ડોંગરગઢની માતા બમલેશ્વરીનો મહિમા છે અપરંપાર, જાણો તેમના આ મંદિરનો ઈતિહાસ.

0
256

માં બમલેશ્વરી શક્તિપીઠનો ઈતિહાસ છે લગભગ 2000 વર્ષ જૂનો, જાણો તેની સાથે જોડાયેલી ખાસ વાતો.

છત્તીસગઢના રાજનાંદગાંવ જિલ્લાના ડોંગરગઢમાં આવેલા માં બમલેશ્વરીના દરબારને ચૈત્ર નવરાત્રી દરમિયાન ખુબ સુંદર રીતે શણગારવામાં આવે છે. ડુંગર, મંદિર અને માતાના દરબારમાં આકર્ષક લાઇટિંગ કરવામાં આવે છે. કો-રો-ના-ના કારણે છેલ્લા બે વર્ષથી માતાના દર્શનથી વંચિત રહેલા ભક્તોમાં આ વર્ષે અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ વખતે તેઓ સરળતાથી માતાના દર્શન કરી શકશે. તેમનો ઉત્સાહ જોઈને રેલવેએ પણ 15 પેસેન્જર ટ્રેનોને ડોંગરગઢ રેલવે સ્ટેશન પર ઉભી રાખવાની જાહેરાત કરી છે.

માં બમલેશ્વરીનો દરબાર 1600 મીટર ઉંચા પર્વત પર આવેલો છે. અહીં પહોંચવા માટે ભક્તોએ 1100 પગથિયાં ચઢવા પડે છે. જોકે, અહીં રોપ-વેની વ્યવસ્થા પણ છે. આ ઉપરાંત ઓનલાઈન દર્શનની સુવિધા ઉપલબ્ધ કરાવવાની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. માં બમલેશ્વરીનું મુખ્ય મંદિર પર્વત પર આવેલું છે. તે “બડી બમલેશ્વરી” તરીકે ઓળખાય છે.

પર્વતની નીચે પણ માં બમલેશ્વરીનું એક મંદિર છે. તે “છોટી બમલેશ્વરી” તરીકે પ્રખ્યાત છે. એવું માનવામાં આવે છે કે તે માં બમલેશ્વરીની નાની બહેન છે. નવરાત્રિ પર અહીં મેળો ભરાય છે. પૂજાની સાથે સાથે વિવિધ પ્રકારના સામાનની દુકાનો સજાવવામાં આવી છે. બે વર્ષ બાદ યોજાનારા આ મેળાને કારણે સારો વેપાર થાય એવી આશા દુકાનદારો રાખી રહ્યા છે.

મંદિરનો ઇતિહાસ :

માં બમલેશ્વરી શક્તિપીઠનો ઈતિહાસ લગભગ 2000 વર્ષ જૂનો છે. ડોંગરગઢનો ઈતિહાસ મધ્યપ્રદેશના ઉજ્જૈન સાથે જોડાયેલો છે. તે વૈભવશાળી કામાખ્યા નગરી તરીકે જાણીતું હતું. માં બમલેશ્વરીને મધ્ય પ્રદેશના ઉજ્જૈનના રાજા વિક્રમાદિત્યની કુળદેવી પણ કહેવામાં આવે છે. ઈતિહાસકારો અનુસાર આ વિસ્તાર કલચુરી કાળનો હોવાનું માનવામાં આવી રહ્યું છે. મંદિરની પ્રમુખ દેવી માં બગલામુખી છે. તેણીને માં દુર્ગાનું સ્વરૂપ માનવામાં આવે છે. તેમની અહીં માં બમલેશ્વરી તરીકે પૂજા કરવામાં આવે છે.

મંદિરે કેવી રીતે પહોંચવું?

જિલ્લા મુખ્યાલય રાજનાંદગાંવથી રોડ માર્ગે ડોંગરગઢનું અંતર 35 કિલોમીટર છે. આ ઉપરાંત તે હાવડા-મુંબઈ રેલ માર્ગ સાથે પણ જોડાયેલું છે. રેલ્વે અને રોડ બંને માર્ગો દ્વારા અહીં સરળતાથી પહોંચી શકાય છે.

આ માહિતી નઈ દુનિયા અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.