“રામ” શબ્દ બ્રહ્મની ઓળખાણ છે. ‘રામ’ એ એકાક્ષર મંત્ર પછીનો સૌથી ટૂકો મંત્ર છે. રામ મર્યાદા પુરુષોત્તમ છે. રામ માટે સર્વસ્વ છે. એક વચન, એક બાણ, એક પત્ની એમનાં આભૂષણ છે. શિવજી એમના ઇષ્ટદેવ છે. માતાપિતાની આજ્ઞાનું પાલન એમનું અનુશાસન છે. રામ સ્વયં શ સત્ર છે અને શાસ્ત્ર પણ છે. ભક્તોના એ ભગવાન છે, વરદાન છે તો દુ:ખીજનો માટે કરુણાનિધાન છે.
રામાયણ એ રામના આચરણનું શુદ્ધ વ્યાકરણ છે. શબરીને એ સામે ચાલીને મળવા જાય છે અને એઠાં બોર ખાય છે. કેવટને પગ ધોવા દે છે. અહલ્યાનો એ ઉદ્ધાર કરે છે. સુગ્રીવને એ સહાય કરે છે. જટાયુના અગ્નિસંસ્કાર કરે છે. ‘રામ’ મંત્રજાપથી વાલિયા લૂ ટારાને વાલ્મીકિ ઋષિનું પદ આપે છે. સમગ્ર રામાયણમાં એ સામાન્ય માનવીના જનપ્રતિનિધિ બનીને રહે છે એ સત્ય, સદાચાર, સ્નેહ અને સમર્પણના સંસ્કાર ઉજાગર કરે છે.
માણસે શું શું કરવું એ રામાયણ શીખવે છે. માતાપિતાની આજ્ઞાાનું પાલન, શરણાગતનું રક્ષણ, એક પત્નીવ્રત, ક્ષમા એ રામના આદર્શો છે. પોતાને મળેલું રાજ્યપદ છોડી માત્ર પાદુકા સ્થાપી ચૌદ વર્ષ ધીરજ ધરવાનું ધૈર્ય ભરતને નમન કરવા મજબૂર કરે છે.
પોતાને વનવાસ નહોતો મળ્યો છતાં પતિના સુખે સુખી અને દુ:ખે દુ:ખીનું વ્રત સીતાજી શીખવી જાય છે. લક્ષ્મણના ભાતૃપ્રેમનો કોઈ જોટો જડે એમ નથી. ઉર્મિલાનો ત્યાગ ‘ત્યેન ત્યક્તેન ભુંજીથા’- ત્યાગીને ભોગવી જાણો-નું આખેઆખું ઉપનિષદ ખડું કરે છે.
હનુમાનજી વિશે શું કહીશું? ભારત દેશમાં એક પણ ગામ એવું નહિ હોય કે જ્યાં હનુમાનજીની એકાદી નાની શી દેરી કે મંદિર ન હોય ! એકવાર હનુમાન ચાલીસા ગાઈ લ્યો, હનુમાનજી સમજાઈ જશે ! રામભક્તની યાદી બનાવો તો સૌ પ્રથમ નામ હનુમાનજીનું જ લખવું પડે. અન્યાયનો જીવના ભોગે પણ પ્રતિકાર કરવો અને સ્ત્રીરક્ષા કર્તવ્ય છે એ જટાયુ પાસેથી શીખવા મળે છે. સત્યના પડખે ઉભા રહેવા સગા ભાઈનો પણ ત્યાગ કરવો પડે તો કરી દેવાનું વિભિષણ શીખવી જાય છે.
માણસે શું શું ન કરવું એ પણ રામાયણમાં જ છે. અભિમાન કરવાથી રાવણની શું હાલત થઈ એ જગજાહેર છે. કામવાસના તો કાન, નાક પણ કપાવે છે- શૂર્પણખાને જોઈ લો ! કપટ કરો તો શું થાય? મારિચ જેવા હાલ થાય વિચારીને ન બોલો તો ઇન્દ્રાસન નિંદ્રાસનમાં ફરી જાય ત્યારે કુંભકર્ણની હાલત કેવી થઈ એ કહેવાની જરૂર ખરી ? કૈકેયીનો મોહ સૌને માટે દીવાદાંડીરૂપ છે. મંથરા કાનભંભેરણીનું પ્રતીક છે.
રામ અને રામાયણ પાસેથી ઘણું શીખવા મળે છે એ માટે દૃષ્ટિ જોઈએ. જેવી દૃષ્ટિ તેવી સૃષ્ટિ. રામાયણ તો સમગ્ર સૃષ્ટિનું સૌ પ્રથમ મહાકાવ્ય છે. રામાયણ વાંચ્યા પછી દુ:ખી થવાનો કોઈને ય અધિકાર નથી.
એક રામ દશરથ કા બેટા, એક રામ ઘટઘટ મેં લેટા;
એક રામ હૈ જગત પ્રસારા, એક રામ હૈ સબ સે ન્યારા
જય સીયારામ
– સાભાર એમડી પરમાર (અમર કથાઓ ગ્રુપ)