(મોણપરી) તા – વિસાવદર, જી- જુનાગઢ.
કાઠીયાવાડ મા કોક દિ, ભુલ્યો ય પડજે ભગવાન,! પછે થાજે મારો મેહમાન, તને શ્વર્ગ,ભુલાવુ શામળા!! કાઠીયાવાડ ના સંસ્કાર,વિવેક ભગવાન ને પણ સ્વર્ગ ભુલાવી દે તો આ લોકજીવન માં વળી શાર્દુળા સિંહ ને,પણ મિત્ર બનાવી આતીથ્ય આપતા નરકેસરીઓ પાકયા છે. તેમાં થી મોણપરી ગામ નાં, અડાભીડ, કાઠી દરબાર શ્રી માત્રાવાળા ની વાત માંડુ છું હો.
ગીરમા વિસાવદર પાસે મોણપરી નામે ગામ છે. ગામની ફરતી નદી છે. એ નદી મા વાંસાજાળ ઉંડા પાણીના ઘૂના છે. તેથી તે ‘ઘૂનાવાળી મોણપરી’ કહેવાય છે. આ ઘૂનાવાળી મોણપરી ગામે આપો માત્રા વાળા નામે એક કાઠી દરબાર ગરાસદાર થઈ ગયા. પોતે અરધ ગામના ધણી. અરધા મા બિજા પાંચ ભાગીદાર. આપા માત્રા વાળા એકલા અરધુ ગામ ખાય એની ભાગદારુને અદાવત (ઇશૉ). માત્રા આપાને ઠેકાણે પાડી દે તો આખુ ગામ ખાઇ શકાય પણ આપા માત્રા વાળા અડાભીડ આદમી. ભાગીદારો ને કારી ફાવતી નથી.
માત્રા વાળા ને સંતાન મા એક જ દિકરી. નામે સોમબાઇ. એટલે ભાગદારૂંને આકડે મધ જેવુ છતા હાથ ન પડે. એક બાપના દિકરા, પણ બોલ્યે વેવાર નય. નદીને સામે કાઠે આપા માત્રા ના ખેડુતોની ખળાવડ. ખળાવડ મા હાલરાં હાલે ઇ ટાણે આપો માત્રો ખાટલો ઢાળી ને વાતુ ના હીલોળા લે. સૂરજ બરોબર માથે આવ્યો ને હાલરે જોડેલા બળદ ભડકી ને ફરકડા બોલાવવા માડ્યા. માત્રો આપો કહે. ”આટલામા જાનવર આવતા હોવા જોઈએ. એની ગન્ધ થી ઢાંઢા ભડકે છે. ”
માત્રા આપાએ ઉભા થઈ ને જોયુ તો એક બેલાડ્ય (જોડુ) ગેલ (મસતી) કરતુ નદી ના ધુના તરફ હાલ્યુ આવે છે. સાવજ પણ ડાલા મથ્થો. પોણા પોણા હાથ ની ભૂહરી લટું. ઢાલ જેવડી છાતી. કોળીમા આવે એવી કમર. થાળી થાળી જેવડા પંજા. દોઢેક વાંભ લાંબો પુછડાનો ઝંડો ફંગોળતો ને આમળતો આવે. નવેક હાથ લાંબો. આખે અંગે મસ્તી ઢળી ગઈ છે. આપો કહે : “આજે જાનવર બહુ મોટુ આવ્યુ છે. ઢોર ઢાંખરનો ખ્યાલ રાખજો.” ખેડુ માતર ભેગા થઈ રહ્યા.
પાંત્રીસેક હાથ ઊંચા ભેખડ ને પછી વાંસાજાળ ઉંડો ઘુનો. ભેખડ માથે થી સૌ જોઈ રહ્યા. સિંહણ પણ ૠતુમા આવેલી. બેય પોતાની મસ્તી મા હાલ્યા આવે છે. એકબીજાને ઘડીક ચાટે છે તો ઘડીક બચકાં ભરે છે. એમ ગેલ (મસ્તી) કરતા કરતા બેય વોંકળામા આળોટ્યા, પાછાં ઊભા થયા. એમાં સિંહણ ને તરસ લાગી એટલે બેય ધૂનાને કાંઠે આવ્યા. સિંહ પડખે ઉભો છે ને સિંહણ ગોઠણબુડ પાણીમા જઈ ને પાણી પીવા માંડી. આ ઘૂનામા એક વકરેલ ઝૂડ(જળ પરાણી) રહેતુ . અવારનવાર ઢોર ઢાખરને ઉપાડી જઇ શિ કાર કરતુ. એણે પાણીમા સંચળ જોયો ને એકદમ ઊપર આવી સિંહણ ને પગે પોતાના છોટીયા વિંટાળી ને સિંહણ જોર કરે તે પહેલા ઝોંટ મા રીપાણીમા ખેંચી.
