કો અવધૂત શો ગિરનાર બેઠો છે. તેની જટા જેમ પ્રદેશનાં પશ્ચિમી જંગલોને લોકોએ નામ આપ્યું છે, ગીર. સદીઓ જૂના આ પ્રદેશમાં વસતી માલધારી કોમના અત્યારે 129 જેટલા નેસડા છે. હંમેશને માટે તેમને કાળના મુખમાં રહેવાનું છતાં પણ જાણ્યો કે અજાણ્યો ડર ન મળે ! સાવજના ઘુઘવાટા ને દીપડાની લુચ્ચાઈ સાથે તેમણે આજીવન ઝઝૂમવું પડે છે. ક્યારે શું બને તે કહેવું મુશ્કેલ ગણાય.
આવા બહાદુર માલધારીઓના જીવનની અનેક વાતો છે.
કરમના દાધિયા નામનો સાતેક ઝૂંપડાનો એક નેસ. આયર અને કાઠી કોમના માલધારીઓ કુટુંબની જેમ રહે. પ્રાગડ ફૂટે માલધારીઓ ભેંહુ ( ભેંસો ) અને બીજા માલ ( ઢોર ) ને લઈ ચરાવવાને ઊપડી જાય છે . સ્ત્રીવર્ગ ઘેર રહે. પાંચસો ભેંહુનાં મેળવેલ દૂધના દહીંને વલોવવા એ નાજુક પણ મજબૂત હાથો કામે લાગી જાય .
સાંજ પડ્યું ખૂટતું બળતણ વીણવા ગીરમાં નીકળી પડે . કોઈ શહેરી સ્ત્રી શૉપિંગ સેન્ટર પર ખરીદી કરવા નીકળે તેમ !
આવી આધેડ ઉંમરની એક બાઈ એક સાંજે કરગઠિયાં વીણવા નીકળી , હારે ચારેક વરહનું બાળક.
માતા તો સૂકાં લાકડાં વીણતી – વીણતી આગળ નીકળી ગઈ.
પેલું બાળક ધીમે – ધીમું ફૂલડાં ચૂંટતું માની પાછળ – પાછળ જતું હતું . એટલામાં તેની નજર સામેની ભેખડના પથ્થર પર પડી . ત્યાં કંઈક ગલૂડિયા જેવું ઉં … ઉ … કરતું હતું હતું.
બાળકને રસ પડી ગયો . તે પાછળની બાજુથી ભેખડ પર ચડી પેલામા સના લોચા જેવા નવજાત શિશુને જોવા લાગ્યું.
બચ્યું તેના નાના પગ વડે ભેખડ ઊતરવા કોશિશ કરતું હતું , પરંતુ ઊતરાતું નહિ , તેથી વિચિત્ર અવાજ કરતું હતું.
બંને એકબીજાં સામું આંખ પરોવી જોઈ રહ્યાં . ક્ષણમાં દોસ્તી બંધાઈ ગઈ. પેલા માલધારીના બાળકે તેને વહાલપૂર્વક ગોદમાં તેડી લીધું . પોતાના નવા દોસ્તને વહાલથી હાથ ફેરવતો નેસ ભણી જવા લાગ્યો.
નવા દોસ્ત સાથે ભોળો શિશુ કાલી બોલીમાં વાત કરતો હતો, પરંતુ ત્યાં જ પાછળ ડણક સંભળાણી.
માલધારી સ્ત્રી ચોંકી ઊઠી ! તેને પોતાની સાથે આવેલ બાળકનું ઓસાણ આવ્યું . તેનો જીવ અડધો થઈ ગયો . કરગઠિયાને પડતાં મૂકી એણે દોટ મૂકી …
પોતાના હૃદય ટુકડાને રેઢો મૂકવા બદલ મનોમન પસ્તાવો કરતી હાંફળીફાંફળી દોડી.
પરંતુ કાંટ વટાવી જ્યાં ભેખડ પાસે આવી , ત્યાં તો એણે સામેનું દૃશ્ય જોયું … તે જોઈને તેને આંખે ચક્કર આવી ગયા. ધરતી ગોળ – ગોળ ફરતી લાગી. પોતાનું અસ્તિત્વ ભુલાતું લાગ્યું.
વાત એમ હતી કે , ભેખડની બખોલમાં સિંહણે બચ્ચાંને આગલા દિવસે જન્મ આપ્યો હશે , એટલે બે બચ્ચાં બોડમાં હતાં. એમાંનું એક બહાર નીકળી આવેલું.
સિંહણ મા રણની તપાસમાં નજીક ગયેલી તેની પાછળ – પાછળ … પરંતુ માનવબાળની ગંધથી સિંહણ તુરત જ પોતાની બોડ તરફ પોતાના વહાલસોયાના રક્ષણ માટે દોડી આવેલી.
જ્યારે પોતાના શિશુને પેલો બાળક ઉઠાવી જતો જોયો , એટલે તેણે દૂરથી જ ત્રાડ નાંખી હતી . આ બાજુ પેલા માલધારી શિશુની માતા તેના બાળકના રક્ષણ માટે દોડી હતી.
વચ્ચે બે ભૂલકાં એક પશુદેહધારી , એક માનવદેહધારી ! કુદરતની કેવી બલિહારી !
માલધારી સ્ત્રીએ દૂર રહ્યે – રહ્યે પોતાના બાળકને બગલમાં રહેલ સિંહબાળને છોડી દેવા બૂમ પાડી. ” છોડી દે .. છોડી દે .. બેટા . છોડી દે … ”
પણ બાળક હાથ આવેલું આવું અદ્ભુત રમકડું કેમ કરી છોડે ? ..
માનો જીવ તાળવે ચોંટ્યો . પાછળ ઘુરકાટ કરતી સિંહણ સાવ નજીક આવી ગઈ હતી.
કોણ જાણે ક્ષણમાં શું બનશે ?
માનવસ્ત્રીએ પોતાના બચ્ચાને પટાવતાં છેલ્લી વિનંતી કરતાં જાણે કે ચીસ પાડી. ” છોડી મૂક .. બેટા , મૂકી દે. ”
સિંહણ પણ બાળકની ફક્ત સાત ફૂટ દૂર પાછળ – પાછળ ચાલી આવતી ઘુરકાટ કરતી હતી.
તેની આંખોમાં અજબ પરિવર્તન આવી રહ્યું હતું.
માલધારી બાળકે સિંહ – શિશુને પડતું મેલ્યું .
દોડીને માની ગોદમાં ભરાઈ ગયું.
આ બાજુ પેલું સિંહ – શિશુ પણ દોડતું માની ગોદમાં ચાલ્યું ગયું . સામસામે બે માતાઓ અને વચ્ચે તેમનાં બે શિશુઓ !
ઘડી બે ઘડી બંને માતાઓએ આંખ મિલાવી .
માલધારી સ્ત્રી પાછાપગે ચાલી ઘેર …. તેને પોતાના નેસમાં … રહેઠાણમાં જવું હતું ,
જ્યારે સિંહણને તેના જંગલમાં પોતાની બોડમાં જવું હતું .
બંને માતાઓ પોતાનાં શિશુને લઈ ચાલી ગઈ . તેમનાં ખોળિયાં જુદાં જુદાં હતાં , પરંતુ શિશુ પ્રત્યેની મમતા અને પ્રેમમાં કશો જ ભેદ નહોતો.
“માનવ હોય કે પશુ – માતૃહૃદય તો સૌનાં સરખાં !”
– કનૈયાલાલ રામાનુજ
સાભાર રાધા પટેલ (અમર કથાઓ ગ્રુપ)