ભારત સંતોની ભૂમિ છે. ઘણાં સંતો અહીં સમય સમય પર જન્મે છે અને સમાજમાં ભક્તિ ફેલાવે છે. મહારાષ્ટ્ર એ ભારતનું એક એવું રાજ્ય છે જેમાં ઘણા સંતોનો જન્મ થયો હતો. મહારાષ્ટ્રના આ મહાન સંતોમાંથી એક છે, સંત નામદેવ.
સંત નામદેવજીનો જન્મ ઇ.સ. ૧૨૭૦ ની ૨૬ મી ઓક્ટોબર, કાર્તિક સુદ એકાદશીના દિવસે મહારાષ્ટ્રના સતારા જિલ્લાના નરસી બામણી ગામમાં થયો હતો. તેમના પિતાનું નામ દામાશેઠ અને માતાનું નામ ગોણાઇ દેવી હતું. તેમનો પરિવાર ભગવાન વિઠ્ઠલનો પરમ ભક્ત હતો, એટલે વિઠ્ઠલ-ભક્તિ તો તેમને વારસામાં જ મળી હતી.
તેમનાં પિતાનો વ્યવસાય દરજીનો હતો. એક દિવસ જ્યારે તેમના પિતા બહારગામના પ્રવાસે ગયા હતા, ત્યારે માતાએ નામદેવને દૂધ આપ્યું અને તેને ભગવાન વિઠ્ઠલને ભોગ તરીકે અર્પણ કરવાનું કહ્યું. તે પછી નામદેવ સીધા મંદિરમાં ગયા અને મૂર્તિની સામે દૂધ મૂક્યું અને કહ્યું, ‘તેને લઈને પી લો.’ તે મંદિરમાં હાજર લોકોએ તેમને કહ્યું – આ મૂર્તિ છે, તે દૂધ કેવી રીતે પીશે?
પરંતુ નામદેવ નામનો પાંચ વર્ષનો છોકરો જાણતો ન હતો કે ‘વિઠ્ઠલની મૂર્તિ દૂધ પીતી નથી, એને તો બસ ભાવનાત્મક રીતે જ ભોગ ધરવાનો હોય છે.’ ત્યારબાદ મંદિરમાં હાજર દરેક એની જીદને બાળ-રમત તરીકે ગણીને પોતપોતાના ઘરે ચાલ્યા ગયા. હવે બાળ નામદેવ એકલો જ મંદિરમાં રહ્યો. જ્યારે મંદિરમાં કોઈ ન હતું, ત્યારે નામદેવ એકધારું રડતા રડતા કહેતા હતા, ‘વિઠોબા આ દૂધ પી લે, નહીં તો હું અહીં, આ મંદિરમાં રડતાં રડતા મારો જીવ આપી દઈશ.’
પછી તો બાળ નામદેવની ભોળી ભાવના જોઈને ભગવાન વિઠોબા (વિઠ્ઠલ) તેની બાળહઠ સામે પીગળી ગયા અને એક જીવંત વ્યક્તિના રૂપમાં પ્રગટ થયા અને સ્વયં તો દૂધ પીધું ઉપરાંત બાળક નામદેવને પીવડાવ્યું. ત્યારથી જ બાળ નામદેવને વિઠ્ઠલ નામની ધૂન લાગી ગઈ અને તે દિવસ-રાત વિઠ્ઠલ નામનો જ જાપ કરતો થઈ ગયો. તે મોટો થયો એટલે તેના લગ્ન રાજાબાઈ નામની કન્યા સાથે થયાં. પછી તેમને ચાર પુત્રો અને એક પુત્રી જન્મ્યા.
પંઢરપુર પાસે એક શિવ મંદિરમાં રહેતા વિસોબા ખેચર નામના એક સંતને તેઓએ ગુરુ બનાવ્યા. સંત જ્ઞાનેશ્વર અને મુક્તાબાઈના સાનિધ્યમાં અને તેઓની પ્રેરણા-ઉપદેશથી પછી નામદેવ સગુણ ભક્તિથી નિર્ગુણ ભક્તિ તરફ વળ્યા, તેમ જ અવૈદ અને યોગ માર્ગના પથિક બની ગયા.
સંત જ્ઞાનેશ્વર સાથેની તેમની સંગતિ એટલી પ્રગાઢ બની ગઈ કે જ્ઞાનેશ્વર તેમને તેમની સાથે લાંબી જાત્રા પર પણ લઈ ગયા અને તેઓએ સાથે જ કાશી, અયોધ્યા, મારવાડ, તિરૂપતિ, રામેશ્વરમ વગેરેનું દર્શન-ભ્રમણ કર્યું.