સિંહણે બહુ જોર કર્યુ પણ પાણીમા ખેંચાયા પછી એનુ જોર ક્યાથી ચાલે? ઝૂડ સિંહણ ને પાણીમા ખેંચી ગયુ. સિંહણ દેખાતી બંધ થઇ. માથે પાણીના બડબડીયા બોલતાં રહ્યા. આ બધું જોત જોતામા બની ગયુ. સિંહણની વા’ર કરવાની વેળા જ સિંહ ને ન રહી. હજી તો ઘડી પહેલા એકબીજાને અંગ ભીડીને હાલતા હતા એવી પોતાની સિંહણ ને દેખતા દેખત ઝૂડે પાણીમા ખેચી જતા સિંહ ગાંડા જેવો થઇ ગયો. વિકરાળ બન્યો. સિંહણના આવા વસમા વિજોગે માડ્યો હુંકવા.
સિંહ ની ઝનુની ત્રાઢથી સીમ , ખેતર ને ડુંગરા વેદના ના ચિત્કાર પાડી ઉઠ્યા. ગાઉ ગાઉના ઢોર ઢાંખરે મો માથી તરણાં મેલી દીધા ને રુંવાટી થરકવા માંડી. જેમ આવે તેમ માંડ્યા ભાગવા. આપો માત્રો અને માણસો ભેખડ ઊપરથી આ બધુ જોયા કરે છે. એમના કેટલાક તો સિંહ ની ત્રાડથી થડકી ગયા. પણ ૩૫ હાથ જેટલા ઊંચી ભેખડ માથે સિંહ ઠેક મા રીશકે તેમ ન હતુ. એટલે બીકાતા બીકાતા ઊભા રહ્યા. ત્રાડુ પાડી પાડીને સાવજ થાક્યો. પણ એમ ને એમ ખોડાઇ રહ્યો. નથી હાલતો નથી ચાલતો. ઘુંટીબુડ પાણીમા એમને એમ ઉભો છે. આંખમાથી લો હીવરસે છે ને રોમ રોમ ધ્રુજ્યા કરે છે.
આવો ઝનુને ચડેલો સાવઝ શુ કરશે ને શુ નહી કરે એવી બીક થી કેટલાક ધ્રુજે છે પણ હવે શુ થાશે એ જોવાની લાલચ પણ છોડી શકતા નથી. એમ ને એમ સાંજ પડી ત્યા લો હીચૂસીને ઝૂડે મ ડદું છોડી દીધેલુ. એ ઘુનાના પાણી ઉપર તરી વળ્યુ. સિંહણના મ ડદું ને પાણી ઉપર તરતુ જોઈ સિંહ પણ ધ્રુજી ઉઠ્યો. જેમ રડતો હોય તેમ પાછો માંડ્યો ત્રાડુ પાડવા. ધીરે ધીરે ત્રાડુ બંદ પડી. પણ સિંહ એકધારી પાણી ઉપર નજર નોંધી ને ઝુરવા માંડ્યો. અંધારા ઊતરવા માંડ્યા. ગામ લોકો કહે : ” બાપુ ! હવે શુ કરશુ ?”
