માં જગદંબાની આરતીનો આઘ્યાત્મિક ભાવાર્થ, આરતી તો બધાને આવડે છે પણ તેનો ભાવાર્થ ભાગ્યેજ કોઈ જાણે છે.

0
1533

દરેક માનવ માત્રમાં રહેલાં ષડ ચક્રોના જાગરણ-ઘ્યાન-ભેદન દ્વારા દરેક જીવ માત્ર દુર્બુદ્ધિ-મહિષાસુરનું મર્દન કરીને જીવની ઊર્ઘ્વગતિ પ્રાપ્ત કરી શકે છે. અને એ માટે મા જગદંબાની ભક્તિ દ્વારા કૃપા દ્રષ્ટિ મેળવવી પડે છે. આદ્યશક્તિ મા જગદંબાની આરતીના રચયિતા શ્રી શિવાનંદ સ્વામી છે, તેમને જ્યારે મા અંબાજીનો સાક્ષાત્કાર થયેલો તે જ સમયે આ આરતીનો ઉદગમ થયેલો એમ કહેવાય છે. આ આરતીના સાદા શબ્દોમાં ગુણગાન ગાયા છે, પરંતુ એ શબ્દોમાં ગહન અર્થ ઉપદેશ સમાયેલો છે, જે મારી અલ્પમતિ અનુસાર રજૂ કરી રહ્યો છું.

જય આદ્યા શક્તિ, મા જય આદ્યા શક્તિ

અખંડ બ્રહ્માંડ નિપજાવ્યા, પડવે પ્રગટ્યા મા…

(૧) પ્રથમ પંક્તિમાં – અખિલ બ્રહ્માંડમાં એક તુ શ્રી હરિનો ભાવાર્થ સમાયેલ છે. નિજ શરીરમાં એક આત્મા સ્વરૂપે બિરાજી રહેલ છે, એજ શક્તિ મા જગદંબા જેમનું નવરાત્રીમાં પ્રથમ દિને પ્રગટ્ય થયું છે. આપણા ધર્મ અનુસાર જીવનમાં ૧૬ સંસ્કારોમાંનો એક સંસ્કાર – જે આપણો જન્મદિવસ.

દ્વિતિયા બેય સ્વરૂપ, શિવ શક્તિ જાણું

બ્રહ્મા ગણપતિ ગાયે. હર ગાયે હર મા…

(૨) બીજી પંક્તિમાં – એમાં દ્વૈતવાદ અને અદ્વૈતવાદ બંનેનો શુભ સમન્વય છે. શિવ શક્તિ સ્વરૂપે બિરાજેલ મા અંબા જે ભિન્ન છે છતાં અભિન્ન છે. જીવ આત્મા જે શક્તિ છે, તેનું શિવ સાથેનું જોડાણ કાયમ રાખવાનું છે. જીવ એજ શિવ છે એવી અનુભૂતિ કરવાની છે. શિવ કલ્યાણકારી છે. સારા કર્મ દ્વારા આપણું તથા અન્યોનું કલ્યાણ કરવાનું છે.

સિદ્ધિદાતા શ્રીગણેશ પરમપિતા બ્રહ્મા અને હર કહેતાં શિવ – હરિ કહેતાં વિષ્ણુ એ સૌની કૃપા થકી જ સાધના, સિદ્ધિ, સાહસ પ્રાપ્ત કરવાના છે. શ્રી ગણેશ બુદ્ધિદાતાનું સ્થાન મગજમાં, શ્રી બ્રહ્મા ઉત્પન્ન કરનારાનું સ્થાન પેટમાં નીચે, તથા શ્રી વિષ્ણુ હરિનું સ્થાન પાચન અવયવોમાં તથા શ્રી હરશિવનું સ્થાન છાતી હૃદયમાં હોય છે. તેમને સ્મરીને તેમના સ્થાનોનું જતન પોષણ કરવાથી જ શક્તિ સિદ્ધિ કલ્યાણ સાંપડે છે.

