‘સાસુને ઢોકળાં ભાવે’ – વાંચો રસપ્રદ લઘુકથા જે એક સારી શીખ પણ આપતી જાય છે.

0
1393

આકાશ અને માધુરીના લગ્ન થઈ ગયા. બન્ને પક્ષ ખુબ રાજી હતા. બેયને સારા સગા અને યોગ્ય દિકરો દિકરી મળ્યા એનો સંતોષ હતો.

માધુરીએ થોડા દિવસોમાં જ ઘર સંભાળી લીધું. એક દિવસ સસરાએ જાતે ઉઠીને પાણી પીધું, તો એણે વીણાબેનને કહ્યું. ” મમ્મી, પપ્પાને કહેજો કે પાણી જાતે લેવા ન જાય. કોઈ જુએ, તો કેટલું ખરાબ લાગે.”

” બેટા, એને પહેલેથી જ એવી ટેવ છે. હું બીજા કામમાં હોઉં, તો મને પણ ના કહે. હવે જોઈએ. તારું માને છે કે નહીં.”

માધુરીએ પપ્પા બેઠા હોય ત્યાં, અગાઉથી જ પાણીનો ગ્લાસ ઢાંકીને મુકી આવવાનું ચાલુ કર્યું.

એક દિવસ સાસુ સસરાની ગેરહાજરીમાં એક પ્રૌઢ દંપતી આવ્યું. તેણે સસરાના મિત્ર હોવાનું જણાવ્યું. માધુરીએ ફોન પર સસરા સાથે વાત કરાવી, ચાલાકીથી જાણી લીધું કે ખરા મિત્ર જ છે. પછી વિવેકસર બેસાડી ચાપાણી કર્યા. પ્રૌઢ જતાં જતાં સો રુપિયા હાથમાં આપવા લાગ્યા તો માધુરીએ હસીને કહ્યું. ” મમ્મી પપ્પા હોય ત્યારે ફરીથી આવજો.. મારા હાથની રસોઈ જમજો.. પછી રાજી થઈને આપશો તો લઈશ.. અત્યારે નહીં લઉં..”

પછી સસરા પર એ મિત્રનો માધુરીના વખાણ કરતો ફોન આવ્યો, ત્યારે સસરા ગદગદિત થઈ ગયા.

ત્રણેક મહિને માધુરીના મમ્મી પપ્પા આંટો દેવા આવ્યા. આકાશ ઓફીસે ગયો હતો. બેય વેવાઈ બજારમાં નિકળી ગયા હતા. માધુરી રસોડામાં હતી. બન્ને વેવાણો વાતો કરતી બેઠી હતી.

ઉષાબેને કહ્યું ” મધુ જરા બોલકી છે. આખો દિવસ કંઈક ગણગણ્યા કરતી જ રહે. મસ્તીખોર છે. મારી સાથે પણ મસ્તી તોફાન કર્યા કરતી. અહીં તમને હેરાન તો નથી કરતી ને.?”

વીણાબેને કહ્યું.. ” ના રે ના.. એ તો કાંઈ બોલતી જ નથી.. ખાલી ‘હા ના’ માં જ જવાબ આપે છે. તમે સાસરે ગંભીર રહેવાની સલાહ આપી હશે.”

ઉષાબેને માધુરીને બોલાવી. એ રસોડામાં ઢોકળાનો આથો હલાવતી હતી. હાથ સાફ કરતી કરતી આવી.

“તારી સાસુ ફરિયાદ કરે છે કે તું સાવ બોલતી નથી. આપણા પક્ષનું કોઈ આવે, ને જુએ તો લાગે કે છોકરીને એની સાસુ દ બા વીને રાખે છે. વીણાબેન હવે તારા ખરા મમ્મી છે. તું મારી સાથે રહેતી, એમ જ રહેવાય.”

વીણાબેને સુર પુરાવ્યો. ” અમારી આમન્યા રાખવાનો અર્થ એ નથી કે સાવ મુંગુ મંતર થઇ જવું. અમને દુખ થાય એવું વર્તન ન કર, એ જ આમન્યા પાળી કહેવાય. અમારામાં અને તારા એ મમ્મી પપ્પામાં કંઈ ફેર નથી એમ માનવું.”

બે મમ્મીની સલાહ સાંભળી, એ રસોડામાં ગઇ. પોતાના કામે વળગી. થોડીવાર પછી એક ડીસમાં ગરમાગરમ ઢોકળા અને વાટકીમાં ચટણી લઈને આવી.

” લ્યો ચાખો. કેવા થયા છે?”

વીણાબેને ચાખીને કહ્યું. ” ખુબ સરસ. ભાવે તેવા થયા છે.”

માધુરી રસોડા તરફ જાતી જાતી ગણગણતી ગઇ. ” મારી સાસુને ઢોકળા ભાવે. મારી સાસુને ઢોકળા ભાવે. સાથે તીખી ચટણી ભાવે.”

ઉષાબેને આંખના ઈશારે વીણાબેનને સમજાવ્યું. ” હવે જુઓ.. લ્યો સાંભળો.. એનું ગીત..”

– જયંતીલાલ ચૌહાણ ૨૨-૭-૨૧