આપો માત્રો કહે :-“આપણે રાત રોકાવાના વારા કાઢીએ. જનાવર ઝનુને ચડ્યુ છે પણ ચહકશે નહી. એટલે બીકાળવા(બીવા) જેવુ નથી. આપણે આળ્ય કરવી નથી. પણ તાગ લેવો જોઈએ કે આનુ થાશે શું?” એમ ચાર પહોર રાત ગાળવાના વારા ગોઠવાણા. દી ઊગતાં તો ભેખડ માથે માણસ મંડ્યુ ઠલવાવા. જેવો પાણી મા ઉભો એવો ને એવો જ સાવઝ ઉભો ઉભો ઝુર્યા કરે છે. માણસો આવે છે ને જાય છે. પણ ભુખ્યો ને તરસ્યો સાવજ પાણીમા મોઢુય બોળતો નથી. ક્યારેક દુખનો મા રયો ત્રાડુ દુઈ પાછો ઝુર્યા કરે છે. ત્રીજે દિવસે ઝૂડનો આહાર પુરો થયો હશે. સાવજ તો પાણીમાં ઊભો જ હતો. એટલે ઝૂડ આવ્યુ સડડડડ સટ કરીને ઉપર. જેવા સાવજ ને પગે છોટીયા વિટાળ્યા કે રાહ જોઈને સાવધ રહેલા સાવઝે સાચ વાટીને જોર કર્યુ.
ઝૂડે સિંહ ને પાણીમા ખેંચવા અથાહ જોર કર્યુ. પણ બધુ જ બળ વાપરી ને સિંહે પાણી માથી ખેંચી કાઢ્યુ ને બીજા પંજા થી ને મોઢા થી ઘડીના છઠ્ઠા ભાગ મા ઝૂડને સુંથી નાખ્યુ. ધૂનાના કાંઠાની છીપરુ લો હીથી લાલ બંબો બની ગઈ. ભેખડેથી જોનારા ઘણા ભયભીત બની ગયા કે ઝૂડનેમા રીને સાવજ હવે શુ કરશે? ઝૂડને પાણી બહાર ખેંચવા સિંહ ને એટલુ બળ કરવુ પડ્યુ કે એની આંખના બેય રતન નીકળી ગયા હતા. ઝૂડને ચૂ થીના ખવા સુધી તી સિંહ ને વેર ની આગ મા કઇ ન કળાયુ. પણ પાછી વેદના માંડી થવા. એટલે સિંહ ત્યા છીપરા ઊપર જ બેસી રહ્યો.
સિંહ ના વિયોગનુ એ ભયાનક ધીંગાણુ જોયા પછી સિંહ ની આ અસહાય દશા જોતા જોનારાં સૌ કંપી ઊઠ્યા. વન ના રાજા ની આ કરૂણ દશા જોઈ આપો માત્રો દ્રવી ઊઠ્યા ને ભેખડે થી ઉતરવા ડગ માંડ્યા ત્યા ગામ લોકો કહે :- “આપા ! ક્યા હાલ્યા?” આપો કહે :-” આ નરસંગ તો ધીંગાણામા આખ્યુ ખોઈ નાખી. એની દશા તો જુઓ” “પણ આપા! આતો જનાવર છે કઈ માણસ થોડુ છે ” “ભા! જનાવર નો દલગજો તમે જોયો નહિ? પોતાની ધણીયાણી પાછળ ભુખ્યા ને તરસ્યા કોઈ ઝુરી ઝુરીને આવુ ધીંગાણુ ખેલી ને આખ્યુ ખોવે?” “પણ આપણે શુ કરી શકીએ?” “આપણે એની સારવાર કરવી જોઈએ. નહીંતર આપણી માણસાઈ લાજૈ બા !”
” આપા ! આ તો જનાવર છે તમને વેડશે ” “આપણે ક્યા એનુ બૂરૂ કરવુ છે તે વેડે. એના હૈયાતળ આપણી કરતા બો’ળા હોય. ભા!” એમ કેહેતાંક આપા એ નદી કોર ડગ દીધા. માણસો વારતા રહ્યા ને આપો માત્રો તો ભેખડ ઉતરી વેકરામા પહોચ્યા. માત્રાવાળા ધીરે ધીરે હાલ્યા જાય છે ને લોકો ઉંચે શ્વાસે જોઈ રહ્યા. સાવજની નજીક આવતા તો આપા એ ધીરે ધીરે સાવજ ને ભલકારા દેવા માંડ્યા : ” વાહ વનરાજ ! વાહ ગર્ય ના રાજા ! રંગ છે તારી જનેતા ને! શાબાશ! સાદુળા ! સાવજ તો આવાજ હોય છે ને ભા!” કરૂણાભાવથી છલકાતા આપા માત્રાના ભલકારા સાવજ જાણે ઝીલતો હોય એમ અંગમા ધીરી ધીરી ધ્રુજારી થી રૂવાંટી ફરકવા માંડી.
