મત્સ્યેન્દ્રનાથ અને ગોરખનાથની અદ્ભુત યોગસિદ્