માંગનાર માંગી ન શકે તો આપનાર કેમ કહી શકે કે મેં આપ્યું છે, વાંચો આંખો ભીની કરી દેતી સ્ટોરી.

0
766

જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ

માંગનાર માંગી ન શકે તો આપનાર કેમ કહી શકે કે મેં આપ્યું છે.

સુદામા વિશે ઘણી બધી વાતો લોકસાહિત્ય માં કહેલી છે. પરંતુ આજે મે સાંભળેલ વાત કરું તો પોરબંદર શહેરમાં સુદામા રહે પોતાના બે બાળકો સાથે તમની પત્ની નાની એવી ઝુંપડી માં રહે ધોમ તડકો હોય તોય પવન આવે જ કારણ કે ઝુંપડી ને બધી બાજુ જગ્યા હતી એટલે એક ખુણામાં આડે પડખે થાય છે.

દ્રરિદતા આટો લય ગયેલ તો પણ સુદામા ને અજાચક વર્ત હતુ કે પાંચ ઘરે દાન દક્ષિણા લેવી એમાં એક ઘર બંધ હોય તો ક્યારેય છઠ્ઠા ઘરે દક્ષિણા ન લેવી.
એક રાતે બંને સુતા છે અને રાતના બાર વાગે છોકરાવે જાગીને ખાવાનું માગ્યું પણ ઘરમાં ખાવાં માટે કાય નહીં એટલે ગોરાણીએ છોકરાને પાણી પાયને સુવડાવી દીધા છોકરાવ પરબારા સુય ગયા પ્રેક્ટિસ વાળા ખરાને.

સુદામા એક બાજુ સુતાં છે એની સામે નજર કરી ગોરાણી એ….

આપણાં છોકરાવ તો ભુખ્યા ન હોય પણ થોડી ઠંડી હોય અને ચાદર ઓઢાડવી હોય તોય આપણને ઠોહોમા રી ને ઉઠાડે…

પણ પતિ વ્રતા નારી અડધી રાતે પોતાનાં સ્વામી પાસે જય ને પોતે પગે લાગીને વિનંતી કરે છે કે, સ્વામી તમને ગમે તો વાત કરું, તમને ન ગમે તો મારે વાત નથી કરવી.

ઈ અડધી રાતે સુદામા અને ગોરાણી વાત કરે છે કે હું જ્યારથી પરણીને આવી ત્યારથી આપ મને કહો છો કે દ્રારકાનો નાથ મારો મિત્ર છે તો એક વાર ત્યાં જઈને પાલી જાર માંગી લાવોને આપણાં છોકરાવ અડધી રાતે ખાવાનું માગે છે એ મારાથી નથી જોવાતું સ્વામી.

સુદામા કહે ગોરાણી તમારી વાત સાચી છે પણ હું અજાચક બ્રાહ્મણ છું મારે ત્યાં માંગી ન શકાય અને પાછું હું એનાથી મોટો છું એટલે.

પણ અડધી રાતે ગોરાણી એ રસ્તો કાઢ્યો કે તો પછી તમે સવારે એમનાં માટે તાંદુલ લેતાં જાજો એટલે તમે નાના નહીં કહેવાવ તમે બોવ સ્વાભિમાની રહ્યા ને.

પણ ગોરાણી તાંદુલ લેવા શેમાંથી આપણી પાસે છોકરાવ ને ખવરાવવા ક્યાય નથી તો પછી તાંદુલ લેવા કેમ?

ત્યારે ગોરાણી એ ક્હ્યું કે સ્વામી આપણાં લગ્ન વખતે ગોર મહારાજે હસ્તમેળાપ વખતે જે પાવલી મુકીતી તે પાવલી મે સાચવીને રાખી છે.

એ પાવલી છે એમાંથી તાંદુલ હું બજાર માંથી લાવી આપીશ પછી તમે દ્રારકા જાજો એટલે તમને શરમ નહીં આવે બસ. પણ એક વાર દ્રારકા જાવ સ્વામી તમે.

વાતો કરતાં કરતા બંને આડાં પડખે થાય છે.

સુદામાનો એક ગુણ એ પણ હતો કે બીજા નું સુખ જોયને રાજી બોવ થાતાં. એક વખત એની ઝુંપડી ની બાજુ માં કોઈ એ બે માળની મેડી બનાવી હશે એટલે પોતે ખાટલો ભીતની પછીતે ઢાળીયો અને કહ્યું કે હવે મારે સૂવાની ચિંતા ગય.