પોતાની અસહાયતાનો આધાર મળ્યો હોય તેમ પૂછ હલાવવા માંડ્યો. આપો માત્રો ભલકારી દેતા દેતા આગળ ડગ માંડતા ઝાય છે . ‘ રંગ સાદુળા! રંગ શૂરવિર! બહુ બળ કરવો પડ્યો ભા ?!’ને જેમ સાવજ આપાની વાત સમજતો હોય એમ વેદના નો અવાજ કાઢ્યો “આ….ઊં…. હ… આ…. .ઊં ……હ…..” ત્યા સૂધી આપો માત્રો સાવજ સુધી પહોચી ગયા. ને પોતાની વાલેસરીને માથે હાથ ફેરવતા હોય એમ સિંહ ના માથે હાથ ફેરવવા માંડ્યા. ભેખડ ની ધકે ઊભેલાઓ ને ધ્રુજારી વછૂટી ગઈ. સિંહ ને કાંઈ સુઝતુ તો નથી પણ આપાએ પંપાળતા ઘડીક ઘૂરકી જેવુ કર્યુ. પણ પંપાળવાનુ મિઠુ લાગતા આપાને વશ થઈ રહ્યા.
આપા ધીરે ધીરે આખા ડીલે હાથ ફેરવવા માંડ્યા. ત્રણ દી નો ભુખ્યો થાકેલો ને વેદના થી પીડાતો સાવઝ ધીરે ધીરે શરીર ઢીલુ મૂકતો ગયો. સિંહ આપાના પ્રેમને વશ થઈ રહેતા આપા કહે ; ” બહુ બળ દાખવ્યુ નરસંગ ઝૂડને તો ઠેકાણે પાડ્યુ પણ હવે આખ્યુ નો ઈલાજ કરશુ ને મારા સાદુળા. જોજો ઝઝકી ન જતા. દવા તો કરવી જ જોહે ને. ઈલાજ કરશુ એટલે સોળ કળા ના થઈ રે’શો ” આપા ઔષધ ના જાણકાર હતા. સાવઝને કહે : એમ ને એમ બેઠા રેજો હમણા અથર્યા થાતા નહી. સામી ઝાડી માથી ઔષધ લેતો આવુ.” સિંહ તો ડિલ લંબાવી ને પડ્યો છે.
આપા તરત સામેની ઝાડી માથી જરૂરી પાંદડા તોડી આવ્યા. ત્યા સુધી બીજા માણસોને પણ હીમ્મત આવો ગયેલી. થોડાક આપા ને મદદ કરવા લાગ્યા. લીસી છીપર ઊપર પાંદડા વટાવીને બે લુગદી બનાવી. પોતાની પાઘડી માથી સાવજની આંખે બંધાય એવડો લીરો ફાડ્યો. એ લીરા મા બેય લુગદી સરખી બાંધી દીધી. આપો સાવજ ને કહે :” હવે ખરા કઠણ થાજો. થોડુક વહમુ લાગશે પણ તમ જેવા લોઠકાં ને તો ઇ કાઇ ન કે’વાય. શાબાશ ભા!” એમ કહી હળવે હળવે સાવજના બેય રતન આખના ગોખલા મે બેસાડી દીધા.
સાવઝથી થોડીક વેદનાની હુંક નીકળી ગઈ. ત્યા તો વનસ્પતિ ની બેય લુગદી રતન માથે ગોઠવી પાટો બાંધી દીધો. સાવઝને વસમુ તો લાગ્યુ પણ સમજી ગયો કે પોતાના ભલા સારૂ આપો બધુ કરી રહ્યા છે. આપાએ અડાયા છાણા મંગાવી ધીરે ધીરે શેક પણ આપ્યો . સાવઝ હવે આપા માત્રાનાં વેણ સમજતો હોય એમ અકથ્ય ભાવથી આપાના બોલે પળવા માંડ્યો. આપા સાવઝ ને કહેઃ “નરસંગ !” હવે તમને સુઝે નહિ ત્યા સુધી આંઇ થોડું પડ્યુ રેવાશે? આઇં ચાકરી કેવી રીતે થાય? એટલે હાલો ઘેર. અમારા મે’માન થાવું પડશે.” એટલુ કહિને આપાએ માથે હાથ ફેરવી ને કાન પકડ્યો ત્યાં સાવઝ બેઠો થઇ ગયો.
