“માડી તારા દિકરાને કુદરતના ખેલ પણ બતાવજે…” – દરેક માં એ આ રચના જરૂર વાંચવી જોઈએ.

0
521

રચનાકાર : દેવાયત ભમ્મર.

એને ઝૂપડી અને મહેલ પણ બતાવજે.

માડી તારા દિકરાને કુદરતના ખેલ પણ બતાવજે.

ઝટ ઓઢણાની ગાંઠ નહીં છોડતી,

ને ધૂળમાં પડે તો ઝટ નહીં ધોડતી.

માડી એને વાંદરાના ગેલ પણ બતાવજે.

એને ઝૂપડી અને મહેલ પણ બતાવજે.

દિવસે ખૂંદે ધરતી ને રાત્યે એ આભને.

તારાં ગણાવજે, બતાવજે વાદળીના ગાભને.

ને ક્યારેક એને પથ્થર ધગેલ પણ બતાવજે.

એને ઝૂપડી અને મહેલ પણ બતાવજે.

લઈ જજે માવડી કોઈ હરિયાળા ખેતમાં.

ને બની શકે તો રમવા દેજે ધોરીયાની રેતમાં.

મોરલો એ જોશે તું ઈંડા સેવતી ઢેલ પણ બતાવજે.

એને ઝૂપડી અને મહેલ પણ બતાવજે.

માડી કમરમાં લઈ તારાં કુમળાં કુંવરને.

છોડીને દિવાલ ચાર વળી આખા ભુવનને.

એક ‘દેવ’ ગોકળગાય ને એક રેલ પણ બતાવજે.

એને ઝૂપડી અને મહેલ પણ બતાવજે.

માડી તારા દિકરાને કુદરતના ખેલ પણ બતાવજે.

– દેવાયત ભમ્મર.