કહીશ સૌને આજે તો, મારા મન ની વાત,
પી.એમ.ની નથી, છે આ પ્રજાજન ની વાત.
સુખ-દુઃખ હર્ષ-ગ્લાનિ, બધુંય આવશે,
કંટક-કુસુમ ની નહીં, છે આખા ચમનની વાત.
જન્મ એજ દુઃખ છે, પણ ક્યાં ખબર હતી,
ખાવાની-સુવાનીને, હતી રુદન ની વાત.
મોટા થયા-ભણ્યા-ગણ્યા, સારું-નઠારું સમજ્યા,
મીઠા પવનની સાથે, હતી અગનની વાત.
આવ્યું તેને નભાવ્યું, અથવા લડી ભગાવ્યું,
બસ માણવાનું મન હતું, નહોતી જતન ની વાત.
જે ગમ્યું તે મળ્યું નહીં, જે મળ્યું તે ગમ્યું નહીં,
આ તો છે આ જગત ના, ભવને-ભવન ની વાત.
હા સ્નેહ પણ મળ્યો તો, હા સ્વપ્ન પણ જોયા’તા,
છોડી દઉં છું ખેર એ દિલ ના દ હનની વાત.
ઉંમર વધી ને આવ્યા, અણદીઠ વળાંકો,
મારી ન રહી, થઇ આ સૌના જીવન ની વાત.
અનુભવ નાના-મોટા, નિર્ણય સાચા-ખોટા,
હવાના સાથ ની, ને સામા પવન ની વાત.
અપેક્ષા-ઉપેક્ષાઓ, સંદેહો-સમાધાનો,
બાકી રહી હવે તો ‘હું ‘ ના હનન ની વાત.
અર્થ-કામ છૂટયા, છે ધર્મ-મોક્ષ બાકી,
કરું છું હવે જિંદગીના, સંકલનની વાત.
કહ્યું ઘણુંય તો પણ, બાકી રહ્યું ઘણું,
આ જિંદગી છે મિત્રો, નથી કવન ની વાત.
સૂઝ્યું તે લખ્યું છે, આપ એ રીતે જ વાચો,
બાકી રહી હવે તો, ‘ઈશ્વર શરન’ ની વાત
– ઓમપ્રકાશ વોરા, અમદાવાદ (અમર કથાઓ ગ્રુપ)