તૃતિયા ત્રણ સ્વરૂપ, ત્રિભુવનમાં બેઠાં

ત્રયા થકી તરવેણી, તું તરવેેણી માં…

(૩) ત્રીજી પંક્તિમાં – જેમાં ત્રણેય ભુવનનો – ત્રિવેણીનો ઉલ્લેખ છે. ત્રિભુવન એટલે પાતાળ, પૃથ્વી, સ્વર્ગ ત્રણે લોક-મગજ મસ્તક એ સ્વર્ગ લોકનું પ્રતિક છે, ધડ-પેટ સુધીનો ભાગ અ પૃથ્વીલોક છે, અને પેટથી પગ સુધીનો નીચેનો ભાગ એ પાતાળ લોક છે. જેના દેવતા બ્રહ્મા, વિષ્ણુ અને શિવ છે. આ ત્રણેય લોક શુદ્ધ રહે તો જ તેમાં દૈવી શક્તિ વાસ કરે. ત્રિવેણી એટલે ત્રણ નાડી ઇંડા-પંિગલા-સુષૃણા, ત્રણે નાડીનું શોદ્યન થયું હોય, શ્વાસ-ઉચ્છવાસની ગતિ નિયમિત હોય, ત્રણેય નાડી ઉપર મનનો કાબુ હોય, તો જ જીવન ઘ્યાન દ્વારા એત્રિવેણીમાં સ્નાન કરી શુદ્ધ થાય, આત્મજ્ઞાન પ્રાપ્ત કરે કે જ્યારે દૈવી શક્તિની પણ કૃપા દયા હોય.

ચોથે ચતુરા, મહાલક્ષ્મી, મા સચરાચર વ્યાપ્યા

ચાર ભુજા ચૌ દિશા, પ્રગટ્યા દક્ષિણ મા…

(૪) ચોથી પંક્તિમાં – આ શરીરનું મઘ્યબિંદુ નાભિ છે. ચાર દિશાઓમાં શરીરના અંગો, જેમકે પૂર્વ એટલે મગજ-મસ્તકનું. સ્થાન, પશ્ચિમ એટલે ગળાથી-દ્યડથી પગ સુધીનું સ્થાન, ઉત્તર એટલે જમણા હાથ તરફનું અડઘું અંગ જેમા હૃદય, ડાબું ફેફસું, હોજરીનું સ્થાન વિગેરે. આ બધી જ દિશામાંથી શરીરમાં બધા જ અંગોને ઉર્જા શક્તિ મળે છે. કે જ્યારે આ બધાં જ અંગો સાફ સુથરા રહે, નિયમિત પણે કાર્યરત રહે તે માટે આ જીવે યમ નિયમનું પાલન કરવું પડે.

સ્વસ્થ તન સ્વસ્થ મન હશે તોજ સારા વિચારો કે સારા કાર્યો થશે. તો જ ઈશ્વરી દૈવી શક્તિ રાજી રહે. સ્ને જે દક્ષિણમાં રહેલ હૃદય-માનવ મંદિરમાં પ્રગટ થાય તો જ કરુણા, પ્રેમ, ભક્તિ, સાધના જેવા ગુણો વિકસે. એ દ્વારા જ દૈવી શક્તિ બ્રહ્માંડ વ્યાપી બની રહે, બની શકે.

નાભિથી ઉપર ગળા સુધીના ધડ ભાગમાં શ્રી હરિનો વાસ હોય, જેની સાથે શ્રી લક્ષ્મી કે મહાલક્ષ્મી સ્વરૂપે દેવીને ત્યાં હૃદયમાં બીરાજવું જ પડે. પૂર્વ દિશા-મનુષ્યનો-જીવમાત્રનો જન્મ જીવનનો ઉદય-સૂર્યોદય સૂર્ય આત્માકારક ધર્મમય આદ્યાત્મમય દિવ્ય જીવન બનાવવું હોય તો પૂર્વ દિશાના અંગોને સાધનાથી ઉજ્જવળ બનાવો.

પશ્ચિમ દિશા એટલે સૂર્યાસ્તની દિશા જીવનનો ઉત્તરાર્ધ-સૂર્યાસ્ત એને પણ સારો ઉજ્જવળ બનાવવો હોય તો પશ્ચિમ દિશાએ પીઠ રાખી યોગ્ય સાધના કરવી જ રહી. બાકીની બંને દિશામાં રહેલા અંગો પણ જ્યારે નિયમિત કાર્યો કરી ના શકે તો પછી પશ્ચિમના અંગો પણ પોતાનું કાર્ય સારી રીતે કરી ના શકે. પગ, ધુંટણ, જનેન્દ્રિય કેડ, કમર વિગેરે કાર્યશક્તિ નબળી રહે, અંગો શિથિલ બને, પથારીવશ થવાય અને દેહનો અંત થાય.

