છોકરીના પિતાએ કહ્યું – ઘરડા લોકો વગરનો વરઘોડો લાવશો તો જ લગ્ન થશે, પછી જે થયું તે ચોંકાવનારૂ છે.

0
1439

છોકરીના પિતાએ લગ્નમાં ઘરડા અને વૃદ્ધ લોકોને લાવવાની પાડી ના, એ પછી જે થયું તે સમજવા જેવું છે.

પરિવારના મોટા દીકરાનો નજીકના ગામની એક છોકરી સાથે સબંધ નક્કી થયો. જયારે લગ્નની તારીખ નજીક આવવા લાગી, તે સમયે છોકરીના પિતાએ એક વિચિત્ર શરત મૂકી દીધી. શરત હતી કે, “છોકરા વાળા પોતાની સાથે જાનમાં કોઈપણ વૃદ્ધને નહીં લાવે. જાનમાં સાથે કોઈપણ વૃદ્ધ આવશે તો અમે છોકરીની વિદાય નહીં કરીએ.”

શરત સાંભળીને બધા અવાક થઇ ગયા. લગ્નને બે દિવસ બાકી હતા અને જો જાન લઈને ના જાય તો પોતાના જ ગામમાં આબરૂ જતી રહે. અને જો વૃદ્ધને જાનમાં લઈને જાય અને ક્યાંક ફેરા લેવાની ના પાડી દીધી તો બીજી વધારે આબરૂ જતી રહે. બધા લોકો દુઃખી થઇ ગયા, બધા એક જ વાત કરી રહ્યા હતા કે, “ઘરડા વગર કેવા લગ્ન?”

પણ હવે કોઈ રસ્તો દેખાતો નોહતો. છેલ્લે ભારે હૈયે છોકરાના પિતાએ કહ્યું કે – “જાન તો જશે અને તે પણ ઘરડા-વૃદ્ધ વગર.” ઘર અને પરિવારના બીજા બધા વૃદ્ધો માની ગયા પણ છોકરાના મોટા પપ્પા જીદ ઉપર આવી ગયા. તે કહેવા લાગ્યા, “આ પણ કોઈ વાત કહેવાય. વડીલો વગરના લગ્ન, આ કેવી રીતે શક્ય છે? હું તો લગ્નમાં જઈને જ રહીશ. જોવું છું મને કોણ રોકે છે.”

ઘરવાળાએ મોટા પપ્પાને મનાવવાનો ઘણો પ્રયત્ન કર્યો, પણ તે એકના બે ના થયા. આખરે એવું નક્કી થયું કે તેમને કપડાંની ગાંસડીઓ વચ્ચે સંતાડીને લઇ જવામાં આવશે. અને તેમને કહેવામાં આવ્યું કે તેઓ ત્યાં કોઈની સામે હાજર નહીં થાય. બધાના ઘણું કહેવાથી મોટા પપ્પા માની ગયા કે તે કોઈની સામે નહીં આવે.

લગ્નના દિવસે જાન ત્યાં પહોંચી. છોકરી વાળાએ તેમનું સ્વાગત કર્યું. સાથે જ છોકરીના પિતાએ બીજી એક શરત બીજી મૂકી દીધી. તે ગામની બહાર એક નદી વહેતી હતી. છોકરીના પિતાએ કહ્યું કે, “આ નદીમાં પાણીની જગ્યાએ દૂધની ધાર વહેવડાવો તો જ લગ્ન થશે અને અમારી દીકરીની વિદાય થશે. નહીંતર આ લગ્ન નહીં થાય.” આ શરત સાંભળીને તો બધાના હોશકોશ ઉડી ગયા, આ તો અશક્ય છે. બધા ચિંતામાં પડી ગયા.

