મંદિર બનાવવા માટે પોતે કૂવાનું ચણતર કામ કર્યું હતું, વાંચો બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ.

0
134

તા. 19-5-2010, ભાદરા. ભાદરા મૂર્તિપ્રતિષ્ઠા મહોત્સવને સફળતાપૂર્વક સંપન્ન કરવા માટે કુલ 23 વિભાગોમાં 2,225 સ્વયંસેવકો તથા સ્વયંસેવિકાઓ કાર્યરત હતાં, પરંતુ 1969 માં યોગીજી મહારાજે જ્યારે અહીં જ મંદિરની પ્રતિષ્ઠા કરી ત્યારે આવું કોઈ સ્વયંસેવકદળ હતું નહીં.

દળ ગણો તોય સ્વામીશ્રીની શ્રીજીમહારાજ પ્રત્યેની શ્રદ્ધા અને બળ ગણો તો પણ સ્વામીશ્રીની શ્રીજી-મહારાજ પ્રત્યેની અતૂટ ભક્તિ અને યોગીજી મહારાજ પ્રત્યેની ગુરુભક્તિ હતાં. એ વખતના સ્વામીશ્રીના પરિશ્રમનો અમૂલ્ય દસ્તાવેજ તેઓએ જ લખેલી ડાયરીઓનાં પાને પાને મળતો રહે છે. ઇતિહાસનું આ સુવર્ણ દસ્તાવેજી પૃષ્ઠ છે. અહીં થોડાંક એ અસલ પાનાંઓ સ્મૃતિ માટે પ્રસ્તુત છે. તે જ વિગતો ટાઈપ કરીને મૂકવામાં આવી છે.

પાણીનો વિકટ પ્રશ્ન :

એ વખતે પાણી ક્યાંથી લાવવું એ જ મોટો પ્રશ્ન હતો, પરંતુ યોગીજી મહારાજના આશીર્વાદમાં શ્રદ્ધા રાખીને સ્વામીશ્રી રીતસર ઝઝૂમ્યા. ગામના એકેય પટેલના કૂવામાં મહોત્સવ પૂરો થાય એટલું પાણી ન હતું. નદીના સામે કિનારે નાથાભાઈ પેઢડિયાનો કૂવો હતો. ત્યાંથી પાણી-વ્યવસ્થાનું નક્કી કરવામાં આવ્યું.

સ્વામીશ્રીએ નોંધ્યું છે :

તા. 8-3-1969, નદીને સામે કિનારે કૂવો કરીને ત્યાંથી પાઇપ લઈને મોટરવર્ક્સ કરવાની વાતચીત થઈ.

તા. 10-3-1969 ના રોજ કૂવો ખોદવાનું શરૂ કર્યાની વિગત સ્વામીશ્રીએ નોંધી છે. સ્વામીશ્રીએ લખ્યું : ‘આજે નદીના સામે કાંઠે કૂવો ખોદવાનું સવારના નવ પછી ખોદવાનું મુહૂર્ત કર્યું.’

તા. 13-3-1969ના દિવસે સ્વામીશ્રીએ નોંધ્યું : ‘આજે પાઇપલાઇન નદીથી ધર્મશાળા સુધી 4,500 ફૂટ આશરે ખોદવાનું ઊધડું ખારવાના હરિજનને ફૂટના 95 પૈસાના લેખે આપ્યું. પૂજ્ય ઈશ્વરચરણ સ્વામી તથા દેવચરણ પાઇપ લેવા દાવોલ ગયા.

એ જ રીતે તા. 15-3-1969ના રોજ સ્વામીશ્રીએ નોંધ્યું છે કે – ‘આજથી પાઇપલાઇન ખોદાણ શરૂ થયું.’

તા. 17-3-1969 ના દિવસે સ્વામીશ્રીએ પોતાની રોજનીશીમાં નોંધ્યું : ‘શિક્ષાપત્રી પાઠ આરંભ. આજે કૂવાનું ચણતર કામ બપોર પછી ચાલુ કરેલ છે. મજૂર કોઈ ન હતા તે હાથોહાથ ચાલુ કર્યું. પંદર ઘર સાંજે તૈયાર કર્યાં…’

જય સ્વામિનારાયણ.

– સાભાર કલ્પેશસિંહ ગોહિલ (દિવ્ય સત્સંગ ગ્રુપ)