પંચમી પંચ ૠષિ, પંચમ ગુણ પદમા

પંચ તત્ત્વ ત્યાં સોહિએ, પંચે તત્ત્વો મા…

(૫) પાંચમી પંક્તિમાં – યોગાનુયોગ જુઓ કે આ પાંચમી પંક્તિમા જ પંચપ્રાણ, પાંચ જ્ઞાનેન્દ્રિયો, પાંચ કર્મેન્દ્રિયો, અને પંચ તત્ત્વની વાત કરવામાં આવી છે. પંચૠષિ એટલે પાંચ કર્મેન્દ્રિયો, પંચ ગુણ પદમા એટલે પાંચ જ્ઞાનેન્દ્રિયો, અને પંચ તત્ત્વ એટલે આકાશ, પૃથ્વી અગ્નિ, વાયુ અને જળ. ષંચ સહસ્ત્ર એટલે પાંચ પ્રાણો જેવા કે પ્રાણ, અપાન, સમાન, ઉદાન અને વાયાન જેટલાં પ્રાણનો નિગ્રહ થઈ શકે તે દરેકના ૧૦૦૦ આયામ કરવાથી પાંચ સહસ્ત્ર શ્વાસોશ્વાસથી દેહનું મનનું શુદ્ધિકરણ થાય છે. જેમાં અંબા કૃપા અને ભક્તિથી જ સિદ્ધ થાય છે.

ષષ્ટી તું નારાયણી, મહિષાસુર માર્યો

નર-નારીના રૂપે, વ્યાપ્યા સઘળે મા…

(૬) ષષ્ટી પંક્તિમાં – દરેક માનવ માત્રમાં રહેલાં ષડ ચક્રોના જાગરણ-ઘ્યાન-ભેદન દ્વારા દરેક જીવ માત્ર દુર્બુદ્ધિ-મહિષાસુરનું મર્દન કરીને જીવની ઊર્ઘ્વગતિ પ્રાપ્ત કરી શકે છે. અને એ માટે મા જગદંબાની શક્તિ દ્વારા કૃપા દ્રષ્ટિ મેળવવી પડે છે. જે હર માનવે દેહમાં શિવ શક્તિ રુપે બીરાજી રહેલ છે. સમસ્ત વિશ્વમાં વસી રહેલ દરેક જીવાત્મા નર નારી સ્વરૂપે મા જગદંબા જ છે. એમ પ્રણિત કરવું જ રહ્યું.

સપ્તમી સપ્ત પાતાળ, સંઘ્યા સાવિત્રી,

ગૌ, ગંગા, ગાયત્રી, ગૌરી ગીતા મા…

(૭) સાતમી પંક્તિમાં – જેમાં સપ્ત પાતાળ યાને કે સપ્તલોકની તથા તેમના અઘિષ્ઠાતા દેવ-દેવીની વાત જણાવાય છે. સપ્તલોક આપણાં દેહમાં આપણા કાર્યરતમાં જ સમાયેલા છે. જેમ કે ભૂઃ, ભુવઃ, સ્વઃ, મહઃ, જનઃ, તપઃ, અને સત્ત્યમ જેના અઘિષ્ઠાતા ગૌરી, ગૌ, ગંગા, ગીતા, ગાયત્રી, સંઘ્યા સાવિત્રી છે. જેનું વિશિષ્ટ વિવરણ નીચે મુજબ છે.

(ક) ભૂઃ -સ્વર્ગલોક- આકાશતત્ત્વ અઘિષ્ઠાતા સાવિત્રી, સૂર્ય ઉપાસના દ્વારા સતિ સાવિત્રીએ સત્ત્યવાન માટે જીવનદાન મેળવ્યું હતું યાને કે જીવની અધોગતિમાંથી ઊઘ્વગતિ તરફ જવા માટે કેવળ એકમાત્ર, સૂર્ય-સાવ્તિરી ઉપાસના જ મહત્ત્વની છે.

(ખ) ભુવઃ – મર્ત્યલોક-પૃથ્વી તત્ત્વ જીવનો મઘ્યાહન સમય-અઘિષ્ઠાતા ‘સંઘ્યા’ ત્રિકાળ સંઘ્યા, સંઘ્યા વંદન, જપ ઘ્યાન કરવાથી જીવનની ત્રણેય અવસ્થામાં ક્રમશઃ સુધારો થવાથી જીવનું મુક્તિ માર્ગે પ્રયાણ થાય.

