પોતાની વિધવા વહુને આત્મનિર્ભર બનાવનાર સાસુની આ સ્ટોરી વાંચી તમારી આંખો છલકાઈ જશે.

0
1842

પતિના નિધનને કારણે હિંમત હારી ગયેલી વહુને સાસુએ જે કહ્યું તે દરેકે સમજવા જેવું છે, વાંચવાનું ચૂકશો નહીં.

દીકરી પારુલ, 3 વાગવા આવ્યા છે, તેં ખાધું કે નહીં?

ના મમ્મી, નથી ખાધું. તમે ચિંતા ન કરો, હું અત્યારે ખઈ લઉં છું.

ઠીક છે, હું 15 મિનિટમાં ફરી ફોન કરીશ, બધું કામ છોડીને પહેલા જમી લે. કહેવા માટે તો નિર્મલાબહેન પારુલના સાસુ છે, પણ લગ્ન પછી તેની દરેક ઈચ્છાનું ધ્યાન રાખ્યું છે, તેને ઘણો પ્રેમ આપ્યો, તેની દરેક જરૂરિયાતનું ધ્યાન રાખ્યું છે. પારુલ ઝડપથી ટિફિન ખોલીને જમવા બેઠી જેથી મમ્મીને સંતોષ થાય. જમીને 10-15 મિનિટ આરામ કરવાનું વિચારીને, પટાવાળાને રૂમમાં કોઈને પ્રવેશવા ન દેવા માટે કહી દીધું.

તે આંખો બંધ કરીને બેઠી હતી કે એક વર્ષ જૂની યાદોએ તેને ઘેરી લીઘી. જે પણ તેની અને સાહિલની જોડીને જોતું તે કહેતું કે તેઓ ફક્ત એકબીજા માટે જ બનેલા છે. તમને એટલો બધો પરસ્પર પ્રેમ કે લગ્નના

24 વર્ષ પછી પણ સાથે ફરતી વખતે પણ એ જ પ્રયત્ન રહેતો કે દરેક ક્ષણે સાથે રહે, એક ક્ષણ માટે પણ છૂટા ન થાય. તેમના બે પ્રેમાળ પુત્રો અંકુર અને નવાંકુર, કહેવાનો અર્થ હસતો અને ખુશખુશાલ પરિવાર. પણ વિધાતાના લેખ કોઈ નથી જાણતું. ગયા વર્ષે નવા વર્ષની પાર્ટી ખુશી-ખુશી ઉજવીને બધા સુઈ ગયા. પણ રાત્રે સાહિલને અચાનક છાતીમાં અસહ્ય દુ:ખાવો થયો, અને થોડી વારમાં પારુલની દુનિયા વેરાન થઈ ગઈ.

સવારથી જ લોકોનું આવવા-જવાનું શરૂ થઈ ગયું. સાહિલ એટલા મિલનસાર અને હસમુખ હતા કે કોઈ માની જ ન શકે કે તે હવે નથી રહ્યા અને અનંત યાત્રા માટે નીકળી ગયા છે. પારુલ સમજી શકતી ન હતી કે એવું કહીએ કે તે સમજવા માંગતી ન હતી કે શું થઈ રહ્યું છે? જીવનમાં અચાનક કેવું તોફાન આવ્યું? જેના કારણે આખું ઘર બરબાદ થઈ ગયું. બાળકો અને સાસુ-સસરાનો ચહેરો જોઈને તે પોતાની જાતને હિંમત આપવા લાગી, પછી સાહિલની સ્મૃતિ તેને નબળી બનાવી રહી હતી.

જવા વાળા ચાલ્યા ગયા, હવે વિધિઓ પાળવાની હતી. બેસણું પણ થઈ ગયું. બધી વિધિ પતી ગયા પછી નિર્મલાબહેને પારુલ સામે જોયું અને કહ્યું, એક સરસ સાડી પહેરીને તૈયાર થઈ જા, આજે ઓફિસ ખોલવા જવાનું છે. પારુલને કાંઈ સમજાતું ન હતું કે સાસુ શું કહી રહ્યા છે.

થોડી વાર પછી તેમણે ફરી કહ્યું, જા પારુલ, તૈયાર થઈ જા. તારે આજથી જ સાહિલનું સપનું પૂરું કરવાનું છે. તેનું મોટરપાર્ટ્સનું જે કામ છે, તેને સાહિલ જે ઊંચાઈએ લઈ જવા માંગતો હતો, હવે તારે તે પૂરું કરવાનું છે, ઉઠ! મારી દીકરી, વિલંબ ન કર. તારા સાહિલની ઈચ્છા પૂરી કરવાની પ્રતિજ્ઞા લે.

