પુષ્ટિમાર્ગ માં બે માતાઓનું વિશેષ મહત્વ રહેલું છે. ભક્તોના માતા શ્રીયમુનાજી અને પ્રભુના માતા શ્રીજશોદાજી. જાશોદાજીનુ નામ લેતા જ સીધા-સાદા, ભળા-ભોળા,પોતાના બાળને પોતાના પ્રાણ કરતા પણ અધિક પ્રેમ કરનારા એવા પ્રેમાળ માતાનુ ચિત્ર નજર સમક્ષ ખડુ થઈ જાય.
શ્રી કૃષ્ણએ અગિયાર વર્ષો અને બાવન દિવસો સુધી વ્રજભૂમિમાં પોતાની બાલલીલાઓ કરી છે. પ્રભુ પોતાની લીલા સ્વરૂપે વસુદેવજી દ્વારા મથુરાથી ગોકુલ પધાર્યા હતા. એ રાત્રી હતી શ્રાવણ વદ આઠમની.
જ્યારે નોમની સવારે ખબર પડે છે કે જશોદાજી એ બાળકને જન્મ આપ્યો છે, ત્યારે સૌના આનંદનો પાર રહેતો નથી. ગોકુલ ગામ આખું પટાકાઓથી શણગારવામાં આવે છે. સર્વે ગોકુલ વાસીઓ રંગો ઉડાડી, નાચગાન કરી રહ્યા છે. હાથી, ઘોડા,પાલખીના રમકડા બનાવી પોતાના મુખી નંદરાયજીને ઘરે લઇ જઇ લાલાના દર્શન કરવા પડાપડી કરી રહ્યા છે. નંદાલયમાં હૈયું હૈયું દળાઈ રહ્યું છે. જશોદા અને નંદરાયજી સર્વે લોકોને લાલાના દર્શન કરાવે છે નંદરાયજી અને જશોદાના આનંદનો કોઈ પાર નથી.
બધુ કરવા છતા ક્યારે પણ પોતે જશના લે અને હંમેશા બીજાને જશ લેવડાવે તે જશોદા. અને હંમેશા આનંદને માત્ર પોતાના પૂરતો જ સીમિત ન રાખે અને બધામાં બાટી દે તે જ નંદ.
નંદરાયજી પોતાનુ ધન સર્વે વ્રજવાસીઓમાં દાન કરી રહ્યા છે. વસ્ત્રો, ચાંદી-સુવર્ણ, હીરા-મોતી વ્રજવાસીઓને આપી રહ્યા છે. પરંતુ વ્રજવાસીઓને એ લોકિક હીરાઓમાં જરાય રસ નથી. તે તો અલૌકિક હીરા એવા લાલાના દર્શન કરવા આતુર થયા છે. ઢોલ-નગારાના મોટા અવાજ સાથે નાચી ગાઈ રહ્યા છે, “નંદ ઘેર આનંદ ભયો જય કનૈયા લાલકી” ના અવાજો એટલા જોરથી ગુંજી રહ્યા છે કે જેની ગુંજ મથરા સુધી સંભળાય રહી છે.
જ્યારે મહાદેવજીને ખબર મળ્યા કે, પોતાના પ્રભુ ગોકુલમાં બાળ સ્વરૂપે પ્રગટ થયા છે, ત્યારે મહાદેવજીએ એક ક્ષણની પણ પ્રતિક્ષા કર્યા વગર ગોકુલ પધાર્યા. નંદાલયના દ્વારે પધારી લાલાના દર્શન કરવા જશોદાને આજીજી કરવા લાગ્યા. પરંતુ જશોદાએ મહાદેવજીને કહ્યું કે આપ ના કંઠે સર્પ છે, આપની જટઓ બહુ મોટી છે. પુરા શરીરે આપે ભભૂત લગાવી છે. મારો લાલો તો આપનુ આવુ રૂપ જોઇ ડરી જાય. પરંતુ મહાદેવજી તો લાલાના દર્શન કરવાની અભિલાષાને જ વળગી રહ્યા હતા, તેમણે જોગીનુ રૂપ ધારણ કર્યાબાદ જ જશોદાજી એ તેઓને લાલાના દર્શન કરાવ્યા.