(ગ) સ્વ: – પાતાળલોક – (જીવન અધોયગતિનું ઘોતક) અઘિષ્ઠાતા ગૌ-ગાય જેમાં ત્રેતીસ કરોડ દેવતાઓનો નિવાસ ગંણાય છે. ગૌવંદન, પૂજન એટલે પશુધનની રક્ષા-ગૌ નો બીજો અર્થ દોહન જીવાત્માએ પોતે કરેલા પાપનું વિવેચન કરી સર્વ સાથે સમભાવ રાખી સારા આચાર વિચાર, કર્મો, ભક્તિનું દોહન કરે જેથી અધોયગતિમાંથી મુક્ત થાય. સ્વનો બીજો અર્થ પોતાનું જીવ પોતાનામાં જ મગ્ન રહે પોતાને સ્વ ને ઓળખે-જાણે સમજે તો ચોક્કસ જીવમાત્રની ઊર્ધ્વગતિ થાય જ થાય.

(ઘ) મહ: – મન આત્માલોક, માનસિકતા પ્રખર કરવી. અઘિષ્ઠાતા ગંગા-પવિત્રા મન ને પવિત્ર કરવું આતમને ઉજાળવો, દિલમાં દિવો કરવો. જેમ સ્વર્ગમાંથી ગંગાનું પૃથ્વી પર અવતરણ થયું તેમ મન દ્વારા ભગીરથ પવિત્રતા જાળવવી.

(ચ) જનઃ – જનતા જનેતા – અઘિષ્ઠાતા ગાયત્રી-માની, ગાયત્રીની ઊપાસના કરવી. જેના આશિર્વાદ, કૃપાથી લોક કલ્યાણના કાર્યો થઈ શકે. રિદ્ધિ-સિદ્ધિ મળે જેમાંથી લોક કલ્યાણના કાર્યો કરવાં.

(છ) તપઃ – ઈન્દ્રિય નિગ્રહ-અઘિષ્ઠાતા ગૌરી પાર્વતી, જેમણે તપ કરીને શ્રી શિવજીને મેળવ્યા, જન્મો જન્મ શિવ શક્તિનું મિલન, જ્યારે તપની આવશ્યકતા જીવ અને શિવનું ઐક્ય સધાય.

(જ) સત્ત્યમ – સત્ત્યોલક-અઘિષ્ઠાતા ગીતા-એકનિષ્ઠતા, સત્ત્યતા સાતત્ત્યતા કર્મ, જ્ઞાન, ભક્તિ, યોગ દ્વારા સત્ત્યનું ધારણ કરવું.

અષ્ટમી અષ્ટ ભુજા, આઇ આનંદ મા

સુરિવર મુનિવર જનમ્યા, દેવે દૈત્ત્યો મા…

(૮) આઠમી પંક્તિમાં – આ પંક્તિમાં માતાજીને આનંદ સ્વરૂપા કહ્યાં છે. આઠ દિશાઓનાં અઘિષ્ઠાત્રી અષ્ટભુજામાં ધારણ કરેલાં વિવિધ પ્રકારનાં આયુઘોથી અષ્ટ દિશાનું-તે સ્થાનનું રક્ષણ કરે છે. મનુષ્ય દેહમાં પણ અષ્ટ દિશા છે. જે તે દિશામાં વાસ્તુ પુરૂષના અંગો રહેલા છે. વાસ્તુ પુરૂષ સ્વરૂપ માનવ દેહનું, પૂર્ણ શરીરનું અષ્ટભુજાના આયુધો દ્વારા આસુરી તત્વોથી અનિષ્ઠ તત્વોથી સર્વ અંગોનું રક્ષણ થાય છે. અને આ રક્ષણ કર્મ-મન-વચનની શુદ્ધતા દ્વારા જ શક્ય બને. દેવો દ્વારા મુનિવર તથા દૈત્યો દ્વારા સુરનર ઉત્પત્તિ થયેલ છે. મુનિવર જે મનની સ્થિરતાથી બળવતાની અને સુરનર જે શારીરિક તનથી બળવાન હોય છે. જેથી અષ્ટરિપુનો નાશ અને સદગુણોનો ઉદય થાય છે.

