પરોઢિયાની કા તિલ ઠંડીમાં બાંકડા પર જમાવેલી વિઠ્ઠલકાકાની હૂંફથી ભેગી થયેલી ગરમી અને પ્રિયતમાની રૂઠેલી ફિતરત બાદની વેધક નજરો જેવી રૂંવાંટા ઊભા કરી દે એવી ઠંડી વાયરી એકબીજા વચ્ચે સ્પર્ધા કરી રહ્યા હતાં.
આ સ્પર્ધાના બિનહરીફ ઉમેદવાર વિઠ્ઠલકાકાની નજરો ઘનઘોર અંધારાથી છવાયેલાં રોડ પર હતી. ત્યાં અચાનક દૂરથી લાઈટો દેખાઈ અને કાનથી પરિચિત હોર્નનો અવાજ સંભળાયો. એટલામાં એ વાહન નજીક આવી ફુલ સ્પીડને અટકાવતાં શોર્ટ બ્રેક લગાવી.
એ દૂધનું વાહન હતું. બે યુવાન છોકરા ધડ-ધડ કરતાં દૂધનાં 10 કૅરેટ રોડ પર ઉતારી દીધાં. ને એક યુવાને બૂમ લગાવી,
‘ કાકા ! તમારા 10 કૅરેટ ગણી લો.. પાછળથી માથાકૂટ નહીં ફાવે..’ વિઠ્ઠલકાકાની ઠંડીથી થીજી ગયેલી જીહ્વા કંઈ બબળી નહીં. યુવાનોએ ફરીથી બૂમ પાડી, ‘વિઠ્ઠલકાકા સૂઈ ગયાં કે શું? જાગો યાર.. આ કેરેટ ઉતારી દીધાં છે. ‘
વિઠ્ઠલકાકાનો સવારનાં ૪.૪૫ વાગ્યાથી શરૂ થતો દિવસ અતડો અતડો જતો. વિઠ્ઠલકાકા રોજ વહેલી પરોઢે સોસાયટીનાં નાકે આવી જાય. ને દૂધ આવે એટલે સવારે મોડાં સુધી વેચે. વિઠ્ઠલકાકા રીટાયર્ડ પટાવાળાં હતાં. જીંદગી આખી વખવખ કરીને કાઢી અને પૂણું પેટ રાખી દિકરાને ભણાવ્યો. દિકરાને બેન્કમાં નોકરી મળી ને નોકરી જોઈને છોકરીઓનાં માંગા આવવાં માંડ્યા.
વિઠ્ઠલકાકાએ એકનાં એક દિકરા નિરવને પોતાની કમાણીનાં પૈસામાંથી ધામધૂમથી પરણાવ્યો. વહુ આવી તો ઘરમાં સ્ત્રીની ખોટ પૂરાઈ. નિરવની મા બહુ પહેલાં દુનિયા છોડી ગયેલી. તેથી ઘરમાં મા કહો કે બાપ વિઠ્ઠલકાકા જ હતાં.
૮૦૦૦ રૂપિયા પેન્શન આવતું એ પણ તેઓ સાચવીને રાખતાં. પણ નિરવની વહુએ ધીમે ધીમે બધો જ હાથ હવાલો પોતે લઈ લીધો. ને કાકા કંઈ બોલતા નહીં. વિચારતા કે દિકરો જ વાપરે છે ને ! પણ કાકા સાથેની વહુ દીકરાની વર્તણૂક હવે બદલાવા માંડી હતી.
એક દિવસ નિરવે આવીને કાકાને આડા મોંઢે સંભળાવ્યું, ‘ બાજુવાળા નાથાકાકા રિટાયર્ડ થ્યા પછી પણ કમાણી કરે છે’ ‘પપ્પા તમને ઘેર ને ઘેર કંટાળો નથી આવતો ! ‘
વિઠ્ઠલકાકા દીકરાની વાત સાંભળી કંઈ બોલી ન શક્યા. પણ હવે પોતાને એકલો હોવાનું અનુભવી રહ્યા હતાં. રોજબરોજ વહુ અને દીકરાનું વર્તન તોછડાઈભર્યું થવાં માંડ્યું હતું. વિઠ્ઠલકાકા પોતાના સંતાનથી અળગા રહેવાં નહોતાં માંગતાં. એક દિવસ સાંજે જમતી વેળાએ સામે ચાલીને નિરવને દૂધની થેલીઓ વેચવાની વાત કરી. આ વાત સાંભળી નિરવ અને વહુ ગોળ ગોળ થઈ ગયાં.
