સવાર પણ જાગી ગયું હતું. તથાગત બુદ્ધનું વિચરણ અને વાતો જોતું-સાંભળતું ભળકડું થોડું લાલ બની બુદ્ધની આજુબાજુ તેજ છાયા કરતુ હતું. રાત્રિનો પ્રકાશ સૂર્ય સાથે ભળી જાય તેમ પાછળ પાછળ ચાલતો બુદ્ધનો શિષ્ય આનંદ હંમેશની જેમ સંમોહિત લાગતો હતો.
બુદ્ધ જયારે સ્વત્વનો સ્વીકાર કરતા ત્યારે સૂર્ય બની જતા અને તેમના સ્વનો ઇન્કાર પૂર્ણિમાનો ચંદ્ર. બંને પ્રકાશ આનંદ ને ગમતા.
બુદ્ધ થોડું ચાલ્યા. થોડું ચાલ્યા પછી કેડી આવી. સામેથી આવતા વ્યક્તિએ બુદ્ધને નમન કરીને પૂછ્યું, તથાગત મને કહેશો ભગવાન છે ખરા?
તથાગતે જવાબ આપ્યો….. ના. અને પૂછી પણ લીધું આ કેડી ક્યાં જાય છે?
બુદ્ધના સવાલનો જવાબ આપતા પેલા વ્યક્તિએ ફરી હાથ જોડ્યા અને કહ્યું… કેડી થોડે સુધી આગળ જઈને એક ચરાણમાં મળી જશે.
પછી માત્ર ઘાસ અને ઘાસ આવશે. આ કેડી તમારા સંઘને મગધ સુધી નહિ લઇ જશે.
બુદ્ધે રસ્તો બદલ્યો. હવે તે મોટા માર્ગઉપર ચાલી રહ્યા હતા. સામેથી આવતા ઘોડેસવારે ઘોડા ઉપરથી ઉતરી સંઘને નમન કર્યું, બુદ્ધને નમન કર્યું અને પૂછી લીધું તથાગત ભગવાનનું અસ્તિત્વ છે?
બુદ્ધે અસવાર તરફ જોયું, ઘોડા તરફ જોયું અને કહ્યું – હા ભગવાન છે. અને સામે પૂછી પણ લીધું કે, ઘોડા ને ક્યારે ચારો નીર્યો હતો?
અસવારે કહ્યું બસ હું કેડી ઉપર જઈશ. આગળ ચરાણ છે… તે ઘાસના મેદાનમાં ઘોડાને છૂટો મૂકી દઈશ. હજુ તેને મેં કોઈ ચારો આપ્યો નથી.
બુદ્ધ આગળ ચાલ્યા. થોડું ચાલી ઝાડ નીચે બેસી ગયા.
રસ્તે ચાલતા એક યુવાને બુદ્ધની બાજુમાં આવીને પૂછી જ લીધું, તથાગત ભગવાન છે ખરા?
બુદ્ધે જવાબ આપવાને બદલે ધીમે ધીમે આંખો બંધ કરી. બુદ્ધ પદમાસનમાં હતા. પૂછનાર યુવાન પણ ત્યાં બેસી ગયો. તેણે પણ બુદ્ધની જેમ ધ્યાન લગાવ્યું.
ધ્યાન અવસ્થા પુરી થતા બુદ્ધ ઉભા થયા યુવાનને પણ ઉભો કર્યો અને સંઘ સાથે ચાલવાનું શરુ કર્યું.
યુવાન પાસે હવે કોઈ રસ્તો ના હતો. ના તે કેડી ઉપર હતો કે ના તો તે મોટા રસ્તા ઉપર. તે બુદ્ધની સાથે સાથે ચાલવા લાગ્યો.
તેને પ્રશ્નનો જવાબ મળી ગયો હતો કે……. ભગવાન છે કે નહિ. તે કોઈને પૂછીને ના પામી શકાય. તેની અનુભૂતિ જાતે જ કરવી પડે છે.
ધીમે ધીમે થતા બપોર ને ગઈકાલે ઉગેલો ચન્દ્રમા યાદ હતો, રાત્રી યાદ હતી, બુદ્ધપૂર્ણિમા યાદ હતી.
બુદ્ધની સાથે ચાલતા બધા બોલતા હતા…… સંઘમ શરણમ ગચ્છામી.
6000 હજાર વરસ પહેલા સાંભયેલો આ અવાજ હજુ પણ સંભળાઈ છે.
કારણ કે સાઉન્ડ મ **રતો નથી, અવાજ નષ્ટ થતો નથી.
– સાભાર અતુલ રાવ (અમર કથાઓ ગ્રુપ)