ગામેડાને તો જોણું થયુ. આપા માત્રા સાવજ ને દોરી આગળ હાલે છે, થોડે છેટે આખું ગામ અચરજ માં હાલ્યું આવે છે. બપોરે ચડી ગયેલા સાવજ ની ધ્રાણે ઢોરે કે ડા મે લી દિધા. ગામમાં વાડે પૂરેલા વાછરું ધ્રૂજી ઊઠ્યા. આપો માત્રો સાવઝને દોરીને પોતાના ગઢમાં લાવ્યા, ઓરડા ની પાછલી ઓસરીએ આવી ઊભા. દીકરી સોમાબાઇ કહેઃ “બાપુ ! આ શુ? આ તો સાવઝ છે!” ‘હા બેટા! નરસંગ આપણે ઘેર મે’માન થ્યા છે, એના સારુ ધડકી પાથરો ને મારો ઢોલિયો એની પડખે જ ઢળાવો.’ આપાએ પોતાની પાટીના ભરવાડું ને બોલાવ્યા કહે કેઃ “ગોકળી!” નરસંગ આપણે ત્યાં મે’માન છે. બીજુ તો એને નો સદે, પણ પડદે રહે ત્યા સુધી એનો આહાર વારાફરતી ઘેટાં-બકરાં આપતો જજો.”
આમ આપો માત્રો સાવઝ ની સરભરા કરવા માંડ્યા. વખત મળે એટલે સાવઝ સાથે વાતું કરતા જાય. પ્રેમ થી અંગે હાથ ફેરવ પંપાળતા જાય. સાવઝ ની પીડા ઓછી થવા માંડી છે, પણ ઘડીક આપા માત્રા આઘાપાછા થાય ત્યાં તો સાવઝ ને અડવું અડવું લાગે છે. આપા આવતાં સિંહ ને અંગે અંગ નેહ નીતરવા માંડે છે, આપા નો હાથ ચાટીને નિરાંત અનુભવે છે. આઠમે દીએ આપા માત્રા એ પાટો છોડ્યો ત્યારે સાવઝે પોતાના જીવનદાતાને પ્રથમ જોયા ને પગમાં આળોટી પડ્યો. પગ ચાટી ને આભારની ધીમી ઘુરકાટી કરવા લાગ્યો. આપાએ પીઠ થાબડી સાવઝ ને શાંત કર્યો. બીજા આઠેક દી થયા ત્યાં તો સાવઝ સોળ કળાનો થઇ રહ્યો.
ત્યારે આપા કહેઃ “બાપ નરસંગ!” હવે તમે સાવ સાજાનરવા થઇ ગ્યા. હવે વસતી ને ન કનડાય, હવે તમારું ખાજ તમે જ ગોતી લ્યો. સાવઝ તો સીમ જંગલમાં જ શોભે ને!” તે દી સાવઝને મા રણ ન આપતાં સાવઝ સમજી ગયો. ઓસરી સામેની વંડી ટપી ને સીમ માં હાલ્યો ગયો. પણ મા રણ કરી ને પાછો વંડી ટપી ઓસરીમાં પોતાના આસને આવી બેસી ગયો. સિંહ મિત્ર બની ગયો છે. મા રણ કરવા વગડામાં જાય એ સિવાય ઘડીકેય આપા પાસે થી ખસતો નથી. આપાનેય સાવઝ નો સ્નેહ બંધાઇ ગયો કે સાવઝ વગર સોરવતું નથી. આપો સાવઝ ને બથ માં લઇ રમાડે છે.
