જાણો કેવી રીતે રત્નાકરમાંથી મહર્ષિ બન્યા વાલ્મિકી, જાણો તેમની સાથે જોડાયેલા રોચક કિસ્સા.
વાલ્મિકીને પ્રાચીન વૈદિક કાળના મહાન ઋષિઓની શ્રેણીમાં પ્રમુખ સ્થાન પ્રાપ્ત થયું છે. પુરાણો અનુસાર તેમણે કઠોર તપસ્યા કરી મહર્ષિનું પદ પ્રાપ્ત કર્યું હતું. પરમપિતા બ્રહ્માના કહેવા પર તેમણે ભગવાન શ્રીરામના જીવન પર આધારિત રામાયણ નામનું મહાકાવ્ય લખ્યું. ગ્રંથોમાં તેમને આદિ કવિ કહેવામાં આવે છે. તેમના દ્વારા રચિત આદિકાવ્ય શ્રીમદ્દવાલ્મિકી રામાયણ સંસારનું સૌથી પહેલું કાવ્ય માનવામાં આવે છે. આવો જાણીએ મહર્ષિ વાલ્મિકીના જીવન સાથે જોડાયેલી અમુક રોચક વાતો.
આ રીતે લખી મહર્ષિ વાલ્મિકીએ રામાયણ : રામાયણ અનુસાર, એક વાર મહર્ષિ વાલ્મિકી તમસા નદીના કિનારે ગયા હતા. ત્યાં તેમણે પ્રેમ કરતા સારસ પક્ષીના જોડાને જોયું. તે બંને પક્ષી મધુર બોલી બોલતા હતા. ત્યારે તેમણે જોયું કે એક શિકારીએ સારસ પક્ષીના જોડામાંથી નર પક્ષીનો વધ કરી દીધો અને માદા પક્ષી વિલાપ કરવા લાગ્યું. તેના આ વિલાપને સાંભળીને મહર્ષિની કરુણા જાગી ઉઠી અને અચાનક જ તેમના મુખમાંથી નીચે મુજબના શબ્દ નીકળ્યા.
મા નિષાદ પ્રતિષ્ઠાં ત્વમગમ: શાશ્વતી: સમા:
યત ક્રૌંચમિથુનાદેકમવધી: કામમોહિતમ.
એટલે કે – નિષાદ, તને ક્યારેય પણ શાંતિ નહિ મળે, કારણ કે તે આ ક્રોંચ (સારસ) ના જોડામાંથી એકની, જે કામથી મોહિત થઈ રહ્યો હતો, તેની કોઈ પણ ગુના વગર હત્યા કરી દીધી છે.
ત્યારે મહર્ષિ વાલ્મિકીએ વિચાર્યું કે, અચાનક જ તેમના મુખમાંથી શ્લોકની રચના થઈ ગઈ. જયારે મહર્ષિ વાલ્મિકી પોતાના આશ્રમ પહોંચ્યા ત્યારે પણ તેમનું ધ્યાન તે શ્લોક તરફ જ હતું. ત્યારે મહર્ષિ વાલ્મિકીના આશ્રમમાં ભગવાન બ્રહ્મા આવ્યા અને તેમને કહ્યું કે – તમારા મુખમાંથી નીકળેલા આ છંદોબદ્ધ (લયબદ્ધ) વાક્ય શ્લોકના રૂપમાં હશે. મારી પ્રેરણાથી જ તમારા મુખમાંથી આવી વાણી નીકળી છે. એટલે તમે શ્લોકના રૂપમાં જ શ્રીરામના સંપૂર્ણ ચરિત્રનું વર્ણન કરો. આ રીતે બ્રહ્માજીના કહેવા પર મહર્ષિ વાલ્મિકી રામાયણ મહાકાવ્યની રચના કરી.
રત્નાકરમાંથી બન્યા મહર્ષિ વાલ્મિકી : ધર્મ ગ્રંથો અનુસાર, મહર્ષિ વાલ્મિકીનું પહેલાનું નામ રત્નાકર હતું. તે પોતાના પરિવારના ભરણ-પોષણ માટે લૂંટ-ફાંટ કરતા હતા. એક વાર તેમને નિર્જન વનમાં નારદ મુનિ મળ્યા. જયારે રત્નાકરે તેને લૂંટવાનો પ્રયત્ન કર્યો તો નારદ મુનિએ તેમને પૂછ્યું કે, આ કામ તું શા માટે કરે છે? ત્યારે રત્નાકરે જવાબ આપ્યો કે, મારા પરિવારના ભરણ-પોષણ માટે. પછી નારદજીએ પ્રશ્ન પૂછ્યો કે, આ કામના ફળસ્વરૂપ જે પાપ તે કર્યા છે, શું તેનો દંડ ભોગવવામાં તારો પરિવાર તારો સાથ આપશે?
