રમતા જોગીનો અવિસ્મરણીય પ્રવાસ ‘માં નર્મદાને કિનારે કિનારે’ ભાગ 2.

0
492

નર્મદે હર.

એક વળાંક સામે છત્તીસગઢ બોર્ડર શરુ એવું બોર્ડ હતું. એની બાજુમાં કબીર ચોતરા મંદિર હતું. મેં દૂરથી દર્શન કરી લીધા. પાક્કા સડક માર્ગે આગળ ચાલવાનું શરૂ કર્યું. રોડની બંને બાજુ અતિ રળિયામણું લીલુછમ જંગલ અમુક ટેકરીઓ તોડી તોડીને આ રોડ બનેલો હોય એવું લાગ્યું. રોડની એકબાજુ એ થોડીક ઊંચી ટેકરી પર કેટલાક મજૂરો કેબલ દબાવવા માટે લાઈન ખોદતા હતા, એ રિલાયન્સ જીયોના કેબલ હતા. થોડે થોડે અંતરે મજૂરો જોવા મળતા હતા.

એક ફોરેસ્ટ ઓફિસરે નર્મદે હર કર્યું. મેં નર્મદે હર કીધું અને એમણે મને ઉભો રાખી પાણી માટે પૂછ્યું. મેં કીધું મારી પાસે છે. કહાં સે હો આપ? મેં કીધું ગુજરાત, બરોડા. એમણે થોડી વાત કરી. આપ પેસે સાથ મેં રખતે હૈ ના? હા હે મેરે પાસ. પછી એમણે સો રૂપિયાની નોટ મારા થેલામાં મૂકી દીધી, અભી ના મત બોલના ઓર જરા તેજ ચલના મહારાજ, નર્મદે હર.

હું મારી મસ્તીમાં જ આરામથી ચાલતો હતો. એક કિલોમીટર ચાલી થોડો આરામ કરું, પાછું એક-બે કિલોમીટર ચાલું પછી 5 મિનિટ 10 મિનિટ આરામ. એમ ચાલતા ચાલતા આખા શરીરે પરસેવો લથબથ, શરીર થોડું ગરમ થતું, આગળ જતાં ઠંડકવાળો પણ તાવ આવી ચૂક્યો હતો. પગના તળિયામાં બળતરા, કળતર, બેચેની જેવું લાગ્યું. મને એવું થતું હતું કે અહીંયા જ કોઈ ઝુપડુ મળી જાય તો રહી પડવું. માર્ગ સૂચિનું પુસ્તક જોઈ એક ભાઈને પુછ્યું, કરંજિયા કિતના દૂર હે. બાર-પંદર હોગા. આપ નહીં પહોંચ પાયેંગે, હમ હોતે તો ચલે જાતે, આપ રિંગ રિંગ કે ચલ રહે હૈ.

તાવ બેચેની નિરસતા, હવે આનંદ થોડો થતો હતો. જેમ તેમ આગળ ચાલતા રોડની કિનારે એક ચાની લારી જોઈ. નજીક જઈ પૂછ્યું કરચયા જાના હે. અભી તો દૂર હે જલ્દી જલ્દી રાત હો જાયેગી. ચા વાળા ભાઈએ મને રોકાઈ જવા કીધું, પણ ધ્યાનથી જોતા એ મુસ્લિમ હતા. પણ શાંત અને સારા સ્વભાવના હોય એવું લાગે. મારે ચાહ તો નહોતી પણ થોડીવાર બેઠો. એટલામાં સૂંઘતા સૂંઘતા એક મિત્ર આવ્યા ને સામે ઊભા રહ્યા. બેગને સૂંઘી જોર જોરથી પૂંછડી હલાવી. મેં લારી વાળા ભાઈને બિસ્કીટ વિશે પૂછ્યું, તે બોલ્યા નથી. 10 રૂપે કા દૂધ દેદો. પછી પ્લાસ્ટિકની બેગમાં દૂધ રેડી મિત્રને પીવડાવ્યું.