નવમી નવ કુળ નાગ, સેવે નવ દુર્ગા મા

નવરાત્રીના પૂજન, શીવરાત્રીના અર્ચન, કીધા હર બ્રહ્મા…

(૯) નવમી પંક્તિમાં – આ પંક્તિમાં જણાવેલ છે કે નવકુળનાગ નવદુર્ગાની પૂજા કરે છે. સાથે નવરાત્રીનું પૂજન શીવરાત્રીના અર્ચનની મહતા દર્શાવી છે. નવદ્યા ભક્તિ દ્વારા નવજાતનાં દોષોનો-વિષોનો નાશ કરીને નવદુર્ગા યાને શરીરમાં રહેલ નવકિલ્લા, નવ દ્વારની શુદ્ધતા દ્વારા જ નવશક્તિનું સર્જન થાય છે. નવગુણા ભક્તિ થાય છે. શક્તિ સ્વરૂપા માતાજીની નવરાત્રી તથા કલ્યાણકારી શિવની પ્રાપ્તિ માટે શિવ શક્તિની કૃપા માટે જીવને શિવમાં એકાકાર કરવા માટે મહારાત્રી કાળરાત્રીમાં શિવશક્તિના પૂજન અર્ચન કરવાથી જ જીવાત્માને મુક્તિ મળે છે. શિવ સ્વરૂપમાં એકાકાર થાય છે. અને આ પુજન અર્ચન જીવાત્માના-મનુષ્યના સર્જન વેળાએ શ્રી બ્રહ્માજી પણ કરે છે. અને મનુષ્યના જીવનની ઊર્ઘ્વગતિ માટે હરશીવ પણ શક્તિ ઊપાસના કરે છે.

દશમી દશ અવતાર, જય વિજયા દશમી મા

રામે રામ રમાડ્યા, રાવણ રોળ્યો મા…

(૧૦) દશમી પંક્તિમાં – આ પંક્તિમાં દશાવતારોની વાત છે. વિજયાદશમીના દિવસે ભગવાન શ્રી રામચંદ્રજીએ રાવણનો સંહાર કર્યો હતો. અસુરી શક્તિ પર વિજય મેળવ્યો હતો. આ રીતે દશેરાના દિવસે આપણી ૧૦ જ્ઞાનેન્દ્રિય દ્વારા, વિચાર વાણી વર્તન દ્વારા પેદા થતાં અસુરોનો સંહાર કરવાનો છે. એ આપણી ઇંન્દ્રિયો પર વિજય મેળવીને જીવનને ઊર્ઘ્વગામી બનાવવાનો સંદેશ છે.

એકાદશી અગિયારસ, કાત્યાયની કામા મા

કામદુર્ગા કાલિકા, શ્યામા ને રામા…

(૧૧) અગિયારમી પંક્તિ – આ પંક્તિમાં ઉપવાસ, જપ, તપ, વ્રત, મૌન દ્વારા સપ્તમાતૃકાની ભક્તિ કરવા જણાવ્યું છે. જે અનુક્રમે સોમવારથી રવિવાર પ્રમાણે અઘિષ્ઠાતા તરીકે કાત્યાયની, કામાખ્યા કામેશ્વરી, દુર્ગા, કાલિકા, શ્યામા અને રામા ગણાય છે. આઘ્યાત્મિક રીતે જોતાં મન, વચન, કર્મ દ્વારા ભક્તિ કરીને સાતેય દિવસ, આખુંય વર્ષ-આખી જીંદગી દરમ્યાન આપણાં દેહનાં મુખ્ય સપ્ત દ્વારોની શુદ્ધિ કરીને ઈશ્વર પરાયણ રહેવું.

બારશે બાળા રુપ, બહુચરી અંબા મા

બટુક ભૈરવ સોહિએ, કાળ ભૈરવ સોહિએ, તારા છે તુજ મા…

(૧૨) બારમી પંક્તિમાં – આ પંક્તિમાં બટુક ભૈરવ એટલે કે સાત્ત્વિક ઊપાસના માતાજીનાં બાળ સ્વરૂપની કરવી એવું વિધાન છે.

