એક ભાઈની મચ્છરદાનીમાં કાણું પડી ગયું, જેથી મચ્છરો અંદર આવવા લાગ્યા. તે ભાઈને સિલાઈ કામ આવડતું ન હતું ન હતું. એટલે એણે તેનો જુગાડ શોધી કાઢ્યો.
તે ભાઈએ મચ્છરદાનીમાં જ્યાં કાણું પડેલું હતું એની બરાબર સામેની બાજુએ એવડું જ બીજું કાણું પાડી દીધું. પછી છાપાની ગોળ ભૂંગળી વાળીને એક કાણામાં પસાર કરી અને સામેના કાણામાંથી બહાર કાઢી લીધી.
તેના આ જુગાડથી મચ્છર ભૂંગળીમાં એક બાજુથી પ્રવેશીને બીજી બાજુએ બહાર નીકળવા લાગ્યા. મચ્છરો મચ્છરદાનીમાંથી તો પસાર થાય, પણ નીચે સૂતેલા પેલા ભાઈને અડી ન શકે.
હવે તમે એ વિચારો કે આવી એક ભૂંગળી આપણા મગજમાં પણ હોય તો કેવું સારું પડે! જે વાતો, દ્રશ્યો, સંવેદનાઓ મચ્છર જેવી પરેશાન કરનારી હોય એને મગજમાં ઘૂસવા જ નહીં દેવાની. એ સીધેસીધી પેલી ભૂંગળીમાંથી પ્રવેશીને મગજને સ્પર્શ કર્યા વિના બીજા છેડેથી બહાર નીકળી જાય.
આ ટ્રિક સારી છે. આમાં કરવાનું ફક્ત આટલું જ છે કે, તમે જે સાંભળો, વિચારો, અનુભવો છો એમાંથી જે કંઈ મગજમાં પ્રવેશવાને લાયક ન હોય, બીજા શબ્દોમાં કહીએ તો જે બાબત યાદ રાખવા જેવી ન હોય એ બધી જ મગજમાંની ભૂંગળીના એક છેડેથી પ્રવેશીને બીજા છેડેથી બહાર નીકળી રહી છે એવી કલ્પના કરો.
આમ કરવાથી મગજ ચોખ્ખું, સ્ફૂર્તિલું અને મોકળાશભર્યું બની રહેશે. ટ્રાય કરી જુઓ. થોડી પ્રેક્ટિસ પછી તમને ખરેખર લાગશે કે આ ભૂંગળી મગજને ઉકરડો બનવાથી બચાવે છે.
– લેખક અજ્ઞાત (વોટ્સએપ પર ફોરવર્ડ થયેલો મેસેજ.)