ઘણા મનાવ્યા, ઘણા સમજાવ્યા, વિનંતી કરી, પરંતુ છોકરીના પિતા તો પોતાની શરત ઉપર અડગ રહ્યા અને કહ્યું કે “જો મારી શરત પુરી કરશો તો જ આ લગ્ન થશે.” આ તો અશક્ય હતું, તો છોકરાવાળાએ નક્કી કર્યું કે, “ચાલો જાન પાછી લઈને જઈએ. આપણે આ શરત પુરી કરી શકીશું નહીં.” જયારે આ વાત બળદગાડામાં સંતાયેલા વરરાજાના મોટા પપ્પાને કાને પડી, તો એ બહાર નીકળી આવ્યા ને બોલ્યા કે “શું થયું? આપણે જાન શા માટે પાછી લઈને જઈ રહ્યા છીએ. આ આપણી આબરૂ વિરુદ્ધ છે.”

ત્યારે કોઈએ મોટા પપ્પાને કહ્યું કે, “છોકરીના પિતાએ શરત મૂકી છે કે નદીમાં પાણીની જગ્યાએ દૂધને વહેવડાવો તો જ છોકરીના લગ્ન થશે અને વિદાય થશે. હવે તમે જ કહો મોટા પપ્પા દૂધની નદી વહેવડાવવી શું શક્ય છે? એટલા માટે જાન પાછી લઈને જઈ રહ્યા છીએ.”

આ સાંભળીને મોટા પપ્પા બોલ્યા, “બસ આટલી અમથી વાત માટે તમે જાન પાછી લઈને જઈ રહ્યા છો? જાઓ અને તેમને સમાચાર પહોંચાડી દો કે અમે આ નદીમાં પાણીની જગ્યાએ દૂધની ધારા વહેવડાવવા માટે તૈયાર છીએ. પરંતુ પહેલા આ નદીના પાણીને ખાલી કરાવો.”

આ સાંભળીને ત્યાં ઉભેલા બધા લોકો ઘણા ખુશ થઇ ગયા, આ તો કોઈના મગજમાં પહેલા આવ્યું જ નહીં. બધા ખુશીથી નાચી ઉઠ્યા. બે જાનૈયાઓ છોકરીના પિતા પાસે પહોંચી ગયા અને તેમને કહ્યું કે, “અમને તમારી શરત મંજુર છે, અમે નદીમાં દૂધની ધારા વહેવડાવવા માટે તૈયાર છીએ પણ પહેલા નદીના પાણીને ખાલી કરાવો.”

જેવી છોકરીના પિતાએ આ વાત સાંભળી, કે તેમણે તરત કહ્યું કે “જાનમાં તમે કોઈ વૃદ્ધને ચોક્કસ લાવ્યા છો.” અને પછી છોકરીના પિતા હસતા હસતા કહેવા લાગ્યા કે “લગ્ન તો ચોક્કસ થશે અને તે પણ બધા વૃદ્ધ અને ઘરડાંના આશીર્વાદ સાથે.”

ત્યારે કોઈએ છોકરીના પિતાને પૂછ્યું કે “તો પછી તમે આ શરત કેમ રાખી?” ત્યારે છોકરીના પિતાએ કહ્યું, “હું તો બસ આજના યુવાનોને એ પાઠ સમજાવવા માંગતો હતો કે આધુનિકતાની સ્પર્ધામાં એ એટલા આગળ નીકળી ગયા છે કે પોતાના મોટા વડીલો, વૃદ્ધોના પ્રેમ અને અનુભવોને નકામા સમજવા લાગ્યા છે. આજે તેમણે જાણી લીધું હશે કે જાનમાં આજે મોટા પપ્પા ના આવતે તો શું થાત?”

વાર્તા તો અહીં પુરી થાય છે, પણ આપણા બધા માટે એક ઊંડાળવાળો પ્રશ્ન મૂકીને જાય છે. જીવનમાં આપણે જે સ્પીડમાં આગળ વધી રહ્યા છીએ, દોડી રહ્યા છીએ અને ક્યાંક ને ક્યાંક ટેંશન અને એકલવાયું જીવનના ઘેરામાં ફસાઈ ગયા છીએ. તેનું કારણ ક્યાંક આજ તો નથીને કે આપણા માથેથી આપણા ઘરડા, વડીલોના આશીર્વાદ દૂર થતા જઈ રહ્યા છે. આ વાત સમજજો અને પોતાના દીકરા દીકરીઓને પણ સમજાવજો.