માં સંતોષી અને શુક્ર ગ્રહની કૃપા અપાવે છે શુક્રવારનું વ્રત, જાણો તેની વિધિ અને મહાત્મ્ય.

0
792

શુક્રવારે કરો આ દેવી-દેવતાઓના વ્રત અને મેળવો તેમની અપાર કૃપા, જાણો વ્રત-પૂજાની રીત.

હિન્દુ ધર્મમાં સુખ, સમૃદ્ધિ અને સૌભાગ્યની મનોકામના પૂરી કરવા માટે તમામ દેવી-દેવતાઓ અને ગ્રહોની પૂજા અને વ્રત-ઉપવાસ કરવાનો નિયમ છે. વ્રત કે ઉપવાસની પરંપરા આપણે ત્યાં વૈદિક કાળથી ચાલી આવી રહી છે, જે આપણા શરીર, મન અને આત્માને શુદ્ધ કરીને આપણને જોઈતું વરદાન મેળવવાનું માધ્યમ બને છે. જો તમે ઈચ્છો છો કે તમારા ઘરમાં હંમેશા સુખ, શાંતિ અને સમૃદ્ધિ બની રહે, તો તમારે શુક્રવારનું વ્રત જરૂર રાખવું જોઈએ.

એવું માનવામાં આવે છે કે શુક્રવારે શુક્ર ગ્રહ સંબંધિત વ્રત રાખવાથી ભૌતિક સુખ અને સુખી દાંપત્યજીવન મળે છે. અને માતા સંતોષીનું વ્રત રાખવાથી પુત્રની ઉંમર વધે છે અને અવિવાહિત કન્યાઓને યોગ્ય વર મળે છે. બીજી તરફ વૈભવ લક્ષ્મીનું વ્રત કરવાથી ધન અને સમૃદ્ધિના આશીર્વાદ મળે છે. ચાલો જાણીએ શુક્રવારના ઉપવાસની રીત અને મહત્વ.

માતા સંતોષીનું વ્રત : સનાતન પરંપરામાં કમળ પર વિરાજમાન માં સંતોષીને દેવી દુર્ગાના સૌથી શાંત અને સૌમ્ય સ્વરૂપોમાંથી એક માનવામાં આવે છે. ભગવાન ગણેશની પુત્રી ગણાતા માં સંતોષીના આશીર્વાદ મેળવવા માટે શુક્રવારે વ્રત રાખવાનું વિધાન છે. એવું માનવામાં આવે છે કે, શુક્રવારે માતા સંતોષીના નામનું વ્રત કરવાથી જીવન સંબંધિત આર્થિક સમસ્યાઓ અને લગ્નમાં આવતી અડચણો દૂર થાય છે. જેને કોઈપણ વ્યક્તિ શુક્લ પક્ષના પહેલા શુક્રવારથી શરૂ કરી શકે છે.

માતા સંતોષીની પૂજા દરમિયાન પ્રસાદમાં કમળનું ફૂલ અને ખાસ કરીને ગોળ અને ચણા ચઢાવવા જોઈએ. 16 શુક્રવાર સુધી આ પવિત્ર વ્રત રાખવાનો નિયમ છે. માતા સંતોષીના વ્રત દરમિયાન ખાટી વસ્તુઓનું સેવન પ્રતિબંધિત છે.

શુક્ર ગ્રહનું વ્રત : જો તમારી કુંડળીમાં શુક્ર ગ્રહ નબળો પડી રહ્યો છે અને અશુભ પરિણામ આપી રહ્યો છે તો તેની સાથે જોડાયેલા દોષોને દૂર કરવા માટે ખાસ કરીને શુક્રવારના 21 કે 31 ઉપવાસ કરવા જોઈએ. ઉપવાસ પૂરો થયા પછી નિયમ પ્રમાણે પારણાં કરવા જોઈએ. એવું માનવામાં આવે છે કે, શુક્ર ગ્રહ સંબંધિત શુક્રવારનું વ્રત રાખવાથી સુખ, ધન અને સૌભાગ્ય વધે છે અને દેવી લક્ષ્મીની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે.

શુક્રવારના વ્રતના દિવસે સફેદ વસ્ત્રો ધારણ કરીને ભક્તે શુક્ર ગ્રહના મંત્ર ‘ઓમ દ્રાં દ્રીં દ્રૌં સ: શુક્રાય નમઃ’ નો જાપ કરવો જોઈએ અને સફેદ વસ્ત્રો, ચોખા, ખાંડ વગેરે સફેદ વસ્તુઓનું દાન કરવું જોઈએ.

વૈભવ લક્ષ્મીનું વ્રત : શુક્રવારે માં વૈભવ લક્ષ્મીના નામ પર વ્રત કરવાનો પણ નિયમ છે. કોઈપણ શુક્લ પક્ષના શુક્રવારે આ વ્રત શરૂ કરો, જે આર્થિક સમસ્યાઓથી મુક્તિ અને માન-સન્માન આપે છે. ઓછામાં ઓછા 11 કે 21 ઉપવાસ કરવા જોઈએ. આ વ્રતમાં દેવી લક્ષ્મીના વૈભવ સ્વરૂપની લાલ કે સફેદ ફૂલોથી પૂજા કરો અને પ્રસાદમાં ચોખા અને દૂધથી બનેલી ખીર ચઢાવો.

વ્રતની પૂર્ણાહુતિ થાય ત્યારે છેલ્લા વ્રતના દિવસે સાત અથવા નવ કન્યાઓ અથવા પરિણીત મહિલાઓને બોલાવીને તેમને ખીર-પુરી ખવડાવો અને વૈભવ લક્ષ્મી ઉપવાસના પુસ્તક, ફળો, ખીરનો પ્રસાદ તેમજ દક્ષિણા આપીને સન્માનપૂર્વક વિદાય આપો.

(ડિસ્ક્લેમર : અહીં આપેલી માહિતી ધાર્મિક આસ્થા અને લોક માન્યતાઓ પર આધારિત છે. તેનું કોઈ વૈજ્ઞાનિક પ્રમાણ નથી. તેને સામાન્ય જનરૂચીને ધ્યાનમાં રાખીને અહીં રાજુ કરી છે.)

આ માહિતી ટીવી 9 અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.