માં ની મમતાની એક સત્યઘટના “હીરા બુર્ઝ”, શિવાજી મહારાજ વીરાંગનાનું શૌર્ય જોઈ થયા પ્રસન્ન

0
522

હીરા નામની એક ભરવાડણ હતી. તેના પરિવારમાં વૃદ્ધ સાસુ અને લાડકો પુત્ર બાલ્યા એમ કુલ ત્રણ વ્યક્તિ જ હતી. પરિવારનો બધો બોજ હીરા માથે હતો. હીરાનું ગામ છત્રપતિ મહારાજ શિવાજીની રાજધાની રાયગઢની તળેટીમાં હતું.

હીરા પહાડી ચડી, રાયગઢમાં પ્રવેશી, દૂધ વેચી, સાંજે ઝડપથી ઘેર પહોંચતી, બાલ્યાને દૂધ પિવડાવતી, રમાડતી. બાલ્યાની ખુશીમાં માતાનો આનંદ સમાઈ જતો. બંનેને જોઈ વૃદ્ધ સાસુ ખુશ થતાં.

એક વાર હીરા દૂધ વેચવા રાયગઢ ગઈ. એ વખતે ત્યાં કોજાગિરિ ઉત્સવ ચાલતો હતો. હીરા એ ઉત્સવની ઉજવણી જોવામાં એવી, તલ્લીન થઈ ગઈ કે રાયગઢના દરવાજા બંધ થયાનો તેને ખ્યાલ ન રહ્યો.

મોટા, તોતિંગ ખીલાવાળા, ભારે દરવાજા બંધ થવાનો અવાજ સાંભળીને હીરા દોડી , પણ ત્યાં તો દ્વારપાળોએ દરવાજા બંધ કરી દીધા. હીરા ઘણું કરગરી , વારંવાર વિનંતી કરી, બાલ્યાની ચિંતામાં એ રોવા લાગી, છતાં દ્વારપાળોએ કહ્યું : ” શિવાજી મહારાજની આજ્ઞા વગર હવે દરવાજો ખોલી નહીં શકાય. કાલે સવારે દરવાજો ખૂલશે, આજની રાત કોઈ સંબંધીને ત્યાં રોકાઈ જા. કાલે જજે.”

હીરાનું શરીર કસાયેલું હતું. તેણે નિરાશા ખંખેરી નાખી. બાલ્યાનું રડતું મુખ તેને યાદ આવ્યું. દ્વારપાળ માતાની મમતાને નહીં સમજી શકે એવું તેને લાગ્યું. એ ચૂપચાપ કિલ્લાની દિવાલ તપાસતી આગળ વધી, તેણે નિર્ણય કરી લીધો હતો. : ભલે દીવાલ ચડીને બીજી બાજુ ઊતરવાનું જોખમ ખેડવું પડે, મારે જવું છે એ વાત નક્કી છે. હીરાનો નિર્ણય મક્કમ હતો. પોતાના બાળક માટેના પ્રેમને લીધે હવે તેને રાયગઢની ઊંચાઈ કે કિલ્લાની દીવાલના કારમાં ચઢાણનો ડર ન હતો.

દીવાલની બાજુએ ફરતાં – ફરતાં પૂર્વ તરફની બાજુએ હીરા અટકી. પાસેની ઝાડીમાં તેણે બોઘરણું સંતાડી દીધું અને કિલ્લાની દીવાલ ચડવા લાગી. હીરા મહામહેનતે ઉપર પહોંચી. નીચે જોયું ત્યાં તમ્મર આવે એવી ઊંચાઈ હતી, પણ એ હિંમત ન હારી. બાલ્યાનું નિર્દોષ મુખ તે યાદ કરતી અને તેનામાં શક્તિનો સંચાર થતો. એ કિલ્લાના કાંગરા વટાવી બહારની બાજુએ ઊતરી. ધીરેધીરે કિલ્લાની દીવાલ પૂરી થઈ અને પહાડનો ઢોળાવ શરૂ થયો. એક વાર તેનો પગ લથડ્યો અને “બાલ્યા ! ” કહી એ લથડી પડી, પણ ઝાડીના સહારે અટકી ગઈ.

હવે તો થોડી પહાડી જ બાકી હતી. “ બાલ્યા ! હું આવું છું ! ” એમ બોલતી – બોલતી હીરા સહીસલામત નીચે ઊતરી. તેનાં વસ્ત્રો ફાટ્યાં , હાથ – પગ – માથે ઉઝરડા પડ્યા, છતાં સદ્ભાગ્યે એ ઘરે પહોંચી ગઈ, બાલ્યાને ભેટી હીરા ચોધાર આંસુએ રડી, બાલ્યા પણ માતાને વળગી પડ્યો. બીજે દિવસે સવારમાં હીરાને બહારથી દૂધના બોઘરણા સાથે કિલ્લાના પ્રવેશદ્વાર પાસે જોઈને દ્વારપાળો નવાઈ પામ્યા. તેમણે હીરાને રોકી અને પૂછ્યું , “બહાર નીકળી કેવી રીતે ? ”

તેમણે તપાસ કરી. હીરા કોઈ ગુપ્ત માર્ગે બહાર ગઈ હશે એવી દ્વારપાળોને શંકા ગઈ. તેમણે હિરાને શિવાજી મહારાજ સમક્ષ રજૂ કરી. શિવાજી મહારાજે વિનયપૂર્વક હીરા પાસેથી બધી વિગત જાણી. અને એ સ્થાન બતાવવા જણાવ્યું. હીરા બધાને લઈ પૂર્વ તરફની દીવાલે આવીને ઊભી રહી. શિવાજી મહારાજના આદેશથી ફરી તે કિલ્લાના દીવાલ પર ચડી, ઉપર પહોંચી ગઈ. પણ ત્યાથી નીચે ઊતરવાની તેની હિંમત ચાલી નહીં.

શિવાજી મહારાજે કહ્યું , ” કાલે તું ઊતરી હતી, તો આજે કેમ નથી ઊતરી શકતી ? ”

હીરાએ કહ્યું , ” મહારાજ ! કાલે તો મારા પુત્રને મળવાની ઝંખનામાં હું ઊતરી હતી. આજે હવે હું એ શક્તિ ક્યાંથી લાવું ? ”

મહારાજ અત્યંત ખુશ થયા. તેમણે કહ્યું , ‘’ હીરા ! તારામાં માની મમતા છે અને સાથે એક વીરાંગનાનું શૌર્ય છે. તું બહાદુર સ્ત્રી છો ! હું તારું સન્માન કરતાં આનંદ અનુભવું છુ.

બીજે દિવસે દરબારમાં હીરાનું યોગ્ય સન્માન કરવામાં આવ્યું અને હીરાની યાદમાં જે જગ્યાએથી હીરાએ કિલ્લાની દીવાલ ઓળંગી હતી, ત્યાં દીવાલને ઊંચી લઈ બુર્ઝ બનાવવામાં આવ્યું અને તેનું નામ ‘હીરા બુર્ઝ’ રાખવામાં આવ્યું, હીરાની મમતાની, બહાદુરીની અને હિંમતની યાદ આપતો “હીરા બુર્ઝ” આજે પણ રાયગઢમાં મોજૂદ છે.

– શાહબુદીન રાઠોડ

સંકલન-ડો. જગદીશ ત્રિવેદી.