મનમાં શંકા થતા વહુ પોતાની સાસુનો પીછો કરતા બગીચામાં ગઈ, પછી જે થયું તેનાથી વહુની આંખો ખુલી ગઈ.

0
1583

મમતાબેન પોતાના ઘરમાં દીકરા અને વહુ સાથે રહેતા હતા. તેમની આ ઘર સાથે ઘણી બધી યાદો જોડાયેલી છે. લગ્નના બે વર્ષ પછી તેમના પતિએ આ ઘર લીધું હતું, તે પહેલા તેઓ ભાડાના મકાનમાં રહેતા હતા. મમતાબેનના પતિ પોતાના માતા પિતાને આ ઘર આપવા માંગતા હતા એટલે ઘરની પૂજામાં પણ તેમણે પોતાના માતા-પિતાને જ બેસાડ્યા હતા.

મમતાબેન અને તેમની સાસુ બંનેની ખુબ જામતી હતી. બાપ-દીકરા વચ્ચે ક્યારેય ઝગડો થઇ જાય પણ કોઈ દિવસ સાસુ-વહુનો ઝગડો ન થયો. બંને માં-દીકરીની જેમ એકબીજાની સાથે રહેતા. મમતાબેનના પતિને તો તે બંનેના સંબંધથી બળતરા થતી હતી. એક દિવસ મમતાબેનના સાસુ હસતા હસતા દુનિયા છોડી જતા રહ્યા, તેમની ઈચ્છા હતી કે પૌત્રના લગ્ન જોવે. તેના થોડા સમય પછી સસરા પણ સ્વર્ગ સિધાવ્યા.

ત્રણ ચાર વર્ષ પછી મમતાબેને પોતાના દીકરાના લગ્ન કરાવ્યા. થોડા સમય પછી મમતાબેનના પતિએ પણ તેમનો સાથ છોડી દીધો. મમતાબેન હવે એકલા એકલા રહેવા લાગ્યા.

દરરોજની જેમ મમતા સાંજના ચાર વાગ્યે રસોડામાં જતી હતી તે પહેલા પોતાની વહુને બૂમ પાડી. હું ચા બનાવું છું તું પીશે?

ના, હું ગ્રીન ટી પીવાની છું, તે પણ થોડા સમય પછી.

મમતાબેન ચા બનાવે છે અને તૈયાર થઇ જાય છે, પછી વહુને બૂમ મારતા કહે છે “વહુ આજે ભજન મંડળીમાં જઉં છું એટલે આવતા સાત વાગી જશે.”

વહુ તરત જ રૂમની બહાર આવતા કહે છે, “તમને નથી લાગતું, પપ્પાના ગયા પછી તમે કંઈક વધારે જ બહાર રહેવા લાગ્યા છો. જયારે ઈચ્છો ત્યારે મંદિર જતા રહો છો, ઘરમાં તમારું મન જ લાગતું નથી.”

મમતાબેન : સાચું કીધું દીકરી, પહેલા તારા સસરાની સેવામાં આખો દિવસ જતો રહેતો. હમણાં દીકરો કામ પર જતો રહે છે, છોકરાઓ સ્કૂલે જાય છે અને પછી ટ્યુશનથી આવ્યા પછી જમીને સુઈ જાય છે. તું આખો દિવસ પોતાના રૂમમાં રહે છે ન સાથે જમે છે અને ન સાથે બેસે. હવે તું જ જણાવ હું મારો સમય ક્યાં પસાર કરું? એટલા માટે હું ભજન મંડળી સાથે કે મારી ઉંમરની મહિલાઓ સાથે સમય પસાર કરવાનું પસંદ કરું છે.

વહુ પાસે કોઈ જવાબ નહોતો એટલે તે તરત પોતાના રૂમમાં જતી રહી. સાસુની વાતો સાંભળીને વહુને એવું લાગવા લાગે છે કે મારી સાસુ સોસાયટીની મહિલાઓને મારી ખામીઓ ગણાવતી હશે. એટલા માટે વહુએ નક્કી કર્યું કે, સાસુ કાલે સવારે જયારે સોસાયટીની મહિલાઓને મળવા જશે ત્યારે હું તેમનો પીછો કરીશ.

મમતાબેન બીજા દિવસે ગાર્ડનમાં મહિલાઓને મળવા જતી હતી ત્યારે તેમની વહુ તેમનો પીછો કરતી હતી. કોઈને ન દેખાય અને સાસુની વાત સાંભળવા મળે એવી એક જગ્યાએ વહુ છુપાઈ ગઈ. મહિલાઓ પોત-પોતાના ઘર વિષે વાતચીત કરી રહી હતી. એવામાં એક મહિલાએ મમતાબેનને પૂછ્યું : તારી વહુ તો સારી હશે. એટલા માટે તું આપણા આયોજનોમાં સમયસર આવી જાય છે. મમતાબેન કાંઈ બોલ્યા નહિ.

ત્યાં બીજી મહિલા બોલી : ના ના, હું જયારે પણ મમતાના ઘરે જઉં છું તો ક્યાં તો તે રસોડામાં હોય છે કે પછી હોલમાં એકલી બેસેલી જોવા મળે છે. લાગે છે સાસુ વહુ વચ્ચે કોઈ સંબંધ નથી.

પછી મમતાબેન બોલ્યા : એવું કઈ નથી. અમારા વચ્ચે સાસુ વહુ જેવો નહિ પણ માં દીકરી જેવો સંબંધ છે. મેં તેને ક્યારેય વહુ માની જ નથી. મારી કોઈ દીકરી નથી એટલે તે જ મારી દીકરી છે. તે પણ મને માં જ માને છે. તે એકદમ સંસ્કારી અને પોતાના પરિવારનું ધ્યાન રાખનારી છે.

રહી વાત કામ કરવાની તો આપણો મળવાનો સમય સવારે કે સાંજે હોય છે, એટલે સવારે દીકરા અને પુત્રોના સ્કૂલનું બધું કામ કરે છે એટલા માટે હું જ તેને કહું છું કે તું થોડો આરામ કર. હું પણ થોડું કામ કરતી રહું છું જેથી મારી પણ કસરત થતી રહે છે.

સંતાયેલી વહુના મનમાં જે આશંકા હતી તેના કરતા વિપરીત થયું અને તેણે પણ મનમાં વિચારી લીધું કે, હું પણ મારી સાસુ સાથે માં જેવો વ્યવહાર કરીશ. તેમની એકલતા દૂર કરીશ.

બીજા દિવસ વહુ સાસુ સાથે રસોડામાં કામ કરવા લાગે છે. તેમની સાથે જમવાની સાથે સાથે નવરાશના સમયમાં સાસુ સાથે જુના સમયની વાતો કરવા લાગે છે અને બાળકોને પણ દાદી સાથે રમવા અને વાર્તાઓ સાંભળવાની સલાહ આપે છે.

દીકરો પણ માં નો હસતો ચહેરો જોઈ પોતાની પત્ની સાથે વધારે સારો વ્યવહાર કરવા લાગે છે.

મમતાબેને વહુને પોતાના અને પોતાની સાસુ વચ્ચેના ઘણા કિસ્સા અને પ્રેમ વિષે જણાવ્યું તો મમતાબેનની વહુએ કહ્યું – હું તમારા જેવી વહુ તો નહિ બની શકું, પણ બનવાનો પ્રયત્ન જરૂર કરીશ.