“કંથારપુર” પહેલીવાર આ નામ સાંભળતા જ ઐતિહાસિક લાગે તેવું છે. ગાંધીનગરથી બિલકુલ નજીક આવેલ આ સ્થળ એક વૃક્ષને કારણે પ્રસિધ્ધી પામી રહ્યું છે. અને આ વૃક્ષ અને ગામને પ્રસિધ્ધ બનાવવા પાછળ સૌથી મોટો ફાળો તત્કાલિન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબનો. કંથારપુરમાં મહાકાળી માતાનાં વડ તરીકે ઓળખાતો એક વિશાળ વડ આવેલો છે જે અંદાજીત 500 વર્ષ કરતા પણ વધારે પ્રાચીન હોવાનું જાણવા મળે છે.
આ વડની એક એક ડાળી, વડવાઈ, તેની ઘટાદાર છત્ર, વિશાળતા આવનાર સૌને મંત્રમુગ્ધ કરી દે છે અને અહીં મુલાકાતે આવતી વેળા એ ઘણાં દુરથી જ એક વિશાળ છત્રાકાર આકારને આપણી નજીક આવતો આપણે જોઈ શકીએ છીએ. ટીમ અતુલ્ય વારસો દ્વારા અહી ટી પાર્ટી (હેરિટેજ પ્રેમીઓ સાથે ચર્ચા) નું આયોજન કરવામાં આવેલ તેમજ ત્યારબાદ સ્થાનિક લોકોને જોડીને સ્વચ્છતા અભિયાન પણ હાથ ધરવામાં આવેલ.
અડધા એકરથી પણ વધારે વિસ્તારમાં પથરાયેલ આ વડમાં મુખ્ય થડ નજીક મહાકાળી માતાનું સ્થાનક આવેલું છે અને આ વડની નજીક વાવ હોવાની લોકવાયકા પણ છે. જો કે વર્તમાન સમયમાં વાવનાં કોઈ પુરાવાઓ મળતા નથી. અહીં વડ પર કાયમ માટે વાંદરાઓનું મોટું ટોળુ વસવાટ કરે છે અને આશરે 50 થી પણ વધુ સંખ્યામાં વાંદરાઓ તેમના બાળક સાથે અહીં વડ પર વસવાટ કર્યાનું જણાઈ આવે છે.
અને એ ઉપરાંત આ વડ અનેક પંક્ષીઓનું ઘર છે. પ્રવાસનની દ્રષ્ટીએ અહીં એક વડ અને મંદિર જ છે પણ તેની નજીકનાં અંતર સુધીમાં બે અન્ય ઐતિહાસિક સ્મારકો આવેલા છે, જેમાં એક છે હાલીસાનો ભમ્મરિયો કૂવો અને બીજુ છે સાંપાની વાવ, જે પ્રવાસીઓ માટે સરકીટની ભૂમિકા પુરી પાડે છે.
– સાભાર અતુલ્ય વારસો (અમર કથાઓ ગ્રુપ)