‘મજૂરની ચતુરાઈ’ : એક મજુરની વાત સાંભળીને રાજા ભોજ થઈ ગયા હતા ચકિત, વાંચો રસપ્રદ સ્ટોરી.

0
977

ભોજ રાજાના નગરીને એક વાત છે. સવારનો સમય હતો અને રાજા ભોજ દરબાર ભરીને બેઠા હતા. પંડિતો જ્ઞાન-ચર્ચા અને અલક-મલકની વાતો કરી રહ્યા હતા. એવામાં એક અનોખી ઘટના બની!

દરબારમાં એક કડીયાકામ કરતો મજૂર આવ્યો અને બોલ્યો : “મહારાજ ! મને ન્યાય આપો.”

ભોજરાજા કહે : “તને ન્યાય તો મળશે પણ પેહલા તું એ તો કેહ કે ફરિયાદ શું છે?”

મજૂર કહે : ”મને એક ભિખારીએ ડંડે-ડંડે માર્યો છે. જુઓ, મારી પીઠ પર એના નિશાન છે. મારને લીધે મને ખુબ દર્દ થાય છે. મેં એનો કોઈ અપરાધ કર્યો ન હતો, તેમ છતાં તેને મને ખુબ માર્યો!”

રાજાના હુકમ અનુસાર અનુચરો ભિખારીને પકડી લાવ્યા.

ભિખારીએ પોતાનો અપરાધ કબુલ કર્યો.

રાજા ભોજે ભિખારી સામે જોયું. ભિખારી એટલો બધો દુર્બળ હતો કે એને શારીરિક શિક્ષા થઇ શકે તેમ ન હતી. ભિખારી નિર્ધન હતો, એટલે એની પાસેથી દંડની રકમ પણ વસુલ થઇ શકે તેમ ન હતું. શરીરે કમજોર હોવાથી તેને જેલમાં પણ રાખી શકાય તેમ ન હતું. હવે તેને કઈ સજા કરવી એ પ્રશ્ને રાજા મુજવણમાં પડ્યા.

થોડી વાર પછી રાજાએ મજૂરને પૂછ્યું : ”બોલ, ભાઈ ! આ ભિખારીને તું કહે તે સજા કરું.”

મજૂર નમ્રતાથી બોલ્યો : “મહારાજ ! આપની સભામાં મોટા-મોટા પંડિતો બિરાજે છે. હું તો એક મજૂર છું. રાજ-કાજની બાબતમાં હું શું કહી શકું?”

રાજા ભોજ : “એને તને માર્યો છે માટે તું કહે એ સજા હું તેને કરવા તૈયાર છું. તુ જ એને દંડ કરી શકે છે.”

મજૂર કહે : “આપ મારી વાત માનશો? હું કહું એ દંડ કરશો?”

રાજા કહે : “હા ! તારી વાત અમે મંજૂર રાખીશું.”

મજૂર કહે : “તો મહારાજ ! એમ કરો. એને એક મહિનો ચાલે તેટલું અનાજ આપો. એક ખેતર આપો. બળદની જોડી આપો અને ખેતીના સાધન આપો. બસ, એને એ દંડ આપો એવી મારી આપને વિનંતી છે.”

“ઓ તારી ! આ કેવો દંડ !” તમામ દરબારીઓ એક સાથે બોલી ઉઠ્યા.

રાજા મજૂરને કહે : “મેં તને એને દંડ કરવા કહ્યું હતું. ઇનામ આપવા માટે નહિ !”

મજૂર કહે : “ તમે મને દંડ આપવાનું કહ્યું હતું તેથી મને જેમ ઠીક લાગે તેમ મેં કહ્યું. આપને મારી વાત માનવી હોય તો માનો નહીતર આ હું ચાલ્યો.“

રાજાભોજ કહે : “ભાઈ ! ઉભો રહે. હું વચનથી બંધાયો છું તેને સજા કરવા માટે. પણ હું તારી આ કોયડાભરી વાત સમજ્યો નથી.“

મજૂર કહે : “આ ભિખારી કઈ કામ કરતો નથી, એટલા માટે તેની પાસે ખેતી કરાવી એ તેના માટે દંડ છે, સજા સમાન છે. દંડ કે સજાતો ગુનેગારોને સુધારવા માટે જ હોય છે ને? થોડા દિવસ પછી આ ભિખારીને ખેતીનું કામ આવડી જશે. એને મેહનત મજૂરી કરવાની આદત પડી જશે. ભોજન માટે તેને ચિંતા નથી એટલે તે ભીખ માંગવાનું બંધ કરી દેશે. આ સજાથી એ હડધૂત ભિખારી માટીને જગનો તાત ખેડૂત બનશે. બોલો મહારાજ ! એને માટે આ દંડ ન કેહવાય?”

રાજા ભોજ અને સભા જનો આ બુદ્ધિશાળી મજૂરની પ્રશંશા કરી. !!

આભારી :- હિતેષભાઇ પટેલ

(સાભાર અનિલ પઢીયાર, અમર કથાઓ ગ્રુપ)