સાંજનો સમય હતો. આઉટડોર પતી ગયેલુ. એક ડોકટર મિત્ર જોડે ગપ્પા મારતો હતો. ત્યાંજ કાઉન્ટર પરથી ચબરખી કન્સલ્ટીંગ ટેબલ પર આવી. ‘ડો.મયુર ઠાકર’ મળવા માંગે છે, નોકરી માટે. પાંચ મિનિટ બાદ ડોક્ટર મિત્ર વિદાય લેતાં ડો.મયુર ઠાકરને અંદર બોલાવ્યા.
બેસો ડોક્ટર બોલો…
સર, મેં બી.એચ.એમ.એસ. ટર્યુ છે. આપને ટ્યાં નોટરી માટે આવ્યો છું.
મેં કીધુ-કયારે પાસ થયા?
ડયા વર્ષે -મે ૨૦૦૭ માં ઇન્ટર્નશીપ પટી.
કોઇ અનુભવ?
ઠાસ નહિ સાહેબ, ટોલેજટાળમાં ટ્યાંટ ટ્યાંટ ઠોડાક ડિવઠો ટામ ટર્યુ છે. પણ ટમે રાઠો ટો શિઠવુ છે.
હું મયુરને જોતોતોને સાંભળતો રહ્યો. વિસામતામાં કુતુહલ સાથે.
મારાં ત્યાં ૩૦ વર્ષમાં ઘણા બધા ડોક્ટર્સ બી.એ.એમ.એસ., બી.એચ.એમ.એસ. અને એમ.બી.બી.એસ. આસિસ્ટન્ટ અને ટ્રેની તરીકે ગયા. દોઢસો ઉપરનો આંકડો હશે. ૬ મહિના,૧ વર્ષ,૨ વર્ષ કે ૫ વર્ષ કામ કરે. અનુભવ લે. અને પછી ગામડામાં અને કેટલાક શહેરમાં પ્રેક્ટિસ ચાલુ કરે. (એમ.બી.બી.એસ. વાળા મોટા ભાગે પી.જી. કરે કે ગવર્નમેન્ટ માં જોબ લે)
પ્રભુની દયાથી એમના પર ને મારા પર બધાજ ખુબ સારી પ્રેક્ટિસ કરેને…કમાય.
બોર્ડ પર ‘Ex.Medical Officer-ડો.સુરેન્દ્ર ગુપ્તા’ ખાસ લખે. બ્રાન્ડ વેલ્યુ માટે-દર્દીઓનો વિશ્વાસ જીતવા માટે.
માર્કેટમાં નવા નવા પાસ આઉટ ડોક્ટર્સમાં એવી વાયકા કે સાહેબને ત્યાં અનુભવ અને શીખવા સારુ મળે. એટલે સતત નવા ડોક્ટર્સનો આવરો ચાલુ રહે. હું શિખવાડુ ઓછું (સમયના અભાવે)-પણ મોટા ભાગના કામ કરતા કરતા શીખી જાય અને ખાસા માસ્ટર થઇ જાય.
ડોક્ટર ડાયરેક્ટ આવે કે કોકની ભલામણથી આવે. લગભગ કોઇને મેં ના પાડી નથી. બધાને આવકાર્યા છે-મઠાર્યા છે. પરંતુ ડો.મયુરનો કેસ જુદો હતો. મયુરની વાણી દિવ્યાંગ હતી-તે તોતડુ બોલતો હતો. દર્દી જોડે વાત કઇ રીતે કરશે? બીજા ડોક્ટર ત્રણ મિનિટમાં હિસ્ટ્રી લે-તેને દસ મિનિટ થશે. દર્દી કે સગાઓને કયારેક કે વારંવાર અનિચ્છાએ પણ હસવું આવી જશે. કયારેક નાનો-મોટો, મીઠો-તીખો ઝગડો પણ થઇ શકે. તોતડાપણામાં કયારેક શબ્દોના-વાકયોના અર્થઘટન બદલાઇ જાય-અરે દ્વિઅર્થી પણ લાગે.
મારા માનસપટલ પર આવા ઘણાં સવાલો રમી રહ્યા. આપણે કયાં ડોક્ટર્સનો તોટો છે તો આવા વાણી દિવ્યાંગને રાખીને જફા મોલ લેવી? મેં ના પાડવા ગરદન ઉંચી કરી પણ મયુરનો Demanding ચહેરો જોઇ ના ન પાડી શક્યો.
સાહેબ,મારે ડરુર ઠે.રાઠો ટો સારુ.
વેદના સાથેની વિનંતી, મયુરના ચહેરા પરની હળવી લાચારી-દિવ્યાંગ વાણીની જન્મજાત પીડા મને સ્પર્શી ગઇ. મેં કીધુ-ઓકે..!કાલ થી આવી જાઓ…! કામ જોઇને પગાર નક્કી કરીશ. ને મયુર બીજા દિવસથી આવી ગયો.વાણીના કારણે શરુઆતમાં થોડા પ્રોબ્લેમ થયા પછી બધું થાળે પડી ગયું. દર્દીઓ પણ ટેવાઇ ગયા.