સવાર થતાં સુદામાને ગોરાણી એ હાથમાં પોટલી આપતા સુદામાને વિદાય કરે છે. સુદામા દ્રારકાને માર્ગે જાય છે. એક તો સુકલકડી શરીર અને લાબો પંથકાપીને સુદામા ખૂબ થાકી ગયા હતા. જેવો ગોમતીજીનો ઘાટ દેખાણો ત્યાં તો ત્રણ થેકડા મારી ને કહે આ દ્રારકા દેખાણી મોઢા માંથી શબ્દો નિકળે કે અરે રે મારા નાથે તો અદભુત નગરી બનાવી છે કાય!…

નાનાં હતાં ત્યારે કાના તને સારી સારી વસ્તુઓ ગમતી એટલે તે આ સોનાની દ્રારકા બનાવી મારા પ્રભુ.

ત્યાં તો સુદામાનો બધો થાક ઉતરી ગ્યો. કવિ લખે કે….

અરે દ્વારપાલો કનૈયા સે કહેદો

દ્રારપે સુદામા કરીબ આ ગયા…

દ્રારકાને દરવાજે આવીને દ્રારપાલને કહ્યું કે, તમારો મહારાજ છે હાજરમાં. પણ દ્રારપાલે કાય ધ્યાન ન આપ્યું એટલે સુદામા ફરી કહે કે, ભાઈ એ તમારો મહારાજ છે એ મારો ખાસ મિત્ર છે એને કહો કે બહાર એનો મિત્ર આવ્યો છે.

એટલે દ્રારપાલ મનમાં કહે હોતાં હશે આ એમનો મિત્ર. ક્યાં દ્રારકાનો નાથ અને ક્યાં આ ભિક્ષુક તો પણ એને ધ્યાન ન આપ્યું.

છેલ્લે સુદામા થાક્યાં એટલે છેલ્લીવાર કહ્યું કે, તમારો મહારાજ સાંજ સુધીમાં પણ અહીં આવે તો તેને એટલું કેજો કે તમારો મિત્ર પોરબંદર થી આવ્યો છે અને એનું નામ સુદમો છે.

આટલું કહેતાં સુદામો પાછો વળે છે. દ્રારપાલ માં એક દ્રારપાલ વૃધ્ધ વ્યક્તિ હતી એને મનમાં થયું કે કદાચ આ બ્રાહ્મણ સાચો હોય શકે. આપણે મહારાજને જાણ કરી પછી એ જાણે આપણે શું? એટલે એ વૃદ્ધ દ્રારપાલે સુદામાને ઉભાં રાખતાં કહ્યું કે, તમે અહીં ઉભા રહો હું જાણ કરું છું મહારાજને.

વૃધ્ધ દ્રારપાલ અંદર જાય છે ભગવાન કૃષ્ણ અષ્ટપટરાણી ઓ સાથે આનંદ કરે છે ત્યાં દ્રારપાલ આવે છે અને ભગવાનને ક્હ્યું કે, પ્રભુ દરવાજે એક ગરીબ બ્રાહ્મણ આવ્યાં છે .પ્રભુ કહે તો એમને જે જોતું હોય તે આપી દો એમાં મને પુછવાનું ન હોય.

એટલે દ્રારપાલે ક્હ્યું કે પ્રભુ એ આપને મળવા માંગે છે તો પણ ભગવાને કાય ખાસ ધ્યાન ન આપ્યું.

એટલે ફરી કહ્યું કે પ્રભુ એ આપનો પરમ મિત્ર છે એને પોરબંદર થી આવ્યો છે એવું કહે છે, અને આપનો પરમ મિત્ર છે એવો દાવો કરે છે એનું નામ સુદામો છે એવું કહ્યું છે.

ત્યાં તો સુદામો નામ પડતાં તો ભગવાન ઉભા થય ગ્યાં એને મળવા દોડી ગયા. પણ આ શું બધા વિચારવા લાગ્યાં કે એવું તો કોણ વ્યક્તિ છે આ ધરતી પર જેને મળવા માટે પ્રભુ પોતાની સુધબુધ ખોય બેસી અને પગમાં મોજડી પહેરી નહીં ખભે ખેસ પહેર્યો નહીં સીધા દોડી ગયા.

બધાં દોડતાં દ્રારે જાય છે. ભગવાન જ્યારે સુદામાને જોવે છે ભગવાની આંખ માંથી દડ દડ આંસુડાં વહેવા લાગે છે.

