માં સરસ્વતીના નામના અર્થની સાથે જાણો તેમના જન્મની કથા અને તેમને પ્રસન્ન કરવાના ઉપાય. હિંદુ ધર્મમાં જ્ઞાન, સંગીત, કળાની દેવીના રૂપમાં માં સરસ્વતીની પૂજા કરવામાં આવે છે. તેમને ત્રીદેવીના રૂપમાં પૂજવામાં આવે છે. દેવીના રૂપમાં સરસ્વતીનો સૌથી પહેલો ઉલ્લેખ ઋગ્વેદમાં છે. માં સરસ્વતી પશ્ચિમ અને મધ્ય ભારતના જૈન ધર્મના વિશ્વાસીઓ દ્વારા પણ પૂજનીય છે, સાથે સાથે અમુક બોદ્ધ સંપ્રદાયના લોકો પણ તેમની પૂજા કરે છે. ઋગ્વેદમાં તે એક નદીનું પ્રતિનિધિત્વ કરે છે, જેનાથી સંગઠિત નિર્માણ કાર્ય આગળ વધે છે.
માં સરસ્વતી અજ્ઞાનના અંધકારને મટાડનારી દેવી છે. એટલા માટે તેમને હંમેશા સફેદ રંગમાં દર્શાવવામાં આવે છે. તે દરેક વિજ્ઞાનો, કળાઓ, શિલ્પો અને કૌશલ્યનું પ્રતિનિધિત્વ કરે છે. તે જ્ઞાનમાં રસ ધરાવતા બધા વ્યક્તિઓ, ખાસ કરીને વિદ્યાથીઓ, શિક્ષકો, વિદ્વાનો અને વૈજ્ઞાનિકો દ્વારા પૂજવામાં આવે છે.
માં સરસ્વતીના નામનો અર્થ શું છે? સર એટલે સાર, સ્વ એટલે સ્વયં જેનો શાબ્દિક અર્થ છે સ્વયંનો સાર અને સરસ્વતીનો અર્થ છે “તે જે સાર તરફ જાય છે” આત્મ જ્ઞાન. તે સુરસા-વતીનો એક સંસ્કૃત મિશ્રિત શબ્દ પણ છે, જેનો અર્થ પાણીથી ભરપુર થાય છે.
દેવી સરસ્વતીના બીજા નામ : પ્રાચીન હિંદુ સાહિત્યમાં સરસ્વતીને ઘણા નામથી ઓળખવામાં આવે છે. તેમના નામનો શાબ્દિક અર્થ, જે વહે છે, જેને વિચારો, શબ્દો કે નદીના પ્રવાહ ઉપર લાગુ કરી શકાય છે તે. ઋગ્વેદમાં તે એક નદીની દેવી છે. તેમના બીજા નામોમાં શારદા, બ્રાહ્મણી, બ્રાહ્મી, મહાવીધ્યા, ભારતી, ભારદી વાણી અને વાચા, વર્નેશ્વરી, કવીજવીગ્રહવાસીની, આર્યા, કામઘેનુ, ધનેશ્વરી, અને વાગેશ્વરી છે.
માં સરસ્વતીની જન્મ કથા : પૌરાણીક માન્યતા મુજબ જયારે બ્રહ્માએ બ્રહ્માંડની રચના કરી, ત્યાર પછી તેમને તેમાં રૂપ, અવધારણા અને વાણીનો અભાવ લાગ્યો. તેમણે સૃષ્ટિને વ્યવસ્થિત બનાવવા માટે પોતાના મુખેથી દેવી સરસ્વતીને પ્રગટ કર્યા અને તેમને આદેશ આપ્યો કે, તે બ્રહ્માંડમાં વાણી, ધ્વની, જ્ઞાન અને ચેતનાનો સંચાર કરે. એક પૌરાણીક કથા અનુસર, એક વખત ગંધર્વએ દેવતાઓ પાસેથી સોમ રસનો છોડ ચોરી લીધો હતો, જેના કારણે દેવતાઓ ઘણા દુઃખી થઇ ગયા હતા. ત્યારે માં સરસ્વતીએ તેમને વચન આપ્યું હતું કે, તે યુ ધ કર્યા વગર છોડ પાછો લઇ આવશે.