મોણપરીના માણસોની જેમ ઢોરઢાંખર પણ સાવઝ થી ટેવાઇ ગયા છે. સાવઝ મોણપરી ની હદમાં કોઇ વાછરુંનુય નામ લેતો નથી ગામની ગાયુ કરતાંય સોજો થઇને વર્તે છે. સવાર પડ્યે સાવઝ આપા માત્રા હારે સીમમાં આટોં દેવા જાય છે. ભૂખ્યો થાય ત્યારે વગડાં મા આંટો મા રી આવે છે. બાકી ઘડીકેય આપાને રેઢા મુકતો નથી. આપા માત્રાની ને સાવઝની ભાઇબંધાઇ જગનું જોણુ બન્યું છે. આપા માત્રા ને સાવઝનાં રખવાળા મળતા ભાગદારું ના પેટમાં કડકડતાં તેલ રેડાણાં. આપા ભાગદારું ના લાગમાં આવે એમ નહોતાં. એમાં વળી સાવઝ આવી મળ્યો. પણ દીના દુકાળ પડતા નથી.
સાવઝ ગામમાં કોઇ ને કનડતો નથી અને બીજા ઢોરઢાંખર જેવી જ એની આવજા થઇ ગઇ છે. આપા માત્રા હારે ફરી ભાગદારો ને ચડભડાટ શરૂ થયો. ક્યારેક તકરાર ગંભીર રૂપ લઇ લેતી. હવે ભાગદારો આપા નુ કાસળ કાઢી નાખવા લાગ ગોતી રહ્યા છે. સાવઝ હવે દિવસ બધો આપા હારે જ રહે છે. ભૂખ્યો થાય ત્યારે રાતના મા રણ કરવા વનવગડામાં વહ્યો જાય છે ને તરત વંડી ટપી પાછલી ઓસરીએ આવી આપા ના ઢોલીયા પાસે બેસી જાય.
ભાગદારૂ આપાની પાકી ખરખબર મેળવી રહ્યા છે. એમને ખબર પડી કે સાવઝ રાતના મા રણ કરવા જાય છે ત્યારે આપા એકલા ઉંઘતા હોય છે. એવો લાગ શોધતા શોધતા એક દી સાવઝ રાત ના વગડામાં મા રણ કરવા ગયેલો જોયો. એટલે વખત જોઇ હથિ આર લઇ પાંચ જણા વંડીએ થી ઉતરી ને ઓસરીનાં પગથિયાં તરફ ધીમે પગલે જાય છે. આપો ભરનીંદર ખેંચે છે. સાવઝનાં રખોપા મળ્યા પછી આપા સખ ની નીંદર ખેંચે છે. એક બાજુ દુશ્મનો આપા ઉપર ઘા કરવાની તૈયારી માં, ત્યા વહેલું મા રણ મળી આવતાં સાવઝ જે ઘોડી એ વંડી ઠેકીને અંદર આવ્યો ત્યાં આપા માથે ચાર-પાંચ આદમી ને ભાળ્યા. પણ ઇ ભાળ્યા ભેગો જ કૂધ્યો.
સિંહને અચાનક ચઢી આવતા જોઇ દુશ્મનો હેબતાઇ ગયા. ભાગવાની વેળા ન રહી ને સાવઝ માંડ્યો થાપે થાપે દુશ્મનો ને ચૂંથવા. એમાંથી બે’ક વંડી ટપી ભાગી છુટ્યા, પણ ત્રણનાં તો ચૂંથા કાઢી નાખ્યા. આપો સફાળા બેઠા થયા ને રંગ પારખી ગયા. સાવઝ એવો ખારો થઇ ગયેલો કે વાળ્યો વળે એવો ન રહ્યો. માંડ્યો હૂંકવા. આપા ઉભા થઇ ને સાવઝ ને પંપાળવા માંડ્યા, સાવઝ ની ત્રાડુ થી ગામ ગભરાઇ ગયું. ધોર ખીલે થી વછુટી ગયા. મધરાતે ગામ માં ગોકીરો થઇ ગયો. માણસો ભૈ ના મા ર્યાઆપા ની ડેલીએ આવતાં ડરે છે. ઘરમાંથી અને શેરિંયુ ના નાકે થી ડોકાં તાણ્યા કરે છે કે ક્યું આભ ફાટ્યું? એમ કરતાં કરતાં સવાર પડી આપા એ સાવઝને શાંત પાડી દીધેલો.