અરે મોટાભાઈ તમે આવ્યાં એમ કરીને સુદામાને જગતનો નાથ પોતે તેડીને મહેલમાં લઈ જાય છે.

સુદામાને આસન ઉપર બેસાડીને ગોમતીજીના નિર થી દ્રારકા વાળો ખુદ સુદામાના પગ ધોવે છે. પગ ધોતા ધોતા પગનાં તળિયે કાંટો લાગેલો હતો ભગવાનનો હાથ ફરે છે પગ ઉપર અખિલ બ્રહ્માંડના નાથને થયું કે મારો મિત્રની આ દશા થય તોય મારું ધ્યાન ન રહ્યું.

આપણે ત્યાં બે મિત્રો ની વાત છે. એક ગામમાં બે મિત્રો રહે પણ મિત્રો કેવાં બંનેના ખોળીયા જુદા પણ જીવ એક. એક વખત એક મિત્ર બીજા મિત્રની ઘરે આવીને કહે છે કે મારે દસ હજાર રૂપિયા ની જરૂર છે. ઘરધણી મિત્ર ઘરમાંથી દસ હજાર રૂપિયા આપતા કહ્યું કે વધારે જરૂર હોય તો કેજે મિત્ર. પછી બંને એ ચા પાણી કરીને આવતલ મિત્રો જતો રહ્યો.

મિત્રના ગયા પછી ઘરધણી મિત્ર પોકમુકીને રડતો હતો એટલે એમનાં ઘર વાળીએ કહ્યું કે વિશ્વાસ નથી તો રૂપિયા આપ્યાં શુ કામ? એટલે પેલાં મિત્ર એ કીધું કે હું એટલે નથી રડતો પણ હું એને સાથે રાત દિવસ રહેવા વાળો અને મારું ધ્યાન ન રહ્યું કે મારી પાસે અને માંગવું પડ્યું.

પછી તો બધાને સુદામાનો પરિચય કરાવ્યો કે આ મારો નાનપણનો ખાસ મિત્ર છે અમે સંદીપની રૂષીના આશ્રમમાં સાથે શિક્ષા લેતા હતા. એમનાં માટે ગરમ પાણી કરો નવાં વસ્ત્રો આપો.

ભગવાન કહે જાવ મોટા ભાઈ તમે હવે સ્નાન કરી લો પછી આપણે વાતો કરીશું.

સુદામા મુજાતા મુજાતા સ્નાન કરવા ગ્યાં. સ્નાન કરીને પોતાના કક્ષમાં જાય છે સાંજ થતાં ભગવાન કૃષ્ણ સુદામા પાસે આવે છે. મોટા ભાઈ પહેલા તો મને માફ કરો કે હું આટલો નજદીક હોવા છતાં આપને મળવા ન આવી શક્યો. પણ તમને તો ખબર નહીં હોય પણ મારે અર્જુનનો રથ હાંકવા જવું પડ્યું અનેક વખત મારે દ્રારકા થી હસ્તીનાપુર જાવું પડ્યું એટલે દોડાદોડીમાં મને તમારી યાદ ન આવી. પણ તમને મારી યાદ ન આવી મોટાં ભાઈ?

સુદામા મનમાં કહે કે પ્રભુ તમારી યાદ તો આવતી હતી પણ પૈસા નોતા.

કંઈ વાંધો નહીં મોટા ભાઈ તમે હમણાં આરામ કરો આપણે સવારે વાતો કરશું તમે થાકેલા હશો.

પ્રભુ ત્યાંથી નિકળી ગયા. પણ સુદામાને મુંજવણ વધી ગઈ કારણકે એમની પાસે રહેલી પોટલી હેરાન કરતી હતી કે આવડાં મોટી સોનાની નગરી વાળા ને તાંદુલ ની પોટલી કેમ દેવી. એમની રાણીયુ મારી મજાક કરશે કે ભગવાનને આપવા માટે એનો મિત્ર ખાલી તાંદુલ લાવ્યાં આવાં મિત્રો હશે ભગવાનને.

સુદામા મનમાં વિચાર કે અહીં બારી પણ નથી નહિતર બહાર ફેંકી દવ. સવાર થતાં ભગવાન સુદામા પાસે આવીને બેસે છે. બંને મિત્રો તો વાતોમાં એવાં મશગુલ થયાં કે કેમ બપોર થયાં એ ખબર જ ન રહી.

ભગવાને સુદામાને ક્હ્યું કે હે મોટા ભાઈ મારાં માટે મારાં ભાભીએ શું મોકલાવ્યું છે.

