“માતાજી” – આ લઘુકથા ઓછા શબ્દોમાં ઘણું બધું કહી જાય છે, વાંચવાનું ચૂકશો નહિ.

0
492

માતાજી :

– માણેકલાલ પટેલ

માતાજીની ખંડિત મૂર્તિની પૂજા થઈ શકે નહિ એવી લોકમાન્યતા હોઈ ગામ લોકોએ નવી મૂર્તિ લાવવા માટે ચઢાવો કરવાનું નક્કી કર્યું.

આ માટેનો સમય પણ નક્કી થયો. એવું પણ વિચાર્યું કે જે બહાર રહેતા હોય અને હાજર રહી ન શકે તેઓ ફોનથી પણ પોતાનો ચઢાવો બોલી શકશે.

નિયત દિવસે ચઢાવો પૂરો થયો અને સૌથી વધુ રકમ બોલનાર મુંબઈ રહેતા સવજીભાઈનો જયજયકાર થવા માંડ્યો.

સવજીભાઈ હાજર ન હોઈ એમના વતી એમનાં માતૃશ્રી જમનામાનું સન્માન કરવાનું નક્કી થયું.

જમનામા આમ તો મુંબઈ જ રહેતાં હતાં. પણ, થોડા મહિના પહેલાં એ બાથરૂમમાં લપસી પડેલાં તે પગે ફેક્ચર થયેલું એટલે સવજી અને એનાં પત્ની એમની મોંઘી ફોરવ્હીલમાં એમ સમજાવીને એમને ગામડે મૂકી ગયેલાં કે અહીં ખુલ્લામાં તમને વાંધો નહિ આવે.

બે જણ જમનામાને બોલાવવા ગયા એટલે વાત જાણીને એ રાજી થઈને બોલ્યાં : “માતાજી ઉપર તો મારા સવજીને જબરી લાગણી, હોં !”

હકડેઠઠ્ઠ મેદની વચ્ચે કાખમાં ઘોડી રાખીને જમનામા આવ્યાં એટલે બધાંએ સવજીભાઈનો જયજયકાર બોલાવ્યો.

– માણેકલાલ પટેલ (અમર કથાઓ ગ્રુપ)