વિઠ્ઠલકાકા રોજ વહેલાં ઉઠીને ૪.૪૫ વાગે દૂધનાં કેરેટ લેવા અને વેચવા માટે સોસાયટીનાં નાકે પહોંચી જાય. આખોય ઉનાળો અને ચોમાસું દૂધની થેલીઓ વેચીને કાયમી ઘરાકો બાંધી લીધાં. નફો આવે એ નિરવની વહુના હાથમાં ધરતાં. કાકાને પોતાની મહેનતનાં પૈસા આપતા એવું લાગતું જાણે પોતાનું સ્વમાન આપી દેતાં હોય. વિઠ્ઠલકાકાની તબિયત હવે લથડવાં માંડી હતી. એવામાં શિયાળે ટાઢમાં કેમનું જવું?
શિયાળા પૂરતું બંધ રાખવાં માટે દીકરાને વાત કરી તો દીકરાએ કાકાને ઉધડાં લીધાં. દિકરો કહે, ‘પપ્પા ! ઘરાક પાછાં જાય એ ના ચાલે. અને દિવસે તમે ઉંઘો તો છો? પડે પડે અકડાઈ જશો એનાં કરતાં વહેલાં ઉઠીને જશો તો તબિયત સારી રહેશે.’ કાકાનું મોં સિવાઈ ગયું હતું. એ દીકરાને ના કહી શક્યા નહીં. બબ્બે ગોદડાં કે ધાબળામાં ન રહેવાય એવાં શિયાળે વિઠ્ઠલકાકા દૂધ વેચવાં જતાં. રોજ સવારે ૪.૪૫ વાગ્યે દૂધનાં ટેન્કરની વાટ જોતાં. દૂધનાં કેરેટ ઉતારનાર છોકરાઓ સાથે મિત્રતા થઈ ગયેલી. જેવી ગાડી આવે કે બૂમ લગાવે, ‘ એ કાકા ! ચાલો દૂધ આવ્યું! ‘
કેરેટ ઉતારે ત્યાં સુધી કાકા છોકરાઓ સાથે વાત કરે. કાકાને ઘરાક અને કેરેટ ઉતારનારાં છોકરાઓ સ્વજન લાગવાં માંડ્યા. કાકા બુઢ્ઢા ટોપી પહેરીને બેસે એટલે છોકરાઓ હસે પણ ખરાં. હસતાં હસતાં કહે, ‘ કાકા! હવે આ ટાઢ તમારું કંઈ બગાડી શકે એમ નથી. શું ટોપી છે યાર? મોંઢુ તો દેખાતું જ નથી! ‘
રોજની જેમ કાકા આજે ખરી ટાઢમાં પણ લથડાતા લથડાતા આવ્યાં હતાં. ગઈરાતથી એમની તબિયત નાદુરસ્ત હતી. છતાંય એમણે જવાનું ટાળ્યું નહોતું. રાત્રે કાકા ખાંસી ખાતા હતાં ત્યારે વહુએ ટકોર કરેલી. ‘બિમાર હોવ તો દવા લઈ લેવાની, ખોટાં હેરાન નહીં કરવાનાં કોઈને !’ કાકા હવે ભીતરથી હારી ગયાં હતાં. એમણે મન ઘરાકો, છોકરાઓ અને સાંજે બાંકડે સાથે બેસતાં મિત્રો જ એમની જીંદગી હતી. તેઓ ૪.૪૫ની દૂધની ગાડી આવે એ પહેલાં ત્યાં પહોંચી ગયાં હતાં.
ગાડી આવે કે તરત જ કાકા હોંકારો ધરે પણ આજે છોકરાઓની બૂમે પણ ચૂપ હતાં. છોકરાઓને શંકા જાય છે તો ગાડીમાંથી કૂદીને નીચે આવ્યાં. વિઠ્ઠલકાકા પાસે જઈને ટોપી ખેંચે છે, ‘કાકા ! ઉઠો યાર… શું ઘોંરોં છો? ‘
વિઠ્ઠલકાકાની ગરદન ઝૂકી ગઈ. કાકા નવાં મિત્રોનાં સરનામાની સફર ખેડવાં પ્રયાણ કરી ચૂક્યા હતાં. છોકરાઓની આંખોમાંથી આંસુ ટપકવાં માંડ્યા અને એ આંસુ ટાઢ સાથે ભળીને ગાલ પર બાઝી ગયાં. કાકાની ટોપી લઈને બધાં છોકરાઓ બહું રડ્યાં. કાકાને કોઈની સાથે વેર નહોતું પણ કાતિલ ઠંડી અને બિમાર શરીર દગો કરી ગયાં…! પણ ત્યાં ભેગાં થયેલાં લોકોનાં મોંઢે એક જ વાત ઘોળાઈ રહી હતી,
‘ છોકરો બાપને ભરખી ગયો ! ‘
– વિશાલ દંતાણી ( ૦૪/૦૭/૨૦૨૧ )