નારદ મુનિના પ્રશ્નનો જવાબ જાણવા રત્નાકર પોતાના ઘરે ગયો. તેણે પરિવારવાળાને પૂછ્યું કે, મારા દ્વારા કરવામાં આવેલા કામના ફળસ્વરૂપ મળવાવાળા પાપના દંડમાં શું તમે મારો સાથ આપશો? રત્નાકરની વાત સાંભળીને દરેકે ના પાડી દીધી. રત્નાકર પાછો આવ્યો અને આ વાત નારદ મુનિને જણાવી. ત્યારે નારદ મુનિએ કહ્યું કે – જે લોકો માટે તું ખરાબ કામ કરે છે, જો તેઓ તારા પાપમાં ભાગીદાર નથી બનવા માંગતા, તો પછી તું આ પાપ કર્મ શા માટે કરે છે?
નારદ મુનિની વાત સાંભળીને તેના મનમાં વૈરાગ્યનો ભાવ આવી ગયો. પોતાના ઉદ્ધારનો ઉપાય પૂછવા પર નારદ મુનિએ તેમને રામ નામનો જાપ કરવા માટે કહ્યું. રત્નાકર વનમાં એકાંત જગ્યા પર બેસીને મરા-મરા જપવા લાગ્યો. પણ તેમ જપતા જપતા તે રામ-રામ જપવા લાગ્યો. ઘણા વર્ષો સુધી કઠોર તપ કર્યા પછી તેમના આખા શરીર પર કીડીઓએ રાફડો બનાવી દીધો હતો, જેના લીધે તેમનું નામ વાલ્મિકી પડ્યું. સમય જતા મહર્ષિ વાલ્મિકીએ રામાયણ મહાકાવ્યની રચના કરી.
પ્રચેતાના પુત્ર હતા મહર્ષિ વાલ્મિકી : મહર્ષિ વાલ્મિકીને અમુક લોકો નીચા વર્ગના માને છે, જ્યારે વાલ્મિકી રામાયણમાં વાલ્મિકીએ પોતે શ્લોક નંબર 7/93/17, 7/93/19 અને આધ્યાત્મ રામાયણ 7/7/31 માં પોતાને પ્રચેતાના પુત્ર કહ્યા છે.
પ્રચેતસોઅહં દશમ: પુત્રો રાઘવનન્દન.
મનુસ્મૃતિ 1/35 માં પ્રચેતાને વશિષ્ઠ, નારદ, પુલસ્ત્ય, કવિ વગેરેના ભાઈ જણાવવામાં આવ્યા છે. સ્કંદપુરાણના વૈશાખ માહાત્મ્યમાં તેમને જન્માંતર (પૂર્વ જન્મ) ના વ્યાધ (શિકારી) જણાવ્યા છે. વ્યાધ જન્મ પહેલા તે સ્તંભ નામના શ્રીવસ્તગોત્રીય બ્રાહ્મણ હતા. વ્યાધ જન્મમાં શંખ ઋષિના સત્સંગથી, રામ નામના જાપથી બીજા જન્મમાં અગ્નિશર્મા (મતાંતરથી રત્નાકર) થયા. ત્યાં પણ શિકારીઓ સાથે થોડા દિવસ રહ્યા પછી તેમના જેવા કામ કરવા લાગ્યા. પછી સપ્તર્ષિઓના સત્સંગથી મરા-મરા જપીને રાફડા પડવાથી વાલ્મિકી નામથી પ્રસિદ્ધ થયા અને વાલ્મિકી રામાયણની રચના કરી.
થોડા અન્ય ફેક્ટ્સ :
મહર્ષિ વાલ્મિકીએ રામાયણ મહાકાવ્યમાં અનેક સ્થળો પર સૂર્ય, ચંદ્ર અને અન્ય નક્ષત્રોની સ્થિતિઓનું વર્ણન કર્યું છે. સાથે જ તેમણે રાવણના મૃત્યુ પહેલા રાક્ષસી ત્રિજટાનું સપનું, શ્રીરામના મુસાફરીના મુહૂર્ત વિચાર, વિભીષણ દ્વારા લંકાના અપશકુનો વગેરે વિષે વિસ્તારથી જણાવ્યું છે. તેનાથી ખબર પડે છે કે, મહર્ષિ વાલ્મિકી જ્યોતિષ વિદ્યા અને ખગોળ વિદ્યાના પણ પંડિત હતા.
પોતાના વનવાસ કાળ દરમિયાન ભગવાન શ્રીરામ, લક્ષ્મણ અને સીતા સહીત મહર્ષિ વાલ્મિકીના આશ્રમ ગયા હતા. શ્રીરામચરિતમાનસ અનુસાર – દેખત બન સર સૈલ સુહાએ, વાલ્મિકી આશ્રમ પ્રભુ આયે.
તથા જયારે શ્રીરામે સીતાનો ત્યાગ કર્યો હતો ત્યારે મહર્ષિ વાલ્મિકીએ જ સીતાને આશ્રય આપ્યો હતો. તેનાથી સાબિત થાય છે કે મહર્ષિ વાલ્મિકી શ્રીરામના સમયે હતા, તથા તેમના જીવનમાં થનારી દરેક ઘટનાઓની જાણકારી મહર્ષિ વાલ્મિકીને હતી.
રામાયણ મહાકાવ્યમાં 24 હજાર શ્લોક, 500 ખંડ તથા ઉત્તર સહીત 7 કાંડ છે.
આ માહિતી અજબ ગજબ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.