એક આંખ અને એક પગ વગરના રાજાનો સુંદરફોટો બનાવવાની ચિત્રકારોએ પાડી ના, પછી જે થયું તે શીખવા જેવું છે

0
386

લોકોની આદત હોય છે કે તેઓ હંમેશા બીજાના અવગુણ, બીજાની ખામીઓ પહેલા જુવે છે અને તેમના સારા ગુણ અને સારી વાતોને ધ્યાનબહાર કરે છે. સાથે જ તેઓ તે ખામીઓ વિષે બીજાને જણાવે પણ છે, પણ એવું નહિ કરવું જોઈએ.

આપણે સૌપ્રથમ લોકોના સારા ગુણો પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ નહીં કે તેમની ખામીઓ કે અવગુણ પર. આ વિચાર સાથે આપણે આપણા કામ કરવા જોઈએ.

ચિત્રકારે બનાવ્યું રાજાનું સુંદર ચિત્ર :

એક રાજ્યમાં એક રાજા હતો જેમનો એક પગ અને એક આંખ નહોતી. વિકલાંગ હોવા છતાં રાજાના રાજ્યમાં બધા સુખી હતા. રાજા ખૂબ જ બુદ્ધિશાળી અને પ્રતાપી હતો. એક વાર રાજાએ વિચાર્યું કે મારે પણ પોતાનું એક ચિત્ર બનાવવું જોઈએ. પછી શું હતું, તેમણે દેશ-વિદેશથી ચિત્રકારોને બોલાવ્યા.

એક પછી એક મહાન ચિત્રકારો રાજાના દરબારમાં આવ્યા. રાજાએ બધાને વિનંતી કરી કે તેઓ તેમનું એક સુંદર ચિત્ર બનાવે જેને મહેલમાં સ્થાપિત કરી શકાય. બધા ચિત્રકારો વિચારવા લાગ્યા કે રાજા તો પહેલેથી જ દિવ્યાંગ છે તો પછી તેમનું ચિત્ર કેવી રીતે સુંદર બનાવી શકાય. આ બિલકુલ શક્ય નથી. અને જો ચિત્ર સુંદર ન બન્યું તો રાજા ગુસ્સે થઈને અમને સજા આપી દેશે તો અમારું શું થશે.

પ્રતીકાત્મક ફોટો

આવું વિચારીને બધા ચિત્રકારોએ રાજાનું ચિત્ર બનાવવાની ના પાડી દીધી. ત્યારે પાછળ બેઠેલા એક ચિત્રકારે પોતાનો હાથ ઊંચો કરીને કહ્યું કે, “હું તમારું ખૂબ જ સુંદર ચિત્ર બનાવીશ, અને તમને તે ચોક્કસ ગમશે.”

રાજાની અનુમતિથી ચિત્રકાર ઝડપથી ચિત્ર બનાવવામાં લાગી ગયો. ઘણા દિવસો પછી તેણે એક ચિત્ર તૈયાર કર્યું. ચિત્ર જોઈને રાજા ખૂબ જ ખુશ થયા અને બધા ચિત્રકારોએ દાંત નીચે આંગળીઓ દબાવી દીધી. ચિત્રકારે એક ચિત્ર દોર્યું જેમાં રાજા જમીન પર એક પગ વાળીને બેઠા છે અને એક આંખ બંધ કરીને પોતાના શિ-કા-ર પર નિશાનો લગાવી રહ્યા છે.

રાજાની નબળાઈઓ છુપાવીને પેલા ચિત્રકારે ખુબ ચતુરાઈથી સુંદર ચિત્ર બનાવ્યું. આ જોઈને રાજા ખૂબ જ ખુશ થયા. રાજાએ તેમને મોટું ઇનામ આપ્યું.

લાઈફ મેનેજમેન્ટ : બીજાની ખામીઓને નજરઅંદાજ કરીને તેમની શક્તિઓ પર ધ્યાન કેન્દ્રિત કરવું એ બહુ મુશ્કેલ કામ નથી. આજકાલ લોકો એકબીજાની ખામીઓ ખૂબ જ ઝડપથી શોધી લે છે, પછી ભલેને પોતાનામાં ગમે તેટલી ખામીઓ હોય. તમે તે ચિત્રકાર પાસેથી અન્યને જોવાની સાચી રીત શીખી શકો છો. જ્યારે તમે કોઈનું સારું વિચારો છો, ત્યારે તમારી સાથે પણ સારું જ થાય છે.