સુખ બહાર તો નથીજ , જો લાગે તો ભ્રમ હશે ,
સુખ નો લિબાસ પહેરીને , બેઠેલ ગમ હશે .
સુખ તારી શોધ માં તો , જન્મો વહી ગયા ,
જાણે હજુય કેટલા , બાકી જન્મ હશે .
સંપત્તિ માં સુખ શોધતાં , ક્યારેય નહીં મળે ,
ને સત્ય એ સમજાશે ત્યારે , આંખો નમ હશે .
ક્યારેક ,હાથ-વેંત માં ,સુખ લાગશે કિન્તુ,
છલના હશે એ ઠાલી , કેવળ વહમ હશે .
પૈસો-પ્રતિષ્ઠા પદ માં , સુખ લાગશે કદાચ ,
વાસ્તવ માં સુખ નહીં, એ મનનો અહમ હશે .
નાચતા પતંગા , ને ગાતા પરિંદા ,
લાગે છે સુખ ની એમને ,થોડીક ગમ હશે .
દુઃખાલયમ છે દુનિયા, તો કેમ એ ઘડી ?
સંસાર થી સમજાય શિવ , એવો નિયમ હશે .
આનંદ રૂપ ઈશ્વર, ઈશ્વર નો અંશ માનવ ,
‘ભીતર ‘મહીં જ સુખનો સાચો ઇલમ હશે .
અંતર માં સુખને શોધો , ઈશ્વર માં સુખને શોધો ,
ઈશ્વર ચરણ હશે ત્યાં , સુખ પણ પરમ હશે .
– ઓમપ્રકાશ વોરા, ચાંદખેડા, અમદાવાદ. (અમર કથાઓ ગ્રુપ)