મેં ચાલવાની શરૂઆત કરી પણ પેલા ભાઈએ પાછી સુચના આપી, બહોત દેર હો જાયેગી આપ કરચયા તક ન પહોંચેગે. થોડી દુર આગે જગતપુર આયેગા, વહા પે કોઈ સેવા કરને વાલા નહીં, કોઈ આશ્રમ ભી નહીં. આદિવાસી બસ્તી હૈ, ભોજન પ્રસાદ ભી નહિ મિલેગા, કોઈ સુવિધા નહીં, થોડા જોખમ ભી હૈ. મેં નર્મદે હર કરી ચાલવા માંડ્યું. આગળ જે હોય તે પણ અહીંયા નથી રોકાવું.

અડધો કલાક જેવું ચાલતા જગતપુર ગામ આવ્યું. કોઈ નર્મદે હર બોલવા રાજિ નહોતું. આપણે બોલીએ તો તાકી તાકીને જોઇ રહે. કોઈ સરખો જવાબ ના આપે. બધા તિરસ્કારથી જોતા. એક હેંડ પંપ પર જઈને મેં પાણી ભર્યું. ઓટલો જોયો પણ તેના પર કચરો પડ્યો હતો. મેં એક બેન પાસે સાવરણી માગી. એ કઈ પણ બોલ્યા વગર અંદર જતી રહી.

હું કંટાળેલો હતો. આગળ તો જવું નથી. થોડું પાણી પી ને બેઠો. થોડીવારે એક બાર તેર વર્ષની બાળકી આવી. એ ખુશ મિજાજ હતી. તે પાણી ભરવા આવી હતી. મેં તેને પૂછ્યું યહા રુક સકતે હૈ? તેણે સામે આવેલી પ્રાથમિક શાળા બતાવી. ત્યાં જઈને મેં મારા રૂમાલથી ધૂળ સાફ કરી, આસન લગાવ્યું. તાવ ચડ્યો હતો. ઠંડી, ભૂખ, બેચેની હતી. ઊંઘ આવે એવું લાગતું ન હતું. મેં ફરીથી પેલી બાળકીને દુકાન વિશે પૂછ્યું. તેણે પાછળ આવવા કહ્યું.

એની પાછળ પાછળ ગામમાં જતા એક કાચા મકાનમાં ગામડામાં હોય એવી દુકાન મળી. બિસ્કીટ લીધા, ખારી સિંગ, ચણા, પાંચ પેકેટ પારલે જી. મેં પૂછ્યું, આ મહુડા છે? તે બોલ્યા હા. મેં કીધું 10 રૂપે કા દેજો. દુકાનવાળા સારા હતા, એમણે ત્રણ મોટા ભરી મહુડા ફ્રી માં આપ્યા. શાળા પર આવી બેઠો. બિસ્કીટ ખાધા, થોડા મહુડા ખાધા. પણ દારૂ જેવી ગંધ હતી. એટલે મેં થેલીમાં મૂકી દીધા. અંધારું થવાની તૈયારી હતી. મેં નર્મદાજીનો ફોટો સામે મૂકી આરતી કરી લીધી. પ્રસાદ માટે સાકર અને સિંગદાણા હતા, પણ મારા સિવાય કોઈ પ્રસાદ લેનારું હતું નહિ.

પાછી પેલી છોકરી મને જોવા ઓટલા પર ચડી. અહીંયા બહાર ઠંડી લાગે તો તેણે અંદર જવા માટે જણાવ્યું. પણ દરવાજા પર તો તાળું હતું. પણ તેણે એક બારી બતાવી ગ્રીલ વગરની. તેણે બારી ખોલી કહ્યું, આ અમારો જ ક્લાસરૂમ છે. અહીંયા સુઇ જજો. રાત્રે બહાર નીકળવું નહીં. મેં એને બિસ્કીટનું પેકેટ આપ્યું તો તેણે લેવાની ના પાડી. મેં નર્મદે હર કર્યું. તે નર્મદે હર બોલી. શાળાના ગેટ આગળ જય ફરી નર્મદે હર કરી હાથ ઊંચો કરી આવજો કર્યું.

