મહાભારત યુદ્ધમાં પાંડવો અને કૌરવોએ ક્યારે, કયા યોદ્ધાનો લુચ્ચાઈથી કર્યો વધ?

0
549

ફક્ત કૌરવો જ નહીં પણ પાંડવોએ પણ આ મહાન યોદ્ધાઓનો વધ કરવા માટે કરી હતી લુચ્ચાઈ. કૌરવો અને પાંડવો મળીને મહાભારત યુદ્ધ માટે અમુક નિયમ બનાવ્યા હતા, જેનું બંને પક્ષોએ પાલન કરવાનું હતું. યુદ્ધ શરુ થયાના થોડા દિવસો સુધી તો તે નિયમોનું પાલન કરવામાં આવ્યું, પરંતુ પાછળથી આ નિયમોને ઘણી વખત તોડવામાં આવ્યા અને કપટનો સહારો લઈને યોદ્ધાઓને મારવામાં આવ્યા. યુદ્ધમાં ક્યારે, કોણે કપટથી યોદ્ધાઓનો વધ કર્યો, આજે અમે તમને તે જણાવી રહ્યા છીએ.

શિખંડીને આગળ કરી ભીષ્મને પરાજીત : યુદ્ધ શરુ થયા પછી કૌરવો તરફથી ભીષ્મ પિતામહને સેનાપતિ બનાવવામાં આવ્યા. ભીષ્મએ પાંડવોની સેનામાં હાહાકાર મચાવી દીધો. ત્યારે અર્જુને શિખંડીને આગળ કરી ભીષ્મ સામે યુદ્ધ કર્યું. ભીષ્મ જાણતા હતા કે શિખંડીનો જન્મ સ્ત્રીના રૂપમાં થયો છે અને પાછલા જન્મમાં પણ તે એક સ્ત્રી હતી. ભીષ્મએ સ્ત્રી ઉપર વાર ન કરવાની પ્રતિજ્ઞા કરી હતી. એટલા માટે તે અર્જુન ઉપર વાર ન કરી શક્યા અને અર્જુને ભીષ્મને પરાજીત કરી દીધા.

કૌરવોએ કર્યો અભિમન્યુનો વધ : યુદ્ધ શરુ થતા પહેલા એ નિયમો બનાવવામાં આવ્યા હતા કે એક યોદ્ધા સામે એક યોદ્ધા યુદ્ધ કરશે. બીજા કોઈ તેની વચ્ચે નહિ જાય, પરંતુ કૌરવોએ એ નિયમ તોડ્યો. જયારે અભિમન્યુ એકલા ચક્રવ્યૂહમાં ફસાઈ ગયા તો કર્ણ, દુર્યોધન, દુઃશાસન, શકુની વગેરે યોદ્ધાઓએ મળીને અભિમન્યુનો વધ કરી દીધો. ત્યાર પછી જ યુદ્ધના નિયમોનું તુટવાનું શરુ થયું.

સાત્યકીએ કર્યો ભૂરીશ્રવાનો વધ : ભૂરીશ્રવા મહાન પરાક્રમી યોદ્ધા હતો. યુદ્ધમાં તેણે કૌરવોનો સાથ આપ્યો હતો. સત્યકી અર્જુનના શિષ્ય હતા. કુરુક્ષેત્રમાં જયારે આ બંને મહાવીર મલ્લ યુદ્ધ કરી રહ્યા હતા ત્યારે ભૂરીશ્રવાએ સાત્યકીને ઉઠીને જમીન ઉપર પછાડી દીધો અને જયારે તે સાત્યકીનો વધ કરવા માંગતા હતા, તે સમયે અર્જુને દુરથી જ તીર ચલાવીને તેનો હાથ કાપી નાખ્યો. અર્જુન દ્વારા આ પ્રકારના યુદ્ધના નિયમ તોડવા ઉપર ભૂરીશ્રવાને ઘણો ગુસ્સો આવ્યો અને તે ઉપવાસ ઉપર ત્યાં બેસી ગયા. સાત્યકીએ તેનો ફાયદો ઉઠાવીને ભૂરીશ્રવાનો વધ કરી દીધો.

કપટથી કર્યો દ્રોણાચાર્યનો વધ : ભીષ્મ પછી દ્રોણાચાર્યને કૌરવોના સેનાપતિ બનાવવામાં આવ્યા. દ્રોણાચાર્ય ઉપર વિજય મેળવવો જયારે પાંડવો માટે મુશ્કેલ બની ગયો ત્યારે ભીમે અશ્વત્થામા નામના હાથી નો વધ કરી દીધો અને એવું કહેવા લાગ્યા કે મેં અશ્વત્થામાનો વધ કરી દીધો. દ્રોણાચાર્યના પુત્રનું નામ પણ અશ્વત્થામા હતું, તેનાથી તે દ્વિધામાં પડી ગયા. જયારે તેમણે તેના વિષે યુધીષ્ઠીરને પૂછ્યું, તો તેમણે પણ તેને સત્ય ન જણાવ્યું. પુત્ર મોહને કારણે દ્રોણાચાર્યએ તેના હથીયાર મૂકી દીધા અને ધ્યાનની સ્થિતિમાં બેસી ગયા. તેનો ફાયદો ઉઠાવતા ધૃષ્ટદયુમ્ન (પાંડવોના સેનાપતિ) એ તેનો વધ કરી દીધો.

અર્જુને આવી રીતે કર્યો કર્ણનો વધ : મહાભારત યુદ્ધનો એક નિયમ એ પણ હતો કે નિઃસહાય વ્યક્તિ ઉપર કોઈ વાર નહિ કરે અને જે યોદ્ધા પોતાના રથની નીચે છે, તેની સાથે પણ યુદ્ધ નહિ કરવામાં આવે. યુદ્ધ દરમિયાન જયારે કર્ણના રથનું પૈડુ જમીન સાથે ઘસાઈ ગયું હતું અને કર્ણ તેને કાઢવા નીચે ઉતર્યા, તે સ્થિતિમાં અર્જુને તેનો વધ કરી દીધો. તે સમયે કર્ણની પાસે શસ્ત્ર પણ ન હતું અને તે નિઃસહાય સ્થિતિમાં હતા.

ભીમે કર્યો દુર્યોધનનો વધ : જયારે કૌરવોની સેના નાશ થઇ ગઈ ત્યારે ભીમ અને દુર્યોધનમાં નિર્ણાયક ગદા યુદ્ધ થયું. ગદા યુદ્ધના નિયમો મુજબ યોદ્ધા કમર નીચે વાર નથી કરી શકતા, પરંતુ ભીમે આ નિયમને તોડીને તેની ગદાથી દુર્યોધનની જાંઘ ઉપર વાર કર્યો. જાંઘ ઉપર વાર થવાથી દુર્યોધન પરાજીત થઇ ગયો. ત્યાં તરફડીને દુર્યોધનનો જીવ નીકળી ગયો.

અશ્વત્થામાએ પણ તોડ્યો યુદ્ધનો નિયમ : રાત્રે કોઈ કોઈના ઉપર વાર નહિ કરે, એ પણ મહાભારત યુદ્ધનો નિયમ હતો. આ નિયમને અશ્વત્થામાએ તોડ્યો હતો. દુર્યોધને મરતા પહેલા અશ્વત્થામાને કૌરવોના અંતિમ સેનાપતિ બનાવ્યા. તે સમયે અશ્વત્થામા ઉપરાંત કૌરવો તરફથી માત્ર કૃપાચાર્ય અને કૃતવર્મા જ જીવતા રહ્યા હતા. અશ્વત્થામા રાતના અંધારામાં પાંડવોની શિબિરમાં ઘુસી ગયા અને ધૃષ્ટડયુમ્ન, યુધામન્યુ ઉપરાંત દૌપદીના પાંચે પુત્રોનો વધ કરી દીધો.

આ માહિતી એશિયનનેટ ન્યુઝ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.