એકવાર સંત નામદેવ તેમના શિષ્યોને જ્ઞાન અને ભક્તિનું પ્રવચન આપી રહ્યા હતા ત્યારે પ્રેક્ષકોમાં બેઠેલા એક શિષ્યે એક પ્રશ્ન પૂછ્યો, “ગુરુજી, અમને કહેવામાં આવ્યું છે કે ભગવાન દરેક જગ્યાએ હાજર છે, પરંતુ જો આવું છે, તો આપણે તેને કેમ જોઈ શકતા નથી? આપણે કેવી રીતે માની લઈએ કે ઈશ્વર એ વાસ્તવિકમાં છે જ? અને જો તે છે તો આપણે તેને કેવી રીતે મેળવી શકીએ?”
નામદેવ હસ્યાં. પછી શિષ્યને લોટો ભરી પાણી અને થોડું મીઠું લાવવા આદેશ આપ્યો.
તે શિષ્યને કહ્યું, “પુત્ર, વાસણમાં મીઠું નાંખો અને ભેળવી દો. પછી તેઓએ પૂછ્યું, “મને કહો, આ પાણીમાં કોઈને મીઠું દેખાય છે?”
બધાએ ‘ના’ માં માથું હલાવ્યું.
“ઠીક છે..! હવે તેનો સ્વાદ ચાખો, અને કહો તમે તેનો સ્વાદ લેશો ત્યારે એમાં મીઠાનો સ્વાદ છે?” -નામદેવે પૂછ્યું.
“હા”, -પાણીનો સ્વાદ ચાખતી વખતે એક શિષ્યે કહ્યું.
“સરસ..! હવે આ પાણીને થોડો સમય ઉકાળો.” -નામદેવે સૂચના આપી.
થોડો સમય પાણી ઉકળતું રહ્યું અને જ્યારે તમામ પાણી વરાળ બની ઉડી થઈ ગયું, ત્યારે સંતે શિષ્યોને ફરીથી એ લોટમાં જોવા માટે કહ્યું અને પૂછ્યું, “હવે તમને તેમાં કંઈ દેખાય છે?”
“હા, હવે મીઠાના દાણા અમે જોઈ શકીએ છીએ.”, -શિષ્યે કહ્યું. સંતે હસીને સમજાવ્યું, “જેમ તમે પાણીમાં મીઠાના સ્વાદની અનુભૂતિ કરી શકતા હતા, પણ તે જોઈ શકતા નથી, તેવી જ રીતે આ જગતમાં તમે ભગવાનને બધે જોઈ શકતા નથી, પરંતુ તમે તેને અનુભવી તો શકો જ છો. અને જેમ અગ્નિના તાપથી પાણી વરાળ બની ઉડી ગયું, તેવી જ રીતે તમે ભક્તિ, ધ્યાન અને સતકર્મોના તાપ વડે તમારા દુર્ગુણોને બાળી ને અંત લાવી શકો અને ભગવાનને પ્રાપ્ત કરી શકો.”
સંત શ્રી નામદેવજીનો હજુ એક જીવન-પ્રસંગ વિખ્યાત છે. એક વાર તેઓ કોઈ તીર્થયાત્રા પર ગયા હતા. ક્યાંક મુસાફરીમાં તેઓએ ઝાડ નીચે રોટલી બનાવી અને સામાનમાંથી ઘી લેવા માટે પાછું ફરીને ઘી કાઢતા હતાં એટલીવરમાં તો એક કૂતરો આવ્યો અને મોમાં રોટલી લઇને ભાગ્યો.
નામદેવજીએ ઘીનું વાસણ હાથમાં લીધું અને જોયું તો કૂતરો રોટલી લઇને ભાગતો હતો, તેથી તેઓ પણ હાથમાં ઘીનું વાસણ લઈને તેની પાછળ દોડવા લાગ્યા અને કહ્યું- “હે મારા નાથ! તમારે માટે જ આ ભોગ ધરવાનો છે, તો પછી તમે કોરી રોટલી લઈને કેમ ભાગો છો? રોટલી ઉપર થોડું ઘી તો લગાવવા દો..!” નામદેવજી આમ બોલ્યા અને કુતરમાંથી ભગવાન વિઠ્ઠલ પ્રગટ થયા.
પછી, સન ૧૨૯૬માં, સંત જ્ઞાનેશ્વરે આળંદી ખાતે સમાધિ લીધી અને તરત જ જ્ઞાનેશ્વરના મોટા ભાઈ અને ગુરુએ પણ યોગ-ક્રિયા દ્વારા સમાધિ લઈ લીધી. તો એક મહિના પછી જ્ઞાનદેવના બીજા ભાઈ સોપાનદેવે અને પાંચ મહિના પછી તેમની બહેન મુક્તાબાઇએ પણ સમાધિ લીધી. આમ નામદેવ હવે પછી સાવ એકલા થઈ ગયા. એટલે તેમણે શોક અને વિરહમાં સમાધિના કીર્તનો લખ્યા.