જ્યારે પૂતના ગોપીનુ રૂપ લઇ કાનાની હરોળના બધા જ બાળકોનેમા રતી નંદાલયમાં પ્રવેશી ત્યારે જશોદાને એમ કે કોઈ ગોપી લાલા ને રમાડવા આવી છે. આથી તે લાલાને તેના ભરોસે મૂકી બીજા કામકાજમાં લાગી ગયા, જ્યારે પાછા ત્યાં આવી જોયુ તો કાનો ત્યાં ઘોડિયામાં નથી અને પેલી સ્ત્રી પણ નથી ત્યારે દોડી નંદરાયજીને ખબર આપી ખૂબ રડવા લાગ્યા, ગમે તેમ કરીને મારા લાલાને જલ્દી શોધી લાવવાની આજીજી કરવા લાગ્યા. બધા ગોકુલવાસીઓ લાલાને શોધવા લાગ્યા ત્યારે કાનો પૂતનાના શરીર પર રમી રહ્યો હતો, લાલા ને નીચે ઉતર્યા બાદ લાલાને જશોદાએ હૃદય સરસો ચાંપી દીધો.
નંદરાય અને જશોદા કાના ની આંગળીઓ પકડી ચલાવી રહ્યા છે, જશોદા તેને માખણ મિસરી, રોટી પ્રેમથી આરોગાવે છે. કાન્હા જ્યારે પોતાની કાલી ભાષામાં મૈયા મૈયા બોલી જશોદા ને પાછળથી આવી વળગી પડે છે, ત્યારે તેને ખૂબ આનંદ આવે છે. જશોદા કાનાને પ્રાતઃકાલ જગાડી દાતણ કરાવી, સ્નાન કરાવી, વસ્ત્રો પહેરાવવા, જમાડવા, રમાડવા અને રાતે પોઢાળવાની વેળા સુધી તેનું ધ્યાન રાખે છે. રાતે હાલરડા ગવડાવી કે વાર્તાઓ કહી તેને પ્રેમથી સૂવડાવે છે. ચોવીસ કલાક દિવસ-રાત તેનું સંપૂર્ણ જીવનમાત્ર કૃષ્ણમય બનાવી દે છે. વ્રજવાસીઓ તેમનો કાના પ્રત્યેનો આવો પ્રેમ જોઈ અતિ પ્રસન્ન થાય છે. કેમકે ખૂબ જ વૃદ્ધા અવસ્થામાં પોતાના વ્રજના મુખી નંદ અને જશોદાને ત્યાં પારણુ બંધાયું હતું.
બાલકનૈયા હવે ઘરના ફળિયામાં જઇ રમવા લાગ્યા છે. રમતા-રમતા માટી ખાવા લાગે છે. એક ગોપી દોડી આવી નંદરાણીને કહે છે દેખ નંદરાણી તેરે કાનને માટી ખાય, ત્યારે જશોદા ત્યાં દોડી કાનાને ખિજાઈને પૂછે છે અરે ! કાના તુને માટી ખાય? નહીં મૈયા મેને માટી નહીં ખાય. અચ્છા તો મુહ ખોલ અપના. જ્યારે કાનાએ પોતાનુ મો ખોલ્યુ ત્યારે તેના મુખમા આખું બ્રહ્માંડ જોઈ જશોદાજી ત્યાં જ મૂર્છિત થઈ ગયા. પ્રભુ વિચાર કરવા લાગ્યા અરે આ શું કર્યું? જો મૈયાને માલુમ પડી જશે કે તેનો લાલો પોતાનો પુત્ર નહીં ખુદ પરમાત્મા છે, તો તેને મારા પ્રત્યે બલભાવને બદલે પ્રભુભાવ આવી જશે. અને હું તેમના લાડથી વંચિત રહી જઈશ, માટે પ્રભુ જશોદાજીને તે ક્ષણોનું વિસ્મરણ કરાવી દે છે.
એકવાર કાના જશોદા ની ગોદમા હતા અને માતા તેને લાડ લડાવી રહ્યા હતા, જશોદાએ જોયુ કે ચુલા પરનુ દૂધ ઉભરાઈ રહ્યુ છે ત્યારે જલ્દીથી કાનાને ગોદથી નીચે ઉતારી ઉભરાતા દૂધ તરફ દોડ મૂકે છે, આ જોઈ બાલકાનાને ખેદ થાય છે, હું જ્યારે ધર્મી ખુદ તમારી ગોદમાં બિરાજતા છું અને તમે મને મૂકી લોકિક વસ્તુઓ પાછળ દોડ મૂકો છો.