સુદામા મુજાણા કહે કાય નહીં પ્રભુ.

તો પછી સંતાડો શું, આ પોટલીમાં શું છે?

સુદામા કહે, એ તો મારું ધોતિયું છે. નાહી ને પહેરવાં માટે,

એમ.

હાં પ્રભુ.

તો પછી મને એ પોટલી આપી દો મોટા ભાઈ.

સુદામા નાં પાડે છે. પણ ભગવાન એમની પાસે થી તાંદુલની પોટલી આંચકી લીધી. અને ગાંઠ ન છોડી સીધી દાતે તોડી ત્યાં તો તાંદુલ નિકળ્યાં.

ભગવાન તો ફરતાં ફરતાં એક મુઠ્ઠી ખાધી ત્યાં તો યોગના બળથી આખાં મહેલમાં સુગંધ પ્રસરી ગઈ.

બીજી મુઠ્ઠી ભરીને પાછલા બારણે હુકમ કર્યો કે જાવ પોરબંદરમાં અને મારા મિત્ર માટે મહેલ બનાવવા માટે માણસો રવાના કરો.

ત્રીજી મુઠ્ઠી ભરીને માણસને કીધું કે જાવ એનાં અનાજના કોઠારો ભરી દો.

ચોથી મુઠ્ઠી ભરી ત્યાં રૂક્ષ્મણી નું ધ્યાન ગયું, રૂક્ષ્મણીએ કીધું કે પ્રભુ આવો સુંદર પ્રસાદ અમને નહીં આપો શું એકલાં તમે જ આરોગો છો?

રૂક્ષ્મણીને એમ કે હમણાં આ આપવા બેઠા છે બધું આપી દેશે ત્યારે ભગવાનની સુરતા ટુટી તો કહે લો તમે પ્રસાદ આરોગો બીજું શું?

આ ના પાડવાની પ્રથા રૂક્ષ્મણીજી એ બહાર પાડી. આપણને બોવ મોજ આવે ને ખિસ્સામાં હાથ નાખી ત્યાં બોલે હવે હેઠાં બેહોને અરે બાપા નથી નાંખતો કાય આ તો છુટાં હતાં એટલે.

નહિંતર આજ ચોટલી વાળો દ્રારકા ઉપર બેઠો હોત.

બીજે દિવસે સવારે ભગવાન સુદામાના ઘરે જાય છે.

પણ સુદામા અજાણ છે આ વાત પરથી.

સુદામાના છોકરાંવને મળે છે.

ભગવાન તો સાદા પોશાક પહેર્યો હતો એટલે કોઈને શંકા ન પડે.

વાત વાતમાં ભગવાને કીધુ કે છોકરાવ તમારા બાપા ક્યાં ગયાં છે.

છોકરાવ કહે પણ તમે કોણ.

હું તમારો કાકો કનોકાકા છું.

તમારા પિતાજી અને હું ખુબ જુનાં મિત્રો છીએ.

એમ હાં….

એ તો દ્રારકા ગયા છે અમારે ખાવાં માટે કાય નોતું એટલે ત્યાં અનાજ લેવા માટે ગયાં છે.

તમે ઓળખો એ દ્રારકા વાળા રાજાને.

અરે બાળકો એ તો મોટા માણસો કહેવાય. એનાં થી છેટાં સારાં એટલું કહી ભગવાન પાછાં દ્રારકા આવ્યાં.

સાંજ પડી એટલે ભગવાન પાછાં સુદામા પાસે આવ્યાં અને કીધું કે, હે મોટા ભાઈ મારાં ભાભીને બાળકો ને ભેગાં લાવ્યાં હોત તો સારું થાત.

ઈ તો સાચું પણ ત્યાં પણ કામ-કાજ હોય ને એટલે હું એકલો જ આવ્યો છું.

મોટા ભાઈ તમારે કાય જરૂર હોય તો મને કહો. આ જોવો આખી નગરી સોનાની છે.

આમાથી એક ચોસલું લઈ લો એટલે બધું દુ:ખ દૂર થય જાય.

સુદામા કહે અરે ના ના કાનુડા ભગવાનની દયા થી મારી પાસે બધું જ છે.

મારે પણ ત્રણ માળનું મકાન છે.

એમ મોટા ભાઈ!

સુદામા કહે હાં.

ભગવાન મરક મરક દાંત કાઢે છે કે કાકા એ તો છોકરાવ ભુખ્યા થયાં એટલે અહીં સુધી લાંબા થયા બાકી તો….

