ભડભાંખરું – આ લઘુકથા દ્વારા સમજો માત્ર લોકપ્રિયતાના આધારે કોઈને જીવનસાથી બનાવવા પર શું થાય છે?

0
497

ગામમાં નાટક મંડળી રમવા આવેલી. રઘો સ્ત્રી પાત્ર સારું ભજવતો હતો. ગામ આખામાં એ લોકપ્રિય થઈ ગયેલો.

રૂપાને થતું કે રઘા જેવો પતિ મળે તો બેડો પાર થઈ જાય.

એ જ્યાં આ મંડળીનો ઉતારો હતો એની આસપાસ દિવસે કોઈને કોઈ બહાને આંટો મારતી.

આજની રાત છેલ્લી હતી.

નાટક એકાદ વાગે પૂરું થતું. રૂપાએ સવારે જ રઘાને મળીને પોતાના દિલની વાત કરવાનું મનોમન નક્કી કર્યું હતું.

નાટક પૂરું થયું એટલે એ ઘરે આવી અને ખાટલામાં પડી પડી સૂરજદાદાને વહેલા ઉગવા વિનવતી હતી.

ભડભાંખરું થવાને હજુ વાર હતી અને ગામ આખામાં રાડારાડ થવા માંડી. બધાં ભેગી રૂપાએ ચોકમાં ગઈ.

જેણે સાંભળ્યું એ પુરુષો હાથમાં આવ્યું એ હથિ આર લઈ એ નાટક મંડળી જે ગામથી આવેલ હતી એ રસ્તા બાજુ દોડતા હતા.

રૂપા વિચારમાં પડી ગઈ.

એકઠાં થયેલાં બૈરાંઓના ટોળામાં ગણગણાટ ચાલુ હતો : ” રઘો છગનીયાની વહુને લઈને ભાગી ગયો છે તે……..”

થોડીવારમાં ગામના લોકો રઘાને અને છગનીયાની વહુને લઈને આવી રહ્યા હતા.

રૂપાની બા કહેતાં હતાં : “છગનભૈનાં છોકરાં બિચારાં રઝળી પડત. સારું થયું પાછી લાવ્યા તે !”

રૂપા આવીને ખાટલામાં આડી પડી અને મનમાં પ્રાર્થી રહી : ” તમતમારે મોડા જ ઉગજો, સૂરજદાદા !!”

– માણેકલાલ પટેલ.

(ફોટા પ્રતિકાત્મક છે)