સામાવાળા ની સાન ઠેકાણે આવી ગયેલી, પણ પોતાના સગાવહાલાં ની લાશું શી રીતે મેળવવી? સાવઝ લાશું સામે થી ખસતો નથી. સામાવાળા તો ગઢમાં પગ મૂકવાની હિમંત પણ શ્યે કરે? છેવટે ત્રાહિત માણસો મારફત કહેવરાવ્યું, આપા એ જાણ્યુ કે સાવઝ કોઇ ની લાશ લેવા નહિ દ્યે, એટલે પોતે ઘોડે ચડીને સીમમાં ચાલ્યા. સાવઝ પણ તરત સાથે ચાલ્યો. એ પછી જ સામાવાળા લાશું લઇ જઇ શક્યા. પણ આપાનું નામ લેતાં ભૂલી ગયેલાં. જે બે જણા ભાગી છુટેલા એ સાવઝ ના ઓછાયા થી પણ આઘા રહેતા. વખતે ગંધે ગંધે સાવઝ ફાડી નાખે તો! આમ આપા માત્રાને અને સિંહ ને ઘણાં વરસ સુધી ભાઇબંધી રહી.
કાળ જાય ને કહેણી રહિ જાય છે. ઉમર પાકતા આપાનેય કાળ નુ તેડુ આવ્યુ. પોતે બીમાર થઇ ને ખાટલે પડ્યા છે. સાવઝ પણ મા રણ કરવાનુ છોડી દઇ ને આપાના ખાટલા પાસે થી ખસતો નથી. નથી ખાતો, નથી પીતો. ઘડીક આપા સામું જોઇને આંખ્યુ ઢાળી ને બેસી રહે છે. આપા માત્રો ખાટલે પડ્યા પડ્યા સાવઝ ને સમજાવે છે કેઃ બાપ શાદુળા! તમ થી આમ ઝૂરી ઝૂરી ને દખી નો થવાય” જનમ ધર્યો એને જમનાં તેડા આવે જ મારા કેસરી! આ અવતારે ખૂબ મજો કરી. હવે આવતે અવતારે ફરી પાછા ભેળા થઇ ને મોજું લેશું, મારા સાવઝ! પણ જોજો મારા પછવાડે કોઇ ને કનડગત કરી ને મારુમો ત ન બગાડતા! તમે તો નરસંગરૂપ છો.”
આપા માત્રનાં વેણ સાંભળીને સાવઝની આંખમાંથી ટપ ટપ ટપ આંસુ ખરી રહ્યાં છે. મૂંગી વેદના. વાચા નથી, પણ ધીરું ધીરું ઘૂરકી ને પોતાની વેદના ઠાલવી રહ્યો છે. સાવઝ ના કણસાટ થી આપાનું હૈયુ વલોવાયા કરે છે ને સાવઝનુ હૈયુ આંખે આવી ને શ્રાવણનાં નોવાં ની જેમ ચૂવે છે. એ દિવસ આવી લાગ્યો. એક હાથ સાવઝ ને માથે રાખી આપો માત્રો આ લોક છોડી ગયા. પોકરાણ પડ્યુ ત્યારે મોટે સાદે રોતો હોય એમ સાવઝ હૂકવા માંડ્યો. પહેલાં તો ઘરના માણસોઅને લાગ્યું કે આપા ના શબ ને સાવઝ નહિ અડવા દ્યે. પણ સાવઝ સમજી ગયો હતો કે એના ભેરુબંધના દેહ માં ચેતના નથી. સાવઝ એમને એમ ધરતી ને ચોંટી રહ્યો. જાણે ધરતી માં ગળી જાવું હોય તેમ!
સાવઝ જેવા પ્રાણી ને આવું રાંક ને રોતાં કોણે ભાળ્યું હોય? સાવઝના રોણાએ આખા ગામને રોવરાવ્યું. આપાની નનામીને સ્મશાને લઇ ગયા. સાવઝ પણ સૌની ભેળો કોથળાની જેમ ઢસરડાતો સ્મશાને ગયો. ચેહ ખડકાણી, દેન દેવાણી. સાવઝ આંખમાંથી આંસુડાં ઝેરતો જોયા કરે છે. દહનક્રિયા પૂરી થતાં લોકો ગામમાં પાછા ફર્યા, ત્યારે સાવઝ જરખ ની જેમ ઢસરડાતો ધીમે ધીમે વગડા તરફ ડગ દઇ રહ્યો હતો. એ પછી કદી કોઇએ એને ભાળ્યો નહી.
– સાભાર નિમિષ વાળા (અમર કથાઓ ગ્રુપ)