મનની સ્વજનની ભૂખ મટાડવી અઘરી છે એ વાત સજાવતો આ કિસ્સો દરેકે વાંચવા જેવો છે.

0
747

લઘુકથા – ભૂખ :

જશુભાઈ દિકરાને ઘરે શહેરમાં ગયા. બહુમાળીમાં સોએક કુટુંબ રહે. પણ કોઈ કોઈને ઓળખે નહીં. અરે.. એક જ માળ પર રહેતા લોકોને પણ કંઈ વહેવાર નહીં. લીફ્ટમાં દશેક માણસ સાથે ચડે-ઉતરે, પણ કોઈ મોઢુંય ન મલકાવે. એને નવાઈ લાગતી.

જન્માષ્ટમીનો તહેવાર હતો. સામેના ફલેટમાં એક હિન્દી-ભાષી યુગલ રહે. યુવતિ આમંત્રણ આપી ગઈ. સાંજે પૂજા રાખી છે.

ઘરમાં ચર્ચા થઈ, સુર નિકળ્યો.. કે અહીં સૌ સૌનું કરે. જવાની જરુર નથી.

બહાર લટાર મારી, જશુભાઈ પાછા આવ્યા, સાંજ પડવા આવી હતી, લીફ્ટમાંથી નિકળી જોયું તો સામેના ફ્લેટનો દરવાજો ખુલો હતો, થયું.. જોઉં તો ખરો.

તે અંદર ગયા, પૂજાની તૈયારી ચાલુ હતી, બીજું કોઈ આવ્યું ન હતું, બંનેએ આવકારો આપી બેસાડ્યા, પૂજા પુરી થઈ, યુવતીએ મોટી ડીશ ભરીને પ્રસાદ આપ્યો.

“અરે બેટી.. યે તો બહોત જયાદા હૈ.. થોડા રખો, બાકીકા નિકાલ લો.. મેરા શામકા ખાના ભી બાકી હૈ.”

“ઘરકા ખાના મત ખાઈએ.. ઈસકો પુરા કીજીયે. મુજે બેટી જો કહા. ઈસકે હિસ્સેકા યે..” કહીને વધારાનો એક ચમચો શીરો નાખ્યો.

ખાતાં-ખાતાં ઔપચારીક વાતો થઈ.

“મેરે માતા-પિતા નહીં રહે.. મૌસીકે ઘર રહકે પઢી હું, ઉનકે ગાંવસે યહ શહર બહુત દુર પડતા હૈ… ઇસ કારન વે નહીં આતે, ઔર હમારા લવ-મેરેજ હૈ, દહેજ નહીં મિલા, ઈસલિયે ઈનકે ઘરવાલે ભી કમ આતે હૈં.”

ખાવાનુ પુરું થયું.

યુવતિ બોલી “આપકે સાથ ખાનેમેં બહોત મજા આયા, આપ જબતક યહાં રહેં, હરમાસ એકબાર તો હમારે સાથ ખાના હોગા. યહાં સબ મેમ કહતે હૈં. બેટી કહનેવાલા કોઈ નહીં મીલતા.”

જશુભાઈને આ વાત સાવ નિર્દંભ લાગી.

“તો તુમ્હે ભી મેરી એક બાત માનની હોગી. બેટીકે ઘરસે ખાલી હાથ નહીં લૌટતે.” કહી એણે સોની નોટ ધરી.

“નહીં દાદાજી.. બેટીકા અધિકાર તો દદ્દુકે પુરે બટવે પર હોતા હૈ.” એમ કહી એણે બટવો પોતાના હાથમાં લીધો ને દશની એક નોટ જાતે કાઢીને રાખી લીધી.

જશુભાઈ બહાર નિકળ્યા.

મનમાં ઉદ્ગાર જાગ્યો… “તનને અન્નની ભૂખ હોય, તો મટાડવી સહેલી છે. પણ મનને સ્વજનની ભૂખ હોય તો મટાડવી ભારે અઘરી.”

– જયંતીલાલ ચૌહાણ ૨૧-૧૦-૧૯