બસ એવું જ થયું, તે ગંધર્વના બગીચામાં ગયા અને તેમની વીણાથી જુદા જુદા પ્રકારના સંગીત ઉત્પન કરી દીધા. જે સાંભળીને ગંધર્વ મંત્રમુગ્ધ થઇ ગયા. તેમણે સરસ્વતી માતા પાસે તે સંગીત શીખવાની વિનંતી કરી. ત્યારે સરસ્વતીએ તેમની પાસેથી સોમ રસનો છોડ દક્ષિણા તરીકે લીધો, અને તેમને વીણાથી સંગીત શીખવ્યું.
દેવી સરસ્વતીનું સ્વરૂપ : સામાન્ય રીતે ફોટામાં સરસ્વતી માતાને સફેદ વસ્ત્રો પહેરેલા અને કમળ ઉપર બીરાજમાન જોઈ શકાય છે. તેમનું સફેદ કમળ પ્રકાશ, જ્ઞાન અને સત્યનું પ્રતિક છે. ચિત્રમાં તેમના ચાર હાથ દેખાડવામાં આવ્યા છે. જેમાંથી બે હાથથી તે વીણા પકડે છે, અને એક હાથમાં આંબળાની માળા અને બીજા હાથમાં પુસ્તક પકડેલું છે.
તે વીણા દ્વારા આપણને લલિત કલાઓ વિષે જણાવે છે, અને આમળાની માળા તપસ્યા, ધ્યાન અને જપ સહીત બધા આધ્યાત્મિક વિજ્ઞાન યોગનું પ્રતિક છે. ડાબા હાથમાં પુસ્તક અને જમણા હાથમાં માળા ધારણ કરીને તે સ્પષ્ટ રીતે આપણને બોધ આપી રહી છે કે, આધ્યાત્મિક વિજ્ઞાન ધર્મનીરપેક્ષ વિજ્ઞાનની સરખામણીમાં વધુ મહત્વપૂર્ણ છે.
તે ઉપરાંત ફોટામાં તમે મોર અને હંસ પણ જોયા હશે. મોર હકીકતમાં અવિદ્યાનું પ્રતિક છે, અને બીજી તરફ હંસ જે પાણીમાંથી દૂધ અલગ કરવાની અનોખી શક્તિઓનો અધિકારી માનવામાં આવે છે, તેનો અર્થ વિવેક છે.
માં સરસ્વતીને પ્રસન્ન કરવાના ઉપાય : બુદ્ધી અને વાણીની દેવીને પ્રસન્ન કરવા માટે દર વર્ષે આપણે વસંતપંચમીનું પર્વ ઊજવીએ છીએ. આ દિવસે આપણે પીળા વસ્ત્ર પહેરીને માં ની પૂજા કરીએ છીએ.
આ દિવસે માં સરસ્વતીના ફોટા કે મૂર્તિ ઉપર કંકુ, કેસર, હળદર, ચોખા અને ફૂલ અર્પણ કરીએ છીએ. ત્યાર પછી ઘી નો દીવો પ્રગટાવીને તેમની આરતી સાથે તેમની પૂજા કરીએ છીએ અને આશીર્વાદ લઈએ છીએ.
માં શારદાને ભોગના રૂપમાં પીળી મીઠાઈ અર્પણ કરીએ છીએ.
તે ઉપરાંત સદ્દબુદ્ધી અને મધુર વાણી માટે માં સરસ્વતી મંત્ર ऊँ ऐं सरस्वत्यै नम: નું ઉચ્ચારણ પણ કરીએ છીએ.
જો તમને આ બધા ઉપાયો પછી પણ દેવી શારદાની કૃપા પ્રાપ્ત નથી થઇ રહી, તો તમારે કોઈ અનુભવી જ્યોતીષાચાર્ય પાસે તમારી રાશિ અનુસાર પૂજા વિધિ જાણીને પૂજા અર્ચના કરવી જોઈએ.
આ માહિતી એસ્ટ્રો યોગી અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.