‘મારી અમર ચૂડીને અમર ચાંદલો’ કેટલાને મોઢે છે આ ગુજરાતી લોકગીત.

0
402

મારી અમર ચૂડીને અમર ચાંદલો,

મારો અખંડ છે આતમરામ,

અમર વરને હુંતો વરી,

મારી અમર ચૂડીને અમર ચાંદલો – ટેક

નહોતા ચંદ્ર સુરજને તારા,

મારાં લગન થયાં છે તે વાર – અમર વરને

નહોતા સાત સમંદર નદી નાળા,

નહોતો પૃથ્વીનો કોઈ આકાર – અમર વરને

ત્યારે ઢોલ ઢબુક્યાંતા અનહદ નાદના,

શરણાઈ વાગી તુરીયાતાર – અમર વરને

મેતો પીઠી ચોળી પાંચ તત્ત્વની,

મેંદી મૂકી ત્રીગુણા ધાર – અમર વરને

મેતો અંબર ઓઢ્યાતા આભના,

તત્વ સૂક્ષ્મના છે શણગાર – અમર વરને

ત્યાં તો ચોરી મંડાણી ચાર જુગની,

માંડવો નાખ્યો તો માયાની પાર -અમર વરને

ત્યારે હું ને મારું ત્યાં હતાં નહિ,

સોહમ સોહમ થયાં શબ્દ ચાર – અમર વરને

વર્ત્યા ચાર મંગળ પુરા પ્રેમથી,

પ્રિય પ્રીતમ એકાકાર – અમર વરને

એવો અજર અમર મારો સાહ્યબો,

લાલુ હૃદય તણો સરકાર – અમર વરને

– રચના કોની છે તે ખબર નથી…!!

(સાભાર જીતેન્દ્ર ચાવડા, અમર કથાઓ ગ્રુપ)