તેરશે તુળજા રૂપ, તમે તારુણી માતા મા

બ્રહ્મા વિષ્ણુ સદાશિવ, ગુણ તારા ગાતાં…

(૧૩) તેરમી પંક્તિમાં – આ પંક્તિમાં તુળજા સ્વરૂપ મા જગદંબા – જે ભાવ તારિણી છે તેમની આરાધના કરવાનો નિર્દેશ છે. કારણ સાક્ષાત બ્રહ્મા, વિષ્ણુ, મહેશ સદાશિવ ત્રિદેવ પણ મા તુળજા ભવાનીની આરાધના કરતાં હોય તો પછી આપણે પામર માનવીએ આરાધના કરવી જ જોઈએ.

ચૌદશે ચૌદા રૂપ, ચંડી ચામુંડા મા

ભાવ ભક્તિ કાંઈ આપો, ચતુરાઈ કાંઈ આપો, સંિહવાહિની માતા…

(૧૪) ચૌદમી પંક્તિમા – આમ તો મા જગદંબા ના નવ સ્વરૂપો જ વિખ્યાત છે. તેમ છતાં વિવિધ રીતે તેઓ ચૌદ સ્વરૂપમાં વિરાજે છે. જે આઘ્યાત્મ રીતે માનવામાં આવતાં ૧૪ લોક (બ્રહ્માંડ)ના અઘિષ્ઠાત્રી છે. જેમાં સપ્ત પાતાળ અને સપ્ત ઊર્ધ્વલોક છે. જે આપણાં દેહમાં જ સમાયેલા છે. જેમાં સાત ચક્રોનો પણ સમાવેશ થાય છે. જેની વિસ્તૃત સમજુતી ૭મી પંક્તિના વિવરણમાં આપેલ છે. એમને સદા જાગૃત રાખવા, ચૈતન્ય સભર રાખવાં ‘‘મા’’ની કૃપા જોઈએ. તેમની ભાવપૂર્ણ ભક્તિ કરવાની શક્તિ જોઈએ. અને એજ ભાવ ભક્તિની માંગણી આ પંક્તિમાં દર્શાવી છે.

પૂનમે કુંભ ભર્યો, સાંભળજો કરુણા મા

વશિષ્ઠ દેવે વખાણ્યા માર્કડ મુનિએ વખાણ્યા, ગાઈ શુભ કવિતા…

(૧૫) પંદરમી પંક્તિમાં – આ પંક્તિમાં પૂનમના કુંભની વાત છે. પૂનમનો ચંદ્રમા પૂર્ણ કળાએ હોય છે. આપણે દેહ એ પૂર્ણ કુંભ છે. જેવાં કે સદગુણો, ભક્તિ-ભાવના, ઉપાસના કરીએ તો જ આપણી કરુણાસભર પ્રાર્થના કરવાના, વિનંતી કરવાનાં, અધિકાર પ્રાપ્ત કરીએ. આપણો દેહ, મન આવા સદકાર્યો, વિચારો, વાણીથી પૂનમના ચાંદ જેવો, પૂર્ણિમાની ચાંદની જેવો પ્રકાશિત કરીએ. શ્રી વશિષ્ઠ મુનિ શ્રી માર્કડેય મુનિ પણ પૂર્ણ દેહથી, મનથી જ માની સ્તુતિ કરી શક્યાં હતાં.

સંવત સોળ સત્તાવન, સોળસે બાવીસ મા

સવંત સોળે પ્રગટ્યાં, રેવાને તીરે…

(૧૬) સોળમી પંક્તિમાં – આ પંક્તિમાં સવંત ૧૬૫૭ (વિક્રમ), સંવત ૧૬૨૨ શાલિવાહન અને સંવત ૧૬ એ પ્રગટ્યાં (ઇ.સ.૧૬૦૦) રેવાને તીરે (૪૧૧) વર્ષ પહેલાં આ સમયે આ આરતીના રચયિતાં શિવાનંદ સ્વામીને માતાજીનો પાદુર્ભાવ સાક્ષાત્કાર થયેલો અને તે પણ નર્મદા કિનારે. આ આરતીના ગાન શ્રવણ થકી સૌનું કલ્યાણ થશે. સૌનાં મનોરથો પુરા થશે. એમ જણાવ્યું છે. એટલે આપણે મા મય, શક્તિમય બનીએ, પુરૂષાર્થ કરીએ, જીવન જીવવાની રીતે જીવીએ તો આપણો ઉદ્ધાર નિશ્ચિત જ છે. એમ આ પંક્તિમાં કહેવાનો આશય છે.

– રાજેશ જાનીની ૨૦૧૧ ની પોસ્ટ (ઇન્ડિયન ગોડ એન્ડ ગુરુ)