ઠંડી વધારે હોવાથી મેં શાળાના રૂમમાં જ સૂવાનું પસંદ કર્યું. બહારથી તો દરવાજા પર લોક જ હતું. મેં અંદરથી બારી બંધ કરી દીધી. ઊંઘ આવાની કોઈ શક્યતા ન હતી. શાળાના રૂમમાં લાઈટ પંખો કશું નહીં, મચ્છરો ખરા. શાળાથી દુર કેટલાક માણસો જુગાર રમતા હતા, પીધેલા પણ ખરા, મને અંદાજ આવી ગયો કે આપણે જેમ તેમ રાત પસાર કરવાની છે. રૂમમાં એટલું અંધારું કે આપણો હાથ ના દેખાય, પુસ્તક વાંચવાનો તો સવાલ જ ન હતો.

મારી પાસે એક સાદો મોબાઈલ હતો, તે ખાસ તો ટોર્ચ માટે જ રાખેલો. ગંધારથી કંટાળીને મેં મોબાઇલમાં ભજન ચાલુ કર્યા પણ બેટરી ખતમ થવાની બીકે બંધ કરી દીધા. બીજો પણ ભય હતો કે શાળા રૂમમાં અજવાળું થાય, તો દૂર ઉભેલ ગેંગમાંથી મારી સાથે માથાકૂટ કરવા પણ આવે એમ હતું. શાળાની સામે ઘોર જંગલ, શિયાળના બોલવાનો અવાજ, મેં એકલા એકલા પોક મૂકીને રડી લીધું. ઘર યાદ આવ્યુ, મેં ફોન જોડ્યો, માય સન શૌર્યજિત અને પત્ની સાથે થોડી વાત કરી. તેમણે પૂછ્યું જમવાનું તો મળે છે ને? હા, મેં જમી લીધું, આ તો મચ્છરને લીધે ઊંઘ નથી આવતી એટલે વાત કરી. પછી નર્મદે હર કહી ફોન મૂકી દીધો.

પેલી જુગારીયાઓની ટોળકી રાત્રે 03:30 વાગ્યે વિદાય થઈ. ઊંઘ કેવી રીતે આવી યાદ ના રહે. સવારે ઊઠીને જોયું તો આઠ વાગી ગયા હતા. હવે કોઈ ચિંતા જેવું ન હતું. હેન્ડ પંપ પર જઈને નઈ લીધું. ઝટપટ આરતી કરી. ચાલવાનું શરૂ કર્યું. ચાર કિલોમીટર જેવું ચાલતા કરણ ચિયા ગામ દેખાયું. એક દુકાનદારને પૂછતા આશ્રમ બતાવ્યો. પચાસની ઉંમરના એક શાંત સ્વભાવના ભાઈ અને એમના માતા આ બે જન રહેતા હતા. આ કોઈ આશ્રમ ન હતો, પણ એક ધર્મશાળા અને પાછળ તેમનું ઘર હતું. મા-દીકરા બન્નેને ખુશ થતા થતા નર્મદે હર કીધું.

પેલા ભાઈએ મને જોતા જ કીધું, કલ આપકો કબીર ચોતરા દેખા થા, શામ તક આપ કી રાહ દેખે કોઈ દેખાય નહી દિયા. ભોજન પ્રસાદ વિશે પૂછતા તેમણે કાચુ સિંધુ, દાળ, ચોખા, સુકા મરચા, તપેલી, થોડું તેલ આપ્યું. મેં કીધું ભોજન બનાના નહિ આતા, બનાયા મિલ જાયે તો ખા લેતે હૈ. તેમણે બનાવેલું ભોજન દીધું. દાળ ભાત દીધા ને કોઈ પ્રસંગ હોવાથી એક નાનો લાડુ પણ મૂક્યો.

હું ભોજન કરી આરામ કરવા આડો પડ્યો, એટલામાં કોઈ નાનું બાળક વોકર સાયકલ લઈને ફરતું હોય એવો અવાજ આવ્યો. જોયું તો એક ગુજરાતી પરિક્રમા વાસી. મેં નર્મદે હર કીધું. આવતા જ વાત શરૂ. તેઓ વડોદરાના હતા. નામ ઇન્દુભાઇ મહંત દત્ત ઉપાસક. થોડી વાતો થઈ જોડી જામી.

અત્યારે બસ આટલું જ. વધુ આવતા અંકે. નર્મદે હર.

રાણા રણવીર, રમતા જોગી.

– સાભાર લાલજી રમતા જોગી (અમર કથાઓ ગ્રુપ)