જગદંબા સ્તવન : માં જગદંબાની ભક્તિ કરતા આ રચનાનો કરો પાઠ, માતા આપશે આશીર્વાદ.

0
468

॥ જગદંબા સ્તવન ॥

ગીત : સપાખરુ – सुपंखरो॥ – (ડંડકભેદ)

અંબા અચંબા પ્રલંબા, તેજ બંબા જગદંબા,

આદિ વાસ હે તવમ્બા, દશે દિકંબા વ્રદાઇ.

શકમ્બા સદંબા શુભમંબા, સ્વાવલંબા શિવા,

વેદે તું વિદંબા, સચ્ચિદંબા વખણાઇ. ~૦૧

નિપાવ્યા ભ્રેમંડા અંડા, નારાયણી નવેખંડા,

માર દીયા ઉદંડા કુ, દંડા દઇ માત.

ઠારીયા દાનવા બંડા, કરીયા ઘમંડા ઠંડા,

રોપિયા અખંડા નામ, ઝંડા રળિયાત. ~૦૨

ભગતા તારણાં, તું ઉતારણા ભારણાં ભૂમિ,

કારણાં જગત દુ:ખ. હારણાં કુશલ.

મા રણાં અસુર લીયે, ચારણાં ઓવારણાં માં,

રાખ્યે ધારણાં, બંધાવે પારણાં રાંદલ. ~૦૩

મહાખલ દૈત્ય બુરા, ચુરા ચુરા કીયા મુરા,

મુગુટ મયુરા, વ્રજ મથુરા મુકામ.

રણછોડ રણશુરા, મંગલ મધુરા રટે,

નિત ઝળહળા નુરા, આશાપુરા નામ. ~૦૪

ચારવાણી ચારખાણી, પરખાણી ચરચાણી,

વેદવાણી પુરાણીયે, વખાણી વિશાળ.

મેરિયા ભુવાને, પુત્ર જાણી દયા આણી મળી,

પ્રગટ બ્રહ્માણી, નાણી બુટ પરચાળ. ~૦૫

માડી તું સરિતા વૃંદા, મંદાકિની વંદા માત,

નંદા તું અલક નંદા, મહા નંદા નામ.

ફાલગુની ગુણ છંદા, ગાતા કટે ભવફંદા,

હેતે હર્ષ કંદા પુરે, હરસંદા હામ. ~૦૬

અખીયાત રટુ બાત, હજારીકી અહોરાત,

ઉમિયા લીંબચ માત, માતંગી ઉદાત.

સમરુ દિવસ રાત, સિકોતર સાક્ષાત,

હરો ઉત્પાત, રટુ હરસદ માત. ~૦૭

આવ્યો બાઝ ઝપટ, કપટ છાજ કળિરાજ,

સાંભળો અવાજ આઇ, પોકારે સમાજ.

તારો જાજ પુનપાજ, ઉગારો ધરમ તાજ,

હરસિધ્ધિ રાખો, આજ લાજ હિંગળાજ. ~૦૮

વડેચી રવેચી નમુ, નાગણેચી માત વંદુ,

મઢેચી નવેય ખંડ, ગઢેચી મંડી.

પહાડેચી ડુંગરેચી, લાખણેચી લાગુ પાય,

ચોટીલે ચાળકનેચી, ચામુંડા ચંડી. ~૦૯

માઇ તું સ્થપાઇ, ઓળખાઇ નીત ગર્ય મધ્યે,

કૃપાળુ બાઇ, તું કનકાઇ કહેવાઇ.

વારાહી તુળજા, ગુણ ગાઇ ભાઇ ભાઇ વાહ.

વંદુ સિંધવાઇ, આઇ દગાઇ વેરાઇ. ~૧૦

ત્રહુળેથી શઢ ફટી, બેડલી સાયર તટી,

તારવા વાણીયે રટી, ઉમટી તરત.

લાવી દયા ત્રમજટી, જગડુને માથે લટી,

સધી વાણવટી, અટપટી તું શકત. ~૧૧

તજી મન ઘેલડી તું, વાત એલફેલડી તું,

રુદિયે સેલડી, રણ ઘેલડી કુ રટ.

જરી કર્યે ટેલડી, છોડાવે ભવ ઝેલડી જે,

પ્રભુથીએ પેલડી, માં મેલડી પ્રગટ. ~૧૨

મમ્માયા મુંબઇ વાળી, મુંબામાત મરમાળી,

કાળી કલકત્તાવાળી, ક્રોધાળી કરાળ.

ભુજાળી નેજાળી, મોટા ગજાળી ધજાળી ભાળી,

બહુચર બાળી, બીરદાળી માં બલાળ. ~૧૩

પાવાકી પાળકા, ડુંગરાળ પંચ માળકા,

અતાળકા પતાળકા, તળાવ તટ આઇ.

માત ગળે ફાળકા, ભ્રેકુંડ મુંડ માળકા,

કરાળકા જવાળકા, તું કાળકા કેવાઇ. ~૧૪

જેણે ખંભે ટાંગી ખોઇ, જોગણીને જાચી જોઇ,

કરે અરદાસ રોઇ, શિતળાને કોઇ.

પ્રાણ એના અમિ ટોઇ, ઉગારે માં મન પ્રોઇ,

સમરે હડકમોઇ, રાંગળી સિંધોઇ. ~૧૫

શ્રદ્ધા છોળ તરબોળ, સપાખરુ કડી સોળ,

કરી રચના હિલોળ, આનંદ કિલ્લોળ.

રસ ઝબકોળ “બચુ શ્રીમાળી” ઝકોળ રુદે,

આઇ ઓળઘોળ, કરું ભાવેથી અતોળ. ~૧૬

– સાભાર એમડી પરમાર (અમર કથાઓ ગ્રુપ)