કાનો ભંડારઘરમાં જઈ બધી વસ્તુઓ, માખણ, દહીં- દૂધ ભરેલી મટુકીઓ ફોડવા લાગે છે. ત્યારે માતા કાના પર ક્રોધિત થતા કહે છે કે ગોપીઓ જ્યારે તારી રાવ લઈ આવતી ત્યારે હું તારો પક્ષ લેતી પણ આજ તો મેં તને રંગે હાથે જ ઝડપયો છે. ગોપીઓ પાસે દોરડું મંગાવી જશોદા કાનને થાંભલા સાથે બાંધી દે છે. પ્રભુની આ લીલાને દામોદરલીલા કહે છે.
દેવતાઓ તો પ્રભુની બધી લીલાઓ જોઈ આશ્ચર્ય પામે છે કે, જેના દર્શનની એકમાત્ર ઝાખી માટે બ્રહ્મા અને મહાદેવજી લાલાહિત રહે છે. ઋષિમુનિઓ હજારો વર્ષોના તપ કરી પ્રભુને પ્રસન્ન કરવા આતુર હોય છે. જે પ્રભુ ત્રિભુવનના નાથ છે, જગતમાં બધાને બંધનોમાંથી મુક્ત કરે છે, તે પ્રભુ આજ ખુદ માતાના પ્રેમ માટે નાના એવા દોરડાથી બંધાઈ જાય છે.
ગોપીઓ નંદરાણી પાસે કાના ની માખણ ચોરી કે દાણ માગવાની ફરિયાદ કરવાને બહાને પણ કાનાના દર્શન કરવા નંદાલય માં આવતી. જશોદા જ્યારે પણ રાધાને જુવે ત્યારે તેના મનમાં એકજ વિચાર આવે કેવી સુંદર કન્યા છે મારા લાલ માટે તો હુ રાધા નેજ વહુ બનાવીને લાવીશ. બંનેની કેવી સુંદર જોડી જામશે રૂપાળી રાધિકાને શ્યામવર્ણ મેરો લાલ.
ગોપીઓના ચોથું સમૂહ કુવારીકા ગોપીજનોનુ જૂથ હતું તે નંદાલય માં જ રહેતા. તે ગોપીઓ દિવસથી રાત્રી સુધી જશોદાજીને વિવિધ કાર્યોમાં મદદરૂપ થતાં. જો કોઈ કાનાની ફરિયાદ લઈ આવે તો જશોદા તેના પર ખીજાય પડતાં અમારે શું દહીં, દૂધ, માખણ ની કોઈ કમી છે? કે કાનો તમારો માખણ ચોરવા આવે તમે તો સૌ કોઈ મારા લાડલાની પાછળ પડી ગયા છો. કહી તેમને ઠપકો આપતા.
જ્યારે દાઉ કાનને ખીજવે, ચીડવે ત્યારે પણ જશોદા હંમેશા કાનાનો પક્ષ લેતા બધા એમ જ માનતા કે, જશોદાજી સાવ ભોળા છે અને તેને ખબર નથી કે કાનો તેનો પુત્ર નથી. જ્યારે જશોદાના બેન એટલે કે વસુદેવજીના પ્રથમ પત્ની રોહિણીએ જશોદાને કહ્યું કે, કાના પ્રત્યે એટલો બધો મોહ રાખવો નહીં કે ભવિષ્યમાં તેના વિરહમાં બહુ તડપવું પડે.
ત્યારે જશોદાજી એ કહ્યું કે, હું જાણું છું રોહિણી કે કાનાને મેં જન્મ નથી આપ્યો. પરંતુ જ્યારે તે મથુરા જઈ દેવકી અને વાસુદેવજી પાસે જશે તો વસુદેવજી કે દેવકી અને બીજા મથુરાવાસી અમને કહી ના શકે કે જશોદાએ તેને લાડ-પ્રેમથી ઉછેર કરવામાં કોઇ કમી રાખી દીધી. ત્યારે રોહિણીને લાગ્યું કે જશોદા દેખીતા ભલે ભોળા લાગે પરંતુ છે બહુ જ ચતુર.
કૃષણે કાલિયાનાગ નાગને નાથવા યમુનાજલ માં જપલાવ્યું. ઘણો સમય વ્યતિત થતા પણ કૃષ્ણ જલમાંથી બહાર ન આવતા બધા ના જીવ તાળવે ચોંટી ગયા. જશોદાજી ફરી મૂર્છિત થઈ ગયા. કૃષ્ણે કાલિયાનાગને નાથી બહાર આવ્યા પછી જ તેઓ ભાનમાં આવ્યા, જોયુ તો કૃષ્ણ કાલિયાનાગ પર નૃત્ય કરી રહ્યા હતા !
