માં વિષે કવિરાજ કાગબાપુ ની આ કવિતા વાંચી ને સમજી શકો તો સમજ્યા જેવી છે

0
2154

મોઢે બોલુ ‘માં’, સાચેંય નાનપણ સાંભરે;

ત્યારે મોટપની મજા, મને કડવી લાગે, કાગડા !

અડી ન જગની આગ, તારે ખોળે ખેલતાં;

તેનો કીધેલ ત્યાગ, (તેથી) કાળજ સળગે,કાગડા !

ભગવાન ને ભજતા, મહેશ્વર આવિ મળે;

(પણ) મળે ન એક જ મા, કોઇ ઉપાયે કાગડા !

મળી ન હરને મા, (તેથી) પરમેશર પશુ થયા;

પણ જાયો ઇ જસોદા, (પછી) કાન કેવાણો, કાગડા !

જનની કેરુ જોર, રાઘવને રે’તુ સદા;

(તેથી) માને ન કરી મોર, કરિયો પિતાને, કાગડા !

ઘુમી ન ઘુઘવતાં, ખોળે ધાવીને ખેલતા;

(એ) ખોળે ખોજીતાં,ક્યાંયે ન મળે, કાગડા !

મોટાં કરીને મા, ખોળેથી ખસતાં કર્યા;

ખોળે ખેલવવા, (પાછા) કરને બાળક, કાગડા !

અમ્રુત ભરિયલ આંખ , તુંકારા જનની તણા;

બીજા ભણતા બાપ, કોરા આખર, કાગડા !

સ્વારથ જગ સારો ,પધારો ભણશે પ્રથી;

(પણ) તારો તુંકારો, ક્યાંય ન મળે, કાગડા !

માતા તો મનમાં ઊણપ કદી ન આણજે

(મારે) ઊભી અંતરમા, (તારી) કાયમ છબી, કાગડા !

માડી સું મનમાંય કોઈ કૂડો સંકલપ કરે,

(એથી) દોઝખ પણ દુભાય, કળ ન સંઘરે, કાગડા !

જનની સામે જોઇ, કપુત તુંકારા કરે,

જ્યાં જ્યાં જનમે હોય, કડવું જીવન, કાગડા !

માના હરિયા માન, કૌરવ કચેરી મધે,

રહી ન રસણા કાન, કહેવા સાંભળવા કાગડા !

જે કર માડી ઝીલીઆ, જે કર પોષ્યા જોય,

તેડી લેજે તોય, એ કરથ છેવટ, કાગડા !

: પદ્મશ્રી દુલા ભાયા કાગ