રાજાનો વૃક્ષ પ્રેમ જાણીને તમારી પણ વૃક્ષો વિષેની વિચારણા બદલાઈ જશે.

0
448

જુના સમયની વાત છે, એક રાજા પોતાના રાજ્યમાં રાજ કરતો હતો અને તે પ્રજાને પણ ખૂબ પ્રેમ કરતો હતો. રાજાનો રાજ મહેલ થોડો જુનો થઈ ગયો હતો એટલે તેણે મંત્રીઓ સાથે મળીને નવો રાજ મહેલ બનાવવાનો નિર્ણય લઈ લીધો. રાજાએ નવા રાજ મહેલ બનવવા માટે એક જગ્યા નક્કી કરી અને તેની ડીઝાઇન અને પ્લાન માટે પ્રસ્તાવ બહાર પાડ્યો. નવા રાજ મહેલ માટે દેશ-વિદેશના કારીગરો પોતાનો પ્લાન લઈને આવ્યા હતા, તેમાં તેમના રાજ્યના કારીગરને પણ પ્લાન બતાવવા રાખ્યો હતો. રાજાએ બધાના પ્લાન જોવા માટે સમય માંગ્યો.

બે દિવસ પછી રાજાએ પોતાના નિર્ણય જણાવ્યો, રાજાએ પોતાના રાજ્યના કારીગરને જ પોતાનો નવો રાજમહેલ બનાવવાનો આદેશ આપ્યો. તો આ સાંભળતાં જ દેશ-વિદેશથી આવેલ કારીગરોએ ગુસ્સામાં રાજા પર જ આરોપ લગાવવા લાગ્યા અને કહેવા લાગ્યા “જો તમને તમારા જ રાજ્યના કારીગર સાથે જ કામ કરવું હતું, તો અમને શા માટે બોલાવ્યા.” રાજા ખુબ શાંત હતા તેમને બધાને શાંત રહેવાનું કીધું. રાજાએ બધાને તેનું કારણ જણાવવા માટે મંત્રી પાસેથી બધાના પ્લાન મંગાવ્યા.

રાજાએ કીધું તમારા બધાના પ્લાન સારા પણ છે અને ડીઝાઇન પણ ખુબ સરસ છે પણ તમારા બધા કરતા અલગ અમારા કારીગરનો પ્લાન છે. તમે જો ધ્યાન આપ્યું હોય તો રાજ મહેલ માટે જે જમીન નક્કી કરવામાં આવી હતી ત્યાં ઘણા બધા છોડ અને ઝાડ રહેલા છે. તમારા બધાના પ્લાનમાં એવું જણાવવામાં આવ્યું છે કે જો આ છોડ અને ઝાડને કાપી દેવામાં આવશે, તો રાજમહેલ મોટું બનવાની સાથે કામ સરળ અને ઝડપી થશે. પણ રાજ્યના કારીગરે પોતાની ડીઝાઇન દ્વારા તે છોડ અને ઝાડ કાપ્યા વિના રાજ મહેલની ડીઝાઇન બનાવી છે અને તેની ડિઝાઇનમાં ઝાડ અને છોડ દ્વારા રાજમહેલની સુંદરતા પણ વધી રહી છે.

રાજાએ આગળ જણાવ્યું કે તમે લાખો રૂપિયા ખર્ચ કરીને મહિનામાં ઘર-મકાન બનાવી શકો છો, પણ તમે ગમે તેટલા રૂપિયા અને માણસો લગાવી દેશો, પણ એક મહિનામાં બીજા ઝાડથી એક ડાળી પણ તૈયાર કરી શકશો નહિ’ બીજા બધા કારીગરો રાજાના આ જવાબથી સંતુષ્ટ થઇ ગયા અને ખુશી ખુશી રાજાના રાજ્યથી જતા રહ્યા.