પણ એક પ્રસંગની પીડા અને મજા માણવી રહી. એક પાંત્રીસેક વર્ષની ઉંમરના બેન સ્પેશ્યલ રુમમાં દાખલ. સાંજના રાઉન્ડમાં મેં એમના રુમમાં નીચે પડેલ ખુલ્લી માટલી જોઇ. પાણી ઢોળાતુ હતું. મેં ડો.મયુરને કીધુ – બેન ને જઇને કહો માટલી ઢાંકેને નીચે સપોર્ટ રાખે.
ડો.મયુર બેન પાસે ગયા. બેન,નીચે મુટવાનુ ઉપર ઢાંટવાનું રાખો. (માટલા શબ્દનો પ્રયોગ કર્યા વગર)
બેન ગરમ થઇ ગયા. ડોક્ટર આવી વલ્ગર વાતો કરે છે. મેં મામલો જઇને શાંત પાડયો. બેનને મયુરના વાણી વિકાર અંગે જણાવ્યું ને બહેન શાંત થયા. આવી નાની-નાની ઘટનાઓ મયુરકાળમાં બની ગયેલ. પણ હળવી મજાક સાથે.
દોઢ વર્ષ પુરુ થયું ને મયુરે એક સાંજે મને કહ્યુ-સર, હવે પ્રાઇવેટ ટરવું છે. જઢ્યા શોઢુ છુ.
હુ દોઢ વર્ષમાં બીજી વાર મયુરને વિસ્મયભર્યા કુતુહલ સાથે જોતો રહ્યો. મેં કહ્યુ-સારું.મારા આશિર્વાદ છે. મનમાં સંશય હતો. મયુર પ્રાઇવેટ તો કરશે પણ આ વાણી વિકાર સાથે ચાલશે?
મયુર બોલ્યો – સર, તમારો ઉપટાર જીંદઢીભર નહિં ભુલું. ટમારા ટ્યાં હું આવ્યો એ પહેલા દશેટ કન્સલ્ટન્ટ પાસે ડયેલો. બઢાએ મારો અવાજ સાંબળી ના પાડી હટી. હું હટાશ થઇ ગયેલો. હિંમત હારી ગયેલો. ટમેજ મને રાઠયો અને હું આટલું બઢુ શિઠ્યો. આટલો આટ્મવિશ્વાસ આપ્યો.
મયુરની આંખમાં લાગણીસભર ઝળહળીયાં હતાં .મારી આંખોમાં પણ આવી ભિનાશ હતી.મેં આજે જાણ્યું કે મયુર દસ દવાખાનાની ઠોકરો ખાઇને મારા ત્યાં આવેલો.
૨૦૦૯નુ વર્ષ. મયુરે જગ્યા શોધી લીધી. ક્લિનિક નાં ઉધ્ઘાટનમાં મને બોલવ્યો. ૧૨મું વર્ષ છે. મયુર,આજે અંબાજીમાં – હા,જગતજનની મા અંબાની છત્રછાયામાં ધીકતી પ્રેકટીસ કરે છે. એની પાસે જમવાનો સમય નથી. એજ મારા ત્યાં શિખેલા પરગજુ સિધ્ધાંતો અને સદગુણો સાથે. ગરીબ ફ્રેન્ડલી ડોક્ટર તરીકે/તોતડા સાહેબ-ડોકટર તરીકે સુખ્યાત છે. તોતડાપણાંની લઘુતાગ્રંથી હવે ગુરુતાગ્રંથી બની ગઇ છે. દર્દીઓને મયુરના એ અવાજમાં રાહત આપતો મોરનો મધુર ટહુકો સંભળાય છે.
કોઇકે સાચુંજ કહયુ છે કે – “જયારે બધા હાથ એનો સાથ છોડી દે ત્યારે કુદરત આંગળી પકડનાર મોકલી દે છે… એનુંજ નામતો જીંદગી છે.”
ડો.મયુર એની સેવા માટે કયારેક કયારેક મીડિયામાં ચમકે છે. જોઇ-જાણીને સંતોષની અનુભૂતિ થાય છે. મયુરના ગુરુ તરીકે આજે હું પણ ગુરુતાગ્રંથીના અંત:સ્ત્રાવોને માણી રહ્યો છું.
– ડો.સુરેન્દ્ર ગુપ્તા M.D.
ડો.મયુર ઠાકર (સત્ય ઘટના : ડો.મયુર ઠાકરની રજા મંદી સાથે) તા.૨૯-૫-૨૦૨૧
(સાભાર અનિલ પઢીયાર, અમર કથાઓ ગ્રુપ) (ફોટા પ્રતિકાત્મક છે.)