દાદા હરિર વાવનું બાંધકામ સુલ્તાની બાઇ હરિરે ઇ.સ. ૧૪૮૫માં કરાવેલું. દાદા હરિની વાવમાં રહેલ સંસ્કૃત શિલાલેખ મુજબ સાત માળની વાવનું બાંધકામ ઇ.સ. ૧૫૦૦ માં થયેલું છે. મહમદ શાહના શાસનમાં બાઇ હરિર સુલ્તાની, જે સ્થાનિક લોકોમાં ધાઈ હરિર તરીકે જાણીતા હતા, તેમણે આ વાવનું બાંધકામ કરાવેલું. સુલ્તાની રાણીવાસમાં મુખ્ય નિરિક્ષક હતા. આ નામ પછીથી દાદા હરિરમાં ફેરવાઈ ગયુ. દરેક જગ્યાએ સુંદર કોતરણી ધરાવતી આ વાવનું બાંધકામ ૩,૨૯,૦૦૦ મહમુદીઓ (રૂપિયા 3 લાખથી વધુ) ના ખર્ચે તે સમય થયું હતું.
વાવમાં બાજુમાં નીચે જવા માટે સર્પાકાર સીડી આવેલી છે જે જુદા ઝરુખાના સ્તર પરથી નીચે જાય છે. સોલંકી સ્થાપત્ય શૈલીમાં રેત પથ્થરોથી બંધાયેલ દાદા હરિરની વાવ પાંચ માળ ઉંડી છે. તે ઉપરથી નવકોણીય છે અને અંદરથી મોટી સંખ્યામાં સ્થંભોથી બનેલી છે. દરેક માળમાં લોકો માટે પૂરતી જગ્યા રહેલી છે. વિવિધ વર્ષે થતાં વરસાદના વધારા-ઘટાડા તેમજ ઋતુમાં થતાં પાણીમાં થતા ફેરફાર માટે તે પૂરતી ઉંડી ખોદવામાં આવેલી.
દરેક માળ પર પૂરતા પ્રમાણમાં હવા અને પ્રકાશ મળી રહે તે રીતે છાપરાંઓનું બાંધકામ કરવામાં આવ્યું છે. પ્રથમ માળથી ત્રણ નિસરણીઓ તળિયે પાણી સુધી દોરી જાય છે, જે એક ખાસ લાક્ષણિકતા છે. આ વાવ ઉત્તર-દક્ષિણ ધરી પર બંધાયેલી છે, પ્રવેશદ્વાર દક્ષિણ બાજુએથી છે, ત્રણ નિસરણીઓ દક્ષિણ, પશ્ચિમ અને પૂર્વ દિશાએથી તળિયા સુધી જાય છે, જે ઉત્તર દિશામાં કૂવા તરફ દોરી જાય છે.
વાવની બાંધકામ શૈલી પરંપરાગત આડા અને ઉભા સ્થંભો વાળી ભારતીય છે. કૂવાના તળીયે જમીન ચોરસ છે, જે છેક નીચે સુધી જાય છે. ચોરસ તળિયાની ઉપર સ્થંભો, આડા સ્થંભો, દિવાલો અને કમાનો વક્રાકાર આકારમાં છે, જે છેક ઉપર સુધી જાય છે. કૂવાની ટોચનો ભાગ જોકે, સીધો અને આકાશમાં ખૂલ્લો છે. ચોરસના ચાર ખૂણાઓ ૪૫ અંશના ખૂણે ગોઠવવામાં આવેલા પથ્થરના સ્થંભો વડે મજબૂત બનાવવામાં આવ્યો છે.
