‘માણસાઈનો માણસ’ : અજાણ્યા લોકોની સાફ દિલથી મદદ કરનાર વ્યક્તિની સ્ટોરી.

0
875

સત્ય ઘટના (તા-11/6/21)

પ્રેરક લેખ : શંકરસિંહ સિંધવ (લોકસાહિત્યકાર,વઢિયાર પ્રદેશ)

“હોય તિમિર ત્યાં ટમટમતું એક ફાનસ થઈએ,

માણસનો અવતાર મળ્યો છે માણસ થઈએ.”

વઢિયાર પંથક નું જલાલાબાદ ગામ પાટણ જિલ્લાના સમી તાલુકાથી 3 કી.મી થાય છે. આમ તો ધરતી હોટલની બાજુમાંથી જલાલાબાદ જવાનો રસ્તો પસાર થાય.

આજે સવારે ધરતી હોટલે હાઇવે ઉપર એક માજી ઉતર્યા. મૂળ તો ગલાબપુરા ગામના અને જલાલાબાદ તેમની દિકરીને મળવા જતા હતા. દિકરી માટે ઘેરથી બે પોટલા લાવેલા તેમાં એમનું દિકરી પ્રત્યેનું વ્હાલ ગાંઠ બાંધીને ભર્યું હતું. બન્યુ એવું કે એક નાના પોટલામાં થોડા રૂપિયા જે માં એ મજૂરી કરીને ભેળા કર્યા હશે ઈ એમની પીડા જોઈને કોઈ માણહને વરતતાં વાર ના લાગે. સાથે થોડી જતનથી જાળવેલી જણસ… દિકરી ને મળવામાં મસ્ત થઈ ગયેલું મન ગાડીમાંથી ઉતરતી વખતે આ નાનુ પોટલુ લેવુ વિસરી ગ્યુ અને વ્હાલસોઈને મળવાની હોંશમાં ને હોંશમાં મા ઉતરી ગયાં ગાડી તો હાલતી થઈ.

મોટુ પોટલુ લઈને વીહેક ડગલાં હાલેલી માં ને પોતાનુ નાનુ પોટલુ યાદ આવ્યું ત્યાં તો ઘડીવાર મા શૂન્યમસ્ક બની ગઈ. ગાડી તો નિકળી ચુકી હતી. કાળી અને કારમી મજૂરી કરીને ભેળા કરેલા થોડા રૂપિયા અને ત્યાં જ માં એ પોક મૂકી દીધી. હોટલનું માણહ ભેળુ થઈ ગ્યુ. હૈયાફાટ રુદન કરતી માં ઘડીવાર તો કાંઈ બોલી જ ના શકી. માં એ વાતનો ખુલાસો કર્યો ત્યાં તો એની ઉપર શીખામણનો વરસાદ અનરાધાર તૂટી પડ્યો અને શિખામણના વાદળો વરસીને વિખરાઈ ગયા.

એટલામાં ધરતી હોટલના માલિક જગમાલસિંહ ખેર આવી ચડ્યા આખો મામલો ક્ષણમાં પારખી ગ્યા. માં ને માથે હાથે મૂકી સાંત્વન આપી પાણી પાયુ. તેમની ગાડીમાં માજીને બેસાડી જે દિશામાં ગાડી ગઈ’તી એ દિશામાં પોતાની ઇનોવા ગાડી મારી મૂકી. માજીના નસીબ જોગે ગાડી સમી બસસ્ટેન્ડમાં જ પેસેન્જર લેવા રોકાયેલી માજી તરત જ ગાડીને ઓળખી ગ્યા. અને જગમાલસિંહે ગાડી વાળા ભાઈને કહ્યું એટલે માજીનુ પોટલુ હેમખેમ જ મળી આવ્યુ.

માજીને પાછા હોટલ લાવી ચા-નાસ્તો કરાવી એજ ગાડીમાં માં ને ઠેક દિકરી ના ઘેર જઈને મૂકી આવ્યા.

માં પાસે આભારના શબ્દો નહોતા પણ ભાઈ જગમાલસિંહ ઉપર તેમની આંખો અવિરત આશીર્વાદનો અભિષેક કરી રહી હતી.

ભાઈ જગમાલસિંહ વિશે થોડી વાત કર્યા વગર નથી રહી શકતો કારણ એ બધા સતકર્મોનો હું સાક્ષી રહ્યો છું.

જગમાલસિંહના ઘણા બધા ધંધામાં હોટલ પણ છે જે હારીજ રાધનપુર હાઇવે પર આવેલી છે. કો-રો-ના કાળમાં ગરીબ, ભિખારી, સાધુ, સંત અને વટેમાર્ગુઓને તેમને ભાવથી ભોજન પ્રેમથી જમાડયું છે. હમણાં કો-રો-નામાં થયેલા લોકડાઉનમાં વાદી જાતિના દોઢસો માણસના કાફલાને પ્રેમથી જમાડી તેમના ગંતવ્ય સ્થાન સુધી પહોંચાડેલા. કોઈ રખડતો માણસ નીકળે એટલે એને નવરાવી, તેની હજામત કરાવી તેને જોડે બેસીને જમાડતા મેં કેટલીયે વાર જોયા છે.

આ હોટલમાં કેટલાય મંત્રીઓ, અધિકારીઓ વિગેરે આવે છે પણ તેમની સમભાવ દ્રષ્ટિ નું મૂલ્યાંકન મેં ઘણીવાર કર્યું છે. કંડલા લાઈનનો હાઇવે હોઈ ઘણીવાર એક્સિડન્ટ, ઝગડા, ટંટા વગેરે હોય ત્યારે સૌની પહેલા પહોંચી અઢારે વરણ ને મદદ કરતો આ માણસને મેં જોયો છે.

કો-રો-નાના કારમા સમયમાં જ્યારે સ્વજનો છેટા રહેતા હોય ત્યારે કેટલાય ગરીબ માણસોને, મિત્રોને હોસ્પિટલ પહોંચાડી પોતે ડાયાબિટીસના પેશન્ટ હોવા છતાંય સારવાર કરાવતો આ માણસને મેં જોયો છે.

પાકિસ્તાન બોર્ડર અહીંથી નજીક હોઈ જ્યારે જવાનો નીકળે ત્યારે પુરા દિલથી તેમની ગાડીઓ ઉભી રખાવી જવાનોને ચા-નાસ્તો, ભોજન કરાવવાનો એનો નિત્યક્રમ હું વર્ષોથી જોવુ છું. હવે તો બી.એસ.એફ નું સ્ટેન્ડ જ થઈ ગયું છે.

આ હાઇવે પર નીકળો તો મળજો સાહેબ મળવા જેવો માણસ છે.

– શંકરસિંહ સિંધવ (અમર કથાઓ ગ્રુપ)