મંગળવારનું વ્રત કરનાર મહિલાની પરિક્ષા લેવા સાધુના રૂપમાં આવ્યા મંગળ દેવ, જાણો પછી શું થયું.

0
1689

એક ડોસીમાં હતા જે દરેક મંગળવારનું વ્રત કરતા હતા. તેમનો એક પુત્ર હતો, જેનું નામ પણ તેમણે મંગળ જ રાખ્યું હતું. ડોસીમાં મંગળવારે જમીન લીંપતા નહિ. માટી પણ ખણતા નહીં.

એક દિવસ મંગળ દેવતા સાધુનું રૂપ ધારણ કરીને તેમને ત્યાં આવ્યા.

સાધુ : “ઘરમાં કોઈ છે?”

ડોસીમાં : “હું છું, બોલો મહારાજ તમારી શું સેવા કરું.”

સાધુ : “મને ભૂખ લાગી છે. હું ભોજન બનાવી લઈશ. બસ થોડીક જમીન લીંપી દો.”

ડોસીમાં : “આજે મંગળવાર છે. મંગળવારના દિવસે હું જમીન લીંપતી નથી. તે બદલ માફ કરજો પણ તમે કહો તો હું પાણી છાંટી દઉં.”

સાધુ : “હું છાણથી જમીન ઉપર ચોકો બનાવી રસોઈ કરવા ઈચ્છું છું.”

ડોસીમાં : “સાધુ મહારાજ, જમીન લીંપવા સિવાય બીજું જે કહેશો તે કરવા હું તૈયાર છું.”

સાધુ : “હું જે કહીશ તે કરવું પડશે.”

ડોસીમાં : “તમે નિઃશંક જણાવો.”

સાધુ : “તમારા છોકરાને બોલાવો અને એને ઊંધો સુવાડવો. હું તેની પીઠ પર રસોઈ કરવા માંગુ છું.”

ડોસીમાં : “જેવી તમારી ઈચ્છા.” તેમણે છોકરાને બૂમ મારી “ઓ મંગળીયા જલ્દી આવ. તને સાધુ મહારાજ બોલાવે છે.”

છોકરો તરત આવ્યો અને બોલ્યો “બોલો સાધુ મહારાજ, શું કરું તમારી સેવામાં?”

સાધુ (ડોસીમાંને) : “તમે જ છોકરાને સુવાડી તેની પીઠ પર લાકડાં સળગાવી દો.”

ડોસીમાંએ મંગળ દેવતાનું સ્મરણ કરી છોકરાની પીઠ પર લાકડા સળગાવ્યા.

સાધુ ચુલા પર પોતાનું ભોજન બનાવવા લાગ્યા અને ડોસીમાં પોતાના કામકાજ કરવા લાગ્યા.

રસોઈ થઇ ગઈ પછી સાધુ મહારાજ જમવાના ઓરડામાં ગયા અને ડોસીમાંને કહ્યું : “હવે તમે તમારા પુત્રને બોલાવો. મારે તેને પ્રસાદ આપવો છે.”

ડોસીમાં : “મારા દીકરાની પીઠ પર તો તમે રસોઈ કરી. શું હવે તે જીવંત હશે ખરો?”

સાધુએ હઠ ન મૂકી. તેમણે કહ્યું : “તમે તમારા પુત્રને બોલાવ તો ખરી?”

સાધુના આગ્રહથી ડોસીએ દીકરાને બૂમ મારી : “ઓ મંગળીયા, અહીં આવ સાધુ મહારાજ તને બોલાવે છે.”

અને ચમત્કાર થયો. મંગળીયો દોડતો દોડતો આવ્યો અને સાધુને પૂછ્યું : “બોલો સાધુ મહારાજ તમારી શું સેવા કરું?”

સાધુ : “લે આ પ્રસાદ.”

ડોસીમાં ચકિત થઇ ગયા અને સાધુને પ્રણામ કર્યા.

સાધુએ કહ્યું : “ડોસીમાં, તમારું મંગળવારનું વ્રત સફળ થયું. તમારા હૃદયમાં અપાર શ્રદ્ધા છે. તમારું કોઈ અનિષ્ટ કરી શકે તેમ નથી.”

(ફોટા પ્રતીકાત્મક છે.)