હિંદુ અને જૈન દેવી-દેવતાઓ સાથે મુસ્લિમ સંસ્કૃતિ ધરાવતી ફૂલોની ભાત ઘણી જગ્યાએ કોતરણીમાં જોવા મળે છે. ઉપરના માળોમાં મુખ્ય કોતરણીઓમાં હાથીઓ (૩ ઇંચ (૭૬ મીમી)ના અને અલગ-અલગ ભાતના) નો સમાવેશ થાય છે. આ વાવની મુસ્લિમ સ્થાપત્ય શૈલી મુસ્લિમ રાજા સુલ્તાન બાઇ હરિર, જેણે વાવ બંધાવેલી, કદાચ તેના કારણે છે.
ઉનાળામાં વાવની અંદરનું તાપમાન બહારના ગરમ તાપમાન કરતાં પાંચ અંશ ઓછું હોવાનું ગણાય છે. આને કારણે દૂરથી પાણી ભરવા માટે આવતી સ્ત્રીઓ અહીંના ઠંડા વાતાવરણમાં વધુ સમય પસાર કરતી. તેઓ દેવી-દેવતાઓની પૂજા અને વાતચીતમાં પણ સમય પસાર કરતાં. આ જમીન નીચે રહેલા બાંધકામનું સ્થાપત્ય મહેલ જેવી કોતરણી ધરાવતું હોવાથી, તે મહેલ જેવું લાગે છે.
અસારવા ગામમાં માતરભવાનીની વાવ પણ આવેલી છે. આ વાવ ઈસ. ૧૦૮૩ ના સમયની એટલે કે લગભગ પંદરસો થી બેહજાર વર્ષ જૂની વાવ છે. આ વાવના નવ ખંડ છે. નવ ખંડ એ શાસ્ત્ર આધીન મહાશક્તિશાળી મા ભગવતીના છે. આ નવખંડને અતિ શુભ માનવામાં આવે છે. નવખંડ પછી છેલ્લા કૂવા ઉપર માતરી માતાનું મંદિર છે. નવે ખંડમાં દરેક ખંડની રચના અદ્ભુત છે. છેલ્લે વાવ આવે છે.
આ વાવ પાસે એક પાણીનો કુંડ છે. તેની આગળના ભાગમાં પ્રાચીન મૂર્તિઓ આવેલી છે. વાવની ઉપર પણ ત્રણ ખંડ આવેલા છે. આ ખંડની અંદર લોકોને બેસવા માટે સુંદર બેઠકોની રચના કરવામાં આવેલી છે. આ વાવ વિશે એવું કહેવામાં આવે છે કે પાંડવોએ આ વાવનું નિર્માણ કર્યું હતું. ભગવાન કૃષ્ણએ તેમને માત્રી માતાની સ્થાપના કરવામાં મોટો ફાળો આપ્યો હતો.
આ વાવનું નામ વાવની પશ્ચિમે આવેલા કોશના કૂવાના ગોળાકાર ધોરિયાના બહારના ભાગ પર બાંધેલા દેવી ભવાનીના મંદિરના નામ ઉપરથી પડ્યું છે. અસારવા ગામના લોકો તેમજ તેની બાજુમાં આવેલા હરિપુરા ગામના લોકો અહીં આવે છે. તેની પૂજા કરી બાધા-આખડી પણ રાખે છે. કહેવાય છે કે માતાજી દરેકની મનોકામના પૂર્ણ કરે છે.
આમ જોવા જઈએ તો આ માતાજી પટેલ, ભાવસાર, મોદી, જૈન, વૈષ્ણવ વાણિયા, માળી, ખત્રી, પ્રજાપતિ, સુથાર એમ દરેક કોમના લોકો તેમને કુળદેવી તરીકે માને છે. માતરભવાનીની આ વાવને ઐતિહાસિક વારસા તરીકે જાહેર કરવામાં આવી છે. અમદાવાદમાં આ એક જ એવી વાવ છે કે જેની અંદર માતાજીનું મંદિર આવેલું છે. એટલે કે વાવની અંદર માતાજી બિરાજમાન છે.
વાચેલી નોંધના આધારે મુલાકાત. તસવીરો ગૂગલના સૌજન્યથી.
– સાભાર જિતુ ઠકરાર (ગામ ગાથા ગ્રુપ)