ભગવાન કહે કાય વાંધો નહીં પણ મારાં ભાભી માટે કપડાં લેતાં જાજો મોટા ભાઈ.

વળી સુદામા કડક થયાં…

કહે નાના કાનુડા એને પણ બે કબાટ લૂગડાં ભરીયા છે.

‌ભગવાન કહે તો પછી,

બાળકો માટે તો કંઇક લેતા જાજો મોટા ભાઈ

સુદામા કહે કે ના ના. એ છોકરાવ પણ બધી આંગળીમાં વીટીયુ પેહરે છે.

ભગવાન કહે તો પછી મોટા ભાઈ બીજું કાય જરૂર હોય તો મને કહો.

નારે નાં કાનુડા ભગવાન ની દયા થી બધું જ છે.

આ તો તારી યાદ આવી એટલે ધક્કો ખાધો મેં.

સારું સારું મોટા ભાઈ. કાલે મારે રાજના કામકાજ અર્થે બહાર જવાનું છે.

સવારે વહેલા ઊઠીને પુજા પાઠ કરજો ત્યાં સુધી માં હું આવી જઈશ. હવે તમે સુય જાવ મોટા ભાઈ.

ભલે ભલે કાનુડા તારે તો કામકાજ હોય ને.

ભગવાન પાછાં પોરબંદર આવી ને બધાં માણસને સુચનાઓ આપી જલ્દી થી કામ પુરુ કરો.

છોકરાવને મળીને પાછા ભગવાન દ્રારકા આવી ગ્યા.

એમ કરતાં દ્રારકામાં સુદામાને ત્રણ ચાર મહિના વીત્યા.

એને બાળકો અને ગોરાણી યાદ આવ્યાં કે જેદી આવ્યો ત્યારે ઘરમાં કાય નોતું તો હવે શું હશે?

ઘરમાં મારા બાળકો નું શું થયું હશે?

સુદામાને તો હવે ઘરે જાવાની તૈયારી કરી પણ ભગવાનને કહ્યું કે, મોટા ભાઈ કેમ ઉદાસ દેખાઓ છો.

ઘર યાદ આવ્યું કે શું!

સુદામા કહે કે, હાં કાનુડા હવે ઘણો સમય વિતાવ્યો અહીં. હવે મારે ઘરે જાવું છે. પછી ક્યારેય પાછો આવીશ.

ભગવાન કહે તો એક કામ કરો આજ નો દિવસ રોકાવ. કાલે હું તમને મુકવા આવીશ બસ.

ભગવાન ફરી પાછા પોરબંદર આવ્યાં સુદામાનું ઘર તૈયાર થય ગયું એમાં અનાજનાં કોઠારો ભરાય ગયા બધું બરાબર થઈ ગયું.

ભગવાન પાછાં દ્રારકા આવ્યાં અને સાંજે ફરી સુદામાને પૂછ્યું કે મોટો ભાઈ કાલે સવારે તમારે જાવાનું છે. તો છેલ્લે હવે કાય જરૂર હોય તો મને કહો મોટા ભાઈ.

સુદામા ફરી કડક થયાં ને કહ્યું કે નારે નાં કાનુડા મારી પાસે ભગવાનનું દીધેલું ઘણું છે.

ભગવાન કહે કાય વધો નહીં મોટા ભાઈ ફરી ક્યારેક બરાબર ને.

હાં કાનુડા!!!

સુદામા વિચારે કે હું લેવા આવ્યો હતો ને માંગી ન શક્યો!!!

સવાર થતાં રથ તૈયાર થયો પણ ભગવાને કીધું સુદામાને કે મોટા ભાઈ તમે કપડાં બદલાવી લો.

આ રાજના કપડાં છે તમારાં કપડાં ધોવાયને તૈયાર થય ગયાં છે.

સુદામાથી કાનુડાની નિંદા થવા લાગી.

આ તો કેવો મિત્ર પહેરેલા લૂગડાં પણ કઢાવે આવો મિત્ર હોય.

કાનુડાએ મને કંઈક આપ્યું હોત તો હું ગોરાણીને કહેત કે, જો આ મારાં મિત્ર એ આપ્યું છે.

પણ ભગવાનને તો માંગ્યા પહેલાં જ બધું આપી દીધું હતું.

પણ સુદામા ની લેબોરેટરી કરતાં હતાં કે માંગવા આવ્યો છે તો એ માંગે તો કહું કે મે આપ્યું છે.

