“માં નો રોટલો” આ અદ્દભુત રચના વાંચી તમે યાદોમાં ખોવાઈ જશો.

0
575

માં ના હાથના રોટલા પાસે દેવોનું અમૃત પણ તુચ્છ છે. એ મીઠાશ સામે જગતની તમામ સંપત્તિ કે પદ-પ્રતિષ્ઠા પાણી ભરે ! એમાંય આખુ વર્ષ મહેનત કરીને ખેતર ખેડ્યું હોય, બી રોપ્યાં હોય, વર્ષાની કાગડોળે વાટ જોઈ હોય અને પછી મોસમની પહેલી મીઠી બાજરી લણીને એનો લોટ પોતાના હાથે દળ્યો હોય, આંગળાની છાપ પાડીને રોટલો ઘડ્યો હોય અને દેવતાની મીઠાશમાં એને ચઢવ્યો હોય ત્યારે તો એને કઈ ઉપમા આપવી?

તસ્વીરમાં ગ્રામીણ માં એવા રોટલાને જોઈને આનંદવિભોર થઈ ઊઠે છે. લીંબડીના કવિ ચન્તકાન્ત નિર્મલ કહે છે કે, એ રોટલામાં માવડીને પહેલા આણે આવતી પોતાની દીકરીની તસ્વીર દેખાય છે. તસ્વીરકારે જાણે એક જ તસ્વીરમાં અનેક તસ્વીરોને મઢી દીધી છે !

નવી મોસમની મીઠી બાજરી, કર્યું દળણું વહેલી પ્રભાત

હળવે હાથે થાબડી ધીરે, મા પકવે એ ધીરે તાપ

કે મીઠો માં નો રોટલો……

હાથે ટીપાતા રોટલામાં, માને કોનો ચહેરો દેખાય

રોટલામાં જોતી મલકે માવડી, કોને જોઈ હરખાય

કે મીઠો માં નો રોટલો…..

કાલે મળી’તી પ્રિય સખી એની, જેને કહેતી’તી એ બધી વાત

માના હાથનો રોટલો ખાધા, જાણે જુગજુગની થઈ વાર

કે મીઠો માં નો રોટલો…….

ભઈલો ગયો છે તેડવા એને, લાડકડીને પહેલે આણે

સમય થયો આ આવી કે આવશે, વિચારતા મા મલકે અટાણે

કે મીઠો માં નો રોટલો……

– ચન્દ્રકાન્ત નિર્મલ, લીંબડી