પારુલ જાણતી અને સમજતી હતી કે મમ્મી જે પણ કહેશે કે કરશે એમાં તેની ભલાઈ જ હશે, તેમાં કોઈ હિત છુપાયેલું હશે એટલે કોઈ પ્રશ્ન પૂછ્યા વગર તૈયાર થઈને સસરા અને બંને પુત્રો અંકુર-નવાંકુરને લઈને દુકાને ગઈ. તેણે દુકાન ખોલી અને કામ શરૂ કરવાની વિધિ કરી, પરંતુ ઘરે આવીને તેની ધીરજ ફરી તૂટી ગઈ. નિર્મલાબહેને પોતાનું હૃદય પથ્થરનું બનાવી દીધું હતું, કારણ કે તેમની આંખો પારુલ અને બાળકોનું ભવિષ્ય જોઈ શકતી હતી.

નિર્મલાબહેને પોતાના પતિ તરફ જોયું, પછી બંને પારુલ પાસે આવ્યા, તેના માથા પર હાથ મૂકીને તેને સાંત્વના આપવા લાગ્યા. નિર્મલાબહેને પોતાના ખોળામાં તેનું માથું રાખીને કહ્યું, આપણો લાડકો સાહિલ આપણાથી ઘણો દૂર ચાલ્યો ગયો છે. આ જીવનનું એક કડવું સત્ય છે કે તે ક્યારેય પાછો નહીં આવે, પણ એટલું જ કડવું સત્ય એ છે કે જે જાય છે તેના પરિવારજનોનું બાકીનું જીવન માત્ર રડતા અને શોક કરવાથી પસાર થઈ શકતું નથી.

પ્રતીકાત્મક ફોટો

જીવતા રહેવા માટે ખાવું-પીવું અને ઘરના અને બહારના તમામ કામ કરવા ખૂબ જ જરૂરી છે. દીકરી આ જ જિંદગી છે, અને તેના નિયમોનું આપણે માનવીએ પાલન કરવાનું હોય છે, તેમાં આપણી ઈચ્છા કે અનિચ્છાથી કોઈ ફરક પડતો નથી. દીકરી હવે સાહિલ નથી પણ બાળકો અને પરિવાર બંને તારી સાથે જોડાયેલા છે, આપણે બધાએ એકબીજાનો સહારો બનીને એકબીજા માટે ખુશીથી જીવન પસાર કરવાનું છે.

સૌથી મહત્વની વાત એ છે કે જીવવા માટે આત્મનિર્ભર બનવું પડશે. પારુલ દીકરી, હું તને જે પણ સમજાવી કે કહી રહી છું તેને હંમેશા પોતાની માઁ ની શીખ માની યાદ રાખજે. હવેથી હું તારી સાસુ નહીં માઁ છું, અને માઁ તો માઁ હોય છે.

સાહિલને ગયાને હજી થોડા દિવસ થયા છે, આ રીતે 30 દિવસ, પછી 3 મહિના અને વર્ષ પછી ઘણાય વર્ષ થઈ જશે. તું એવું વિચારી રહી હોય કે આ સંબંધીઓ તને અને તારા બાળકોને સહારો આપતા રહેશે, તો આ ભ્રમમાં ન રહીશ. હવેથી તેને ભૂલી જા. જ્યાં સુધી અમે માતા-પિતા છીએ ત્યાં સુધી તમને કોઈપણ પ્રકારની મુશ્કેલીનો સામનો નહીં કરવા દઈએ, પરંતુ એ પછી મારી દીકરીએ કોઈના પર નિર્ભર ન રહેવું પડે, તેના વિશે આપણે અત્યારથી વિચારવું પડશે.

આ અમે અમારા અનુભવો પરથી કહી રહ્યા છીએ. જીવનમાં કોઈ લાંબો સમય સાથ નથી આપતું, થોડા દિવસોની વાત અલગ છે. ઉઠ! દીકરી આગળનું વિચાર. જે થવાનું હતું તે થઈ ગયું. તેમાં આપણે ઈચ્છીએ તો પણ કંઈ કરી શકતા નથી. હવે તારા પોતાના અને આ બાળકોના ભવિષ્ય વિશે વિચાર, બાકીનું જીવન કેવી રીતે પસાર કરવું તેના પર ધ્યાન આપ.

મમ્મી, તમે શું કહો છો, મારે શું કરવું, કેવી રીતે કરવું? મને કંઈ આવડતું નથી. આ બધું સાહિલ સંભાળતા હતા. તમે બધા મારી ચિંતા ન કરો. મારી જિંદગી કોઈને કોઈ રીતે પસાર થઈ જ જશે.

તું કેવી વાત કરે છે? માત્ર લાગણીઓના સહારે જીવી શકાતું નથી, સમય સાથે વ્યવહારુ બનવું પડે છે. જીવન જીવવા માટે ઘણું સહન કરવું પડે છે અને ઘણું બધું કરવું પણ પડે છે. સાહિલ હંમેશા આપણી યાદોમાં આપણા બધાની સાથે રહેશે. હવે તેરમાની વિધિ પછી ઓફિસ જજે અને સાહિલે શરૂ કરેલા બિઝનેસને જાતે જ વધુ ઊંચાઈએ લઈ જજે. તેને કોઈના ભરોસે રાખ્યા વિના, તારે આ કાર્ય પૂરું કરવાનું છે દીકરી.

હવે બીજું કશું વિચારીશ નહિ, થોડા દિવસો પછી તું ઓફિસ સંભાળી લે, હું ઘર અને બાળકોનું ધ્યાન રાખીશ. હું ફરી કહું છું, સાહિલની યાદો સાથે આગળ વધ અને હસતાં હસતાં બાળકો અને પ્રિયજનો સાથે જીવન પસાર કર.

પણ… પણ કેવી રીતે મમ્મી, હું બિઝનેસ વિશે કંઈ જાણતી નથી, હું એકલી સંભાળી શકીશ નહીં.

કેટલીય વાર હસીને સાહિલને કહેતી કે, મને ક્યારેક તમારી સાથે ઓફિસે લઈ જાવ, મારે ત્યાંનું કામ જાણવું-સમજવું છે. ત્યારે સાહિલ કહેતા કે તું ઘરની રાણી બનીને રહે, ત્યાંની ચિંતા ના કર. હું છું ને, બધું સંભાળી લઈશ. હવે તમે જ કહો કે તે આમ કહીને મને મૂકીને કેમ ચાલ્યા ગયા, હવે હું કેવી રીતે સંભાળું?

મારી દીકરી, એ તો કોઈને ખબર નથી હોતી કે ક્યારે શું થશે? આગલી ક્ષણની સુખાકારીની પણ કોઈને ખબર રહેતી નથી. તું હોશિયાર છે, ભણેલી છે એટલે તું જલ્દી કામ શીખી જઈશ. તારા સસરાને પણ ધંધાની થોડી જાણકારી અને સમજ છે. સાહિલ તેના પપ્પાને ઓફિસે આવવા દેતો ન હતો, તે કહેતો હતો કે ઘરે જ રહો અને આરામ કરો, તમે ઘણું કામ કર્યું છે. પરંતુ હજુ પણ એવી કેટલીક માહિતી છે જે ઘણી હદ સુધી તને સ્વનિર્ભર બનવામાં મદદ કરશે.

હા દીકરી! જરાય ચિંતા કરીશ નહીં, તારા પપ્પા હજી જીવે છે, નવા માર્ગ પર દરેક પગલે તારી સાથે છે! તારી જાતને માનસિક રીતે મજબૂત બનાવ, હિંમત ન હારીશ, અમારી ખુશીનો એકમાત્ર આધાર તું છે. અંકુર અને નવાંકુરનું જીવન હમણાં જ શરૂ થયું છે, તેમના ઉજ્જવળ ભવિષ્યની કામના કરી, તેમને ખુશીની ભેટ આપવાનું પોતાને વચન આપ અને ઘરની બહારની જવાબદારીઓ નિષ્ઠાપૂર્વક નિભાવવાનું નક્કી કર. અમે તારી સાથે છીએ.

પારુલ, હવે અમારા બંનેની વાતનું માન રાખીને, દરેક પરિસ્થિતિમાં સ્વાભિમાન સાથે તારો હેતુ પૂરો કર. તું હિંમત દેખાડ. આ સાથે જ તને મારા મનની બીજી એક વાત કહેવા માંગુ છું કે, દીકરી, જો જીવનના કોઈક વળાંક પર કે રસ્તામાં બીજો સાહિલ મળવા લાગે, તો અહીં-તહીંની ચિંતા કર્યા વગર નિઃસંકોચ તેનો હાથ પકડી લેજે, તેનાથી જીવનની સફર સરળતાથી કપાઈ જશે, અને સમયની ખબર પણ નહીં પડે.

મમ્મી-મમ્મી… પારુલના મોંમાંથી વધુ શબ્દો નીકળી શક્યા નહીં. પારુલ નિઃશબ્દ બની ગઈ હતી. તે માત્ર તેના માઁ-બાપ સમાન સાસુ-સસરા તરફ જ જોઈ રહી હતી. એટલામાં જ ‘મેડમ… મેડમ…’ ના અવાજથી પારુલનું ધ્યાન ભંગ થયું. તે હોશમાં આવી. હા… હા બોલો, શું કહેવું છે?

મેડમ બધા મીટિંગ માટે તમારી રાહ જોઈ રહ્યા છે. તમે કહો કે ક્યારે શરૂ કરવી છે?

બધા સભ્યોને કહી દો કે 10 મિનિટમાં મિટિંગ શરૂ કરું છું.

પારુલ ઉભી થઈ, પાણી પીધું અને હાથ જોડી પોતાની સાસુ એટલે કે માઁ નો હૃદય પૂર્વક આભાર માન્યો, કારણ કે તેમના પ્રેમાળ માર્ગદર્શનથી પ્રેરાઈને, તે થોડા જ સમયમાં આત્મનિર્ભર બની ગઈ. અને પોતાનું આત્મસન્માન, પોતાની ઓળખ બનાવવામાં સફળ થઈ.