રથમાં બેસીને બને પોરબંદરનાં માર્ગે હાલ્યા જાય છે.

છતાંય રસ્તા માં ભગવાન સુદામાની પરીક્ષા કરે છે.

ફરી સુદામાને ક્હ્યું કે મોટો ભાઈ તમે કાય લીધું નહીં મને રંજ રહશે મોટા ભાઈ.

સુદામા કહે નાના નાના કાનુડા એવું કય નથી!!!

હવે તો પોરબંદર નો સિમાડો દેખાણો એટલે સુદામા એ કીધું કે ભગવાન હવે રથ ઉભો રાખો એટલે હું હાલ્યો જાવ પ્રભુ.

ભગવાન કહે નાના મોટા ભાઈ હું મુકવા આવું છું.તમારે હાલીને થોડું જવાય.

પ્રભુ મારું ઘર હવે નથી દુર તમે અહીં રથ ઉભો રાખો હું ઉતરી જાવ પ્રભુ.

રથ ઉભો રહ્યો સુદામા ઉતરીને કીધુ કે કાનુડા હવે તમે પાછા દ્રારકા જાવ હું ઘરે પોતી જાય .

ભગવાન સુદામાને ભેટીને બંને છુટાં પડ્યાં.

સુદામા પોરબંદર નાં માર્ગે હાલ્યા જાય છે…

આ બાજુ ભગવાન પોંક મુકીને રડે છે. એટલે સારથીએ કીધું કેમ ભગવાન આટલાં બધાં કેમ રડો છો આપ પ્રભુ?

ભગવાન કહે કે એ માંગવા આવ્યો હતો ને માંગી ન શક્યો!!!

તો પછી એને બોલાવી ને કહોને કે આટલું બધું આપે આપ્યું છે.

ભગવાન કહે કે એ માંગવા આવ્યો હતો ને માંગી ન શક્યો તો,

હું કેમ કહીં શકું કે મે આપ્યું છે!!!

સુદામા જ્યાં પોરબંદર ની બજારમાંથી થય ને એની ઝુંપડી તરફ પગ માંડે છે ત્યારે મનમાં વિચાર આવ્યો કે, હવે તો એ ઝુંપડી પણ નહીં હોય ત્યાં પણ કોઇએ કબજો જમાવ્યો હશે.

આપણે શું બીજે ઝુંપડી બાંધશુ એમ વિચારતા વિચારતા જ્યાં ઝુંપડી હતી ત્યાં આવ્યાં

પણ આ શું ખરેખર કોઈએ કબજો જમાવી લીધો છે… કે શેરી ભુલાણી

સુદામા તો પાછાં ફરે છે ત્યાં પાછળથી અવાજ આવ્યો કે એ પિતાજી એ પિતાજી.

સુદામા જોવે તો મહેલનાં ઝરુખે એનો છોકરો.

સુદામા કહે એ છોકરાવ નીચે ઉતરો કોઈ ખિજા છે.

છોકરો નીચે આવીને કહે પિતાજી આ આપણો મહેલ છે.

સુદામા કહે અરે આપણો મહેલ ક્યાંથી હોય?

છોકરાવ તો સુદામાની આંગળી ઝાલીને મહેલ માં આવે છે.

સુદામા છોકરાંવને કીધુ કે આ મહેલ કોને બંધાવ્યો?

અરે પિતાજી તમે દ્રારકા દાણા લેવા ગયા અને બીજે દિવસે કાના કાકા આવ્યાં હતાં એને આ બધું કરી દીધું આપણને.

સુદામા કહે કોણ કાના કાકા?

છોકરાવ કહે કે એ કાના કાકા તમારાં મિત્ર છે. એ આવ્યાં હતાં એને બધું કરી દીધું છે પિતાજી.

સુદામા ની આંખો બંધ કરીને ભગવાન ને પુર્વ જ્ઞાન કરાવ્યું.

સુદામા તો દળ દળ રોતાં જાય છે અરે કાનુડા મે તારી નીંદા કરી તો પણ આટલું બધું કરી આપ્યું.

મનમાં ને મનમાં જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ નું રટણ ચાલતું હતું.

સમાપ્ત…….

સાહિત્યકાર ભીખાભાઈ વડાળા વાળાના મુખેથી સાંભળેલ વાત પર થી

ટાઈપીંગ કણબી ની કટારી એથી

(જયંતિ પટેલ) (અમર કથાઓ ગ્રુપ)