જયારે કૃષ્ણે વ્રજમાં ઇન્દ્ર પૂજાને બદલે ગિરિરાજજીનુ પૂજન શરૂ કરાવ્યું ત્યારે ઇન્દ્ર સાત દિવસો સુધી વ્રજ પર પોતાના થયેલા અપમાનમાં કોપરૂપે અતિવૃષ્ટિ કરાવી કૃષ્ણ જેમ માખણ ઉપાડે તેમ ગિરિરાજજીની ધારણ કરી લીધા. પુરા વ્રજમંડળમાં કનૈયાનો જય જયકાર થવા લાગ્યો, એ જાણી જશોદા અને નંદબાબાનો હરખે ના સમાયા. તેઓ બંનેને પૂરી શ્રદ્ધા હતી કે કનૈયો ભૂતલ પર ધર્મની પુનઃ સ્થાપના કરવા અને અધર્મનો નાશ કરવા જ અવતરિત થયો છે.
કનૈયા ને લાડ લડાવવામાં અને તેનો ઉછેર કરવામાં પોતે નિમિત્તે થયા છે તે બદલ પોતાની જાતને ધન્યતા અનુભવવા લાગ્યા. જ્યારે અક્રૂરજી કનૈયાને મથુરા લઈ જવા માટે ગોકુલ આવ્યા ત્યારે જશોદાએ તેને લઈ જવાની મનાઈ જ કરી દીધી. નંદરાયજીતો પોતાનું મન મક્કમ કરી લીધું હતું અને જાણી ગયા કે કાનાને જે કાર્ય કરવા માટે ભુતલ પધાર્યો છે તે વેળા હવે નજીક આવી ગઈ છે. પરંતુ જશોદાજી તો એક મા હતાને ! તે કેમેય કરીને આ વાત સ્વીકારવા તૈયાર જ ન હતા તે કાના ને એક ક્ષણ પણ પોતાનાથી અલગ કરવા માંગતા ન હતા.
કાના એ જીદ પકડી મૈયા મારે મથુરા નગરી જોવી છે મારું કાર્ય પુરું થયા બાદ હું એક ક્ષણ પણ ત્યાં રોકાય નહીં, તરત ગોકુલ પાછો આવી જઈશ, તારા સોગંદ મૈયા હું તરત પાછો આવી જઈશ !
મને-કમને જશોદાએ તેને જવા દીધો તેના મનમાં એક ખૂણે લાગી રહ્યું હતું કે જાણે અક્રૂર નહીં પણ કોઈ ક્રૂર જ વ્રજ માં આવી પોતાના લાલાને દૂર કરી રહ્યો હોય. અને પોતાનો લાડલો એકવાર જતો રહેશે તો ફરી પાછો ક્યારે અહીં પરત નહીં ફરી શકે.
દાઉ, કૃષ્ણને મથુરા વળાવતી વખતે જશોદા અને નંદરાય સાથે પૂરું ગોકુલ ગામ પાદરે એકઠું થયું હતું. સૌ કોઈ હૈયાફાટ રુદન કરી રહ્યા હતા, જશોદા કનૈયાને ગળે લગાવી આક્રંદ કરી રહ્યા હતા. જલ્દી પરત આવજે મારા લાલ તારા વગર અમે જીવી નહીં શકીએ. જ્યાં સુધી મથુરા તરફ જતો રસ્તો દેખાયો ત્યાં સુધી આંખોમાંથી વહેતા આંસુ સાથે બધા પાદરે જ ઊભા રહ્યા.
વ્રજવાસીઓને લાગ્યું કે જાણે એકાએક જશોદા અને નંદરાયજી ની ઉંમર વધી ગઈ હોય એવા વૃદ્ધ દેખાવા લાગ્યા. કનૈયાના બાબા તમે મથુરા થી પરત આવો ત્યારે તમારી સાથે જ કાનાને જરૂર લેતા આવજો.
તે મારા વગર જમતો નથી, હું જગાડું ત્યારે જાગે છે. હું સુવડાવુ ત્યારે સુવે છે તેને માખણ રોટીનો કોળિયો મુખમાં કોણ પ્રેમથી ખવડાવશે? મારા કનૈયાનું ત્યાં કોણ ધ્યાન રાખશે? નંદરાયજી ને લાગ્યું કે જો આવી જ દશા રહી તો જશોદા થોડા જ દિવસોમાં બાવરી બની જશે.
જશોદાજી એ ખરા અર્થમાં સાબિત કરી બતાવ્યું કે જન્મ દેનારી માં કરતા પણ પાલન કરનારી માં નો જશ હંમેશા વંદનીય જ રહેશે.
ભાવિન કથ્રેચા ના રાધે રાધે.