મહાકાલેશ્વર ભગવાનનો મહિમા, જાણો કેવી રીતે એક પાંચ વર્ષનો બાળક થયો શિવ ભક્તિમાં લીન

0
381

ઉજ્જૈન નામની નગરીમાં ચંદ્રસેન નામનો રાજા હતો. આ ચંદ્રસેન રાજાની મણિભદ્ર સાથે મિત્રતા હતી. મણિભદ્ર સદાશિવનો મુખ્ય સેવક હતો. એકવાર મણિભદ્ર રાજા ચંદ્રસેન પર પ્રસન્ન થયો. તેણે રાજાને પોતાનો કૌસ્તુભમણિ પ્રદાન કર્યો, જે સૂર્યના સમાન પ્રકાશિત હતો, ત્યારે રાજા તેને પોતાના ગળામાં ધારણ કરીને સૂર્ય સમાન ચમકવા લાગ્યો. એ મણિને ચંદ્રસેન પાસે જોઈને અન્ય રાજા એના પર ઈર્ષા કરવા લાગ્યા તથા તેને પ્રાપ્ત કરવાની ચેષ્ટા કરવા લાગ્યા.

રાજા જોડે તેમણે તે મણી માંગ્યો, પણ રાજાએ બધાને ના પાડી દીધી અને ધમકાવ્યા. પણ આના લીધે કેટલાક રાજા તેનાથી નારાજ થઇ યુદ્ધ કરવા તૈયાર થયા. રાજાએ પણ યુદ્ધની તૈયારી કરી લીધી. તેઓ પોતપોતાની ચતુરંગિણી સેના લઈને યુદ્ધ કરવા આવ્યા. આ જોઈને એણે મહાકાલેશ્વર ભગવાનની શરણ લીધી. એ સમયે ત્યાં ગોપી આવી. તેના ખોળામાં એક બાળક હતું. જે લગભગ પાંચ વર્ષનું હતું. ગોપી વિધવા હતી. તે બંને ત્યાં બેસીને રાજાનું શિવપૂજન જોવા લાગ્યા. પછી પૂજન જોઈને તે ગોપી બાળકને લઈને પોતાના ઘરે આવી.

ઘરે જઈને એ પાંચ વર્ષના બાળકના મનમાં આવ્યું કે ‘હું પણ રાજાની જેમ જ શિવજીનું પૂજન કરું.’ આવો વિચાર કરી તે ક્યાંકથી એક પથ્થરનો ટુકડો ઉઠાવી લાવ્યો અને દીપ, ધૂપ, નૈવેદ્ય આદિનું મનથી જ ધ્યાન કરીને પૂજા કરવા લાગ્યો. એટલામાં ગોપીએ તેને ભોજન માટે બોલાવ્યો, પરંતુ બાળક શિવપૂજનમાં મગ્ન હતો. માતાને શી ખબર હતી કે તેનો પુત્ર શું કરે છે?

બાળકે માતાના અવાજને સાંભળ્યો નથી, તેમ માની માતા સ્વયં બાળકને બોલાવવા ગઈ. તેણે જોયું કે બાળક આંખો બંધ કરીને બેઠો છે. ગોપીએ તેને પકડીને ખેંચી લીધો. તે બાળકને ધમકાવવા લાગી. માતાએ એ બાળકના પૂજાના પથ્થરને ઉઠાવીને ક્યાંક ફેંકી દીધો. પછી તે બાળકને ખેંચીને ઘરમાં લઇ ગઈ. તે બાળક ‘શિવ શિવ’ કહીને વ્યાકુળ થઈને પૃથ્વી પર પડી ગયો. તેના હોશ જતા રહ્યા. તે જોઈને માતાના હોંશ પણ જતા રહ્યા. થોડા સમય પછી બાળક હોંશમાં આવ્યો, તો તેણે જોયું કે તે મહાકાલના મંદિરમાં બેઠો છે, ત્યાં તેણે ભગવાન શિવનું રત્નમય જ્યોતિર્લિંગ જોયું.

પ્રતીકાત્મક ફોટો

આ જોઈને તે વારંવાર શિવને પ્રણામ કરવા લાગ્યો. પછી ભગવાન શિવનું ધ્યાન ધરતા તે ભાગીને પોતાના ઘરે ગયો. ત્યાં પોતાના ઘરને ખુબ સુંદર જોઈને તે આશ્ચર્યમાં પડી ગયો. પછી માતાની તરફ જોયું. તે પણ રત્નજડિત પલંગ પર સૂતી હતી. તેણે અમૂલ્ય આભૂષણો ધારણ કર્યા હતા ત્યારે બાળકે પ્રસન્ન થઈને પોતાની માતાને જગાડી તથા સદાશિવની પ્રસન્નતાના સમાચાર સંભળાવ્યા. ગોપી આ જોઈ તથા સાંભળીને ખુબ પ્રસન્ન થઇ.

આ બાજુ રાજાનો શિવપૂજનનો નિયમ સમાપ્ત થયો, તો એમણે આ બાળક પર શિવની કૃપા થવાના સમાચાર સાંભળ્યા. રાજા મંત્રીઓની સાથે તેના ઘરે ગયા. ત્યાં ભગવાન શિવનો પ્રભાવ જોયો, તો તેના આશ્ચર્યની સીમા ન રહી. રાજા તથા અન્ય લોકોએ મળીને રાતે મોટો ઉત્સવ ઊજવ્યો. પ્રાતઃકાળે આ સમાચાર આખા નગરમાં ફેલાઈ ગયા.

ગોપીના ઘરે નગરના લોકોની ભીડ થવા લાગી. ચંદ્રસેન રાજા પર ચઢાઈ કરનાર અન્ય રાજાઓએ પણ આ વાત સાંભળી. એમણે માની લીધું કે, ‘ઉજ્જૈન નગરી પર તો ભગવાન મહાકાલની ખુબ કૃપા છે. ત્યાંનો રાજા ચંદ્રસેન શિવજીનો પરમ ભક્ત છે. અમે તેને જીતી નહીં શકીએ. તેની સાથે મિત્રતાથી અમારું કલ્યાણ થશે.’ આમ વિચારીને બધા રાજાઓ ગોપીના ઘરે શિવજીના દર્શન કરવા આવ્યા. ત્યાં બાળકની ભક્તિ તથા જ્યોતિર્લિંગના દર્શન કરીને ખુબ જ આનંદિત થયા. પછી રાજાની સાથે એમની મિત્રતા થઇ ગઈ.

ત્યાર પછી ત્યાં પ્રત્યક્ષ રૂપથી હનુમાનજી પ્રગટ થયા. તેમનાં દર્શન કરીને બધા રાજા ખુબ પ્રસન્ન થયા. પ્રેમ, શ્રદ્ધાથી બધાએ એમનું પુજન કર્યું. હનુમાનજીએ ગોપીના બાળકને ઉઠાવીને ગળે લગાવ્યો. પછી બધા રાજાઓને કહ્યું : “આખા ચરાચર જગતના કલ્યાણકર્તા ભગવાન શિવ છે. આ ગોપીના બાળકે રાજા ચંદ્રસેનને શિવપૂજન કરતા જોયા હતા. એ રીતે તેણે પણ પૂજા કરી.

તેનું આ પરિણામ આવ્યું કે તેનું પરમ કલ્યાણ થયું. જે બધા આ જુએ છે, તેને પરમ મોક્ષ પ્રાપ્ત થશે. આ કુળમાં આઠમી પેઢીથી મહાયજ્ઞ પુરુષ થશે, જેનું નામ નંદ હશે. તેમના ઘરે શ્રીકૃષ્ણ પુત્ર રૂપથી ઉત્પન્ન થશે. એ સમયે શ્રી કટ નામથી તે પ્રસિદ્ધ થશે.” આટલું કહીને હનુમાનજી અંતર્ધાન થઇ ગયા.

ચંદ્રસેને આગુંતક બધા રાજાઓનો સત્કાર કર્યો, બધા રાજા પોત-પોતાની રાજધાનીમાં ગયા. ચંદ્રસેન તથા બાળકે વિધિપૂર્વક ભગવાન શિવની આરાધના કરી. તે બંને આ લોકમાં સુખ ભોગવીને અંતમાં વૈકુંઠ ધામને પ્રાપ્ત થયા. આ શિવકૃપાનું સુંદર માહાત્મ્ય છે. તેનું શ્રવણ કરવાથી જ બધાના કષ્ટ દૂર થઇ જાય છે તથા ભગવાન શિવની કૃપા થાય છે.

(પ્રિવ્યૂ ફોટો પ્રતીકાત્મક)