્ની ખાડામાં પડી અને તેણે તેડેલું બાળક દૂર તણાઈ ગયું. પત્ની બહુ રડી, પણ શું થઈ શકે?
ધીમે ધીમે વધુ બે બાળકો પણ પાણીમાં તણાઈ ગયા, તેઓએ બચાવવાના ઘણા પ્રયત્ન કર્યા, પણ કંઈ થઈ શક્યું નહીં. પતિ-પત્ની બંને ખૂબ જ દુઃખી હતા, રડતા રડતા એકબીજાને સાંત્વના આપતા અપાતા કોઈ ઉંચી જગ્યા શોધી રહ્યા હતા. બાદમાં આગળ જતા બંને ખાડામાં સમાઈ ગયા હતા.
નારદજી કોઈક રીતે ખાડામાંથી બહાર આવ્યા, પરંતુ તેમની પત્ની ક્યાંય મળી નહિ. લાંબા સમય સુધી નારદજી તેને અહીં-ત્યાં શોધતા રહ્યા, પરંતુ વ્યર્થ રોકકડ કરતા તેમની હાલત ખરાબ થઈ ગઈ, તેમની પત્ની અને બાળકોને યાદ કરીને તેમનું હૃદય ફાટી રહ્યું હતું. તેમનું તો આખું ઘર બરબાદ થઈ ગયું હતું. બિચારા શું કરે? કોને કોસે તેમના ભાગ્યને કે ભગવાનને?
ભગવાનનું ધ્યાન આવતા જ નારદના મનમાં પ્રકાશ ફેલાઈ ગયો અને બધી જૂની વાતો યાદ આવી ગઈ. તેઓ શેના માટે આવ્યા હતા અને ક્યાં આવી ગયા?
ઓહ! ભગવાન વિષ્ણુ મારી રાહ જોતા હશે. હું તેમના માટે પાણી લેવા આવ્યો હતો અને અહીં ઘરબાર લઈને બેસી ગયો. વર્ષો વીતી ગયા ઘરબાર વસાવતા અને પછી તે બધું નાશ પામ્યું. શું ભગવાન હજુ પણ એ જ ઝાડ નીચે મારી રાહ જોતા હશે? એમ વિચાર્યું ત્યાં તો પૂર અદ્રશ્ય થઈ ગયું. ગામ ગાયબ થઈ ગયું. તે ગાઢ જંગલમાં ઉભા હતા.
નારદજી પશ્ચાતાપ કરતા અને શરમાઈને ભાગ્યા, જોયું તો થોડે જ દૂર તે જ ઝાડ નીચે ભગવાન સુતા હતા.નારદજીને જોઈને ભગવાન ઊભા થયા અને બોલ્યા, હે ભાઈ નારદ, તમે ક્યાં ગયા હતા, ઘણો સમય લાગ્યો. પાણી લાવ્યા કે નહિ?
નારદજી ભગવાનના ચરણ પકડીને બેસી ગયા અને રડવા લાગ્યા. તેમના મોઢામાંથી એક પણ શબ્દ નીકળ્યો નહિ. ભગવાને હસીને કહ્યું, તમે હમણાં જ ગયા હતા. વધુ સમય ક્યાં થયો છે?
પણ નારદજીને લાગ્યું કે વર્ષો વીતી ગયા. હવે તે સમજી ગયા કે આ બધી તો ભગવાનની માયા હતી, જે તેમના અભિમાનને ચકનાચૂર કરવા માટે પેદા થઈ હતી.
તે વિચારવા લાગ્યા, તેમને ખૂબ અભિમાન હતું કે ત્રિલોકમાં તેમના કરતાં મોટો બીજો કોઈ ભક્ત નથી. પરંતુ એક સ્ત્રીને જોઈને તે ભગવાનને ભૂલી ગયા. તેમને પસ્તાવો થવા લાગ્યો અને તેમનું અભિમાન થોડા સમયમાં જ ખલાસ થઈ ગયું. તેમણે ફરીથી સાદગી અને નમ્રતા સાથે ભગવાનના ગુણગાન ગાવાનું શરૂ કર્યું.
તો આ રીતે નારદજીને પોતાની ભૂલ સમજાઈ.