આ હ્રદયદ્રાવક અનુભવ સાથે ફરતા ફરતાં નામદેવ પંજાબના ભટ્ટીવાલસ્થાન પહોંચ્યા. ત્યાં તેઓએ ધૂમાન (જિલ્લા ગુરદાસપુર) નામનું એક શહેર સ્થાપિત કર્યું. તે પછી, મંદિર બનાવીને ત્યાં જ પછી તેમણે તપશ્ચર્યા કરી અને વિષ્ણુસ્વામી, પરિસાભાગવતે, જનાબાઈ, ચોખામેલા, ત્રિલોચન વગેરે સંતોને નામ-જ્ઞાનની દીક્ષા આપી.
સંત નામદેવ ઉચ્ચ કોટીની તેમની આધ્યાત્મિક સિદ્ધિઓ માટે પ્રખ્યાત બન્યા. તેઓ ચમત્કારોની તદ્દન વિરુદ્ધ હતા. તેમનું માનવું હતું કે આત્મા અને પરમ આત્મામાં કોઈ ફરક નથી. અને ભગવાન દ્વારા રચિત આ પૃથ્વી (ભૂમિ અને વિશ્વ) ની સેવા કરવી એ સાચી ઉપાસના છે. આને કારણે, સાધક ભક્તને દિવ્ય દ્રષ્ટિ મળે છે. સર્વ જીવોના સર્જક અને રક્ષક, જાળવનાર વિઠ્ઠલ જ છે, જે તે આપણાં બધામાં રહી સાકાર છે અને બ્રહ્માંડમાં વ્યાપીને નિરાકાર પણ છે.
સંત નામદેવનો “વારકરી પંથ” (वारकरी સંપ્રદાય) આજદિવસ સુધી ઉત્તરોત્તર વિકાસ કરી રહ્યો છે.
વારકરી સંપ્રદાય : દર વર્ષે સામાન્ય લોકો અષાઢી અને કાર્તિકી એકાદશી પર વિઠ્ઠલ દર્શન માટે પંઢરપુરની ‘વારી’ (યાત્રા) કરે છે. આ પ્રથા આજે પણ પ્રચલિત છે. જે લોકો આ પ્રકારની વારી (પ્રવાસ) કરે છે તેમને ‘વારકરી’ કહેવામાં આવે છે. વિઠ્ઠલ-ઉપાસનાનો આ પંથ ‘વારકરી’ સંપ્રદાય તરીકે ઓળખાય છે. અને સંત નામદેવને આ સંપ્રદાયના મુખ્ય સંત માનવામાં આવે છે.
નિર્ગુણ સંતોમાં, પ્રગતિશીલ સંત નામદેવને ખરેખર ઉત્તર-ભારતની સંત પરંપરાનાં પ્રણેતા તરીકે માનવામાં આવે છે. મરાઠી સંત-પરંપરામાં તો તેઓ ખૂબ જ આદરણીય સંતો છે. તેમને મરાઠી અભંગ (ભજન)ના પિતા હોવાનું શ્રેય પણ આપવામાં આવે છે. તેમની ખ્યાતિ ઉત્તર ભારતમાં, ખાસ કરીને પંજાબમાં એટલી પ્રખર હતી કે તેમની વાણીનો તો શિખોના મુખ્ય આદરણીય ગ્રંથ ‘ગુરુગ્રંથસાહિબ’ માં પણ સંકલિત કરીને સમાવેશ થયો છે, જે આજે પણ દરરોજ ખૂબ જ આદર સાથે ગવાય છે.
ઉત્તર ભારતમાં ભક્ત કબીરજી અથવા સૂરદાસ જેટલું જ મહારાષ્ટ્રમાં ભક્ત નામદેવજીનું સ્થાન છે. તેમનું આખું જીવન મધુર ભક્તિભાવથી ઓતપ્રોત હતું અને માનવજાતનાં કલ્યાણ માટે સમર્પિત હતું. મૂર્તિપૂજા, ધાર્મિક વિધિઓ, જાતપાત વિશેના તેમના સ્પષ્ટ વિચારોને લીધે, હિન્દી વિદ્વાનોએ તેમને કબીરજીના આધ્યાત્મિક અગ્રજ (વડીલબંધુ) માન્યા છે.
તારીખ ૩ જી જુલાઈ ઇ.સ. ૧૩૫૦, એટલે કે, સંવત ૧૪૦૭ ના અષાઢ મહિનાની તેરસને દિવસે પંઢરપુરમાં શ્રી વિઠ્ઠલના ચરણોમાં એંસી વર્ષની ઉંમરે સંત નામદેવે સમાધિ લઈ લીધી.
– સાભાર અશ્વિન મજીઠીયા, અમર કથાઓ ગ્રુપ.