“મળે તો” : ઓમપ્રકાશ વોરાની આ કવિતા ક્યાંકને ક્યાંક તમારા જીવન સાથે જોડાયેલી છે, એકવાર વાંચી જુઓ.

0
483

માંગી ભલા મેં ક્યારે, દુનિયા ની મહેરબાની?

મારે તો જોઈએ, જો કદરદાની મળેતો.

એના બધાય નિયમો, પાળું તો છું કિન્તુ,

કરી લઉં છું, જો કરવાની મનમાની મળેતો.

સાવ સરળ જીવન, ગમતું નથી મને,

લઇ લઉ છું, જો બીજાની પરેશાની મળેતો.

મજહબ ના ઠેકેદારો ને છે, દુર થી સલામ,

શોધું છું કોઈ રહબર, નૂરાની મળેતો .

બહુ ભાર સમજદારી નો, માથે નથી રાખ્યો,

છોડું નહીં તક, કરવાની નાદાની મળેતો.

ચાપલુસી – જીહજુરી ને છોડી દીધાં પાછળ,

નમું છું, જો ખુદ્દારી – ખાનદાની મળેતો.

જન્મ્યા-જીવ્યા-મુવા-તો આવ્યા જગત માં કેમ?

રચવી છે, જો રચવાની એક કહાની મળેતો.

કહેવાનું ઘણું છે પણ, મસરૂફ છે જમાનો,

કહેતો રહીશ વાત, જો કહેવાની મળેતો.

સ્વપ્નો માં તો જોઈ છે, જોવી છે ખુલી આંખે,

સુખ – શાંતિ ભરી દુનિયા, જોવાની મળેતો.

કોઈ થી કેમ ડરવું, ખુદા નો આશરો છે,

થઉં ધન્ય, જો ખુદાનીનિગેહબાની મળેતો.

{નુરાની = નૂર-પ્રકાશ ધરાવતો}

{મસરૂફ = વ્યસ્ત}

{નિગેહબાની = દોરવણી – સંરક્ષણ}

– ઓમપ્રકાશ વોરા, ચાંદખેડા, અમદાવાદ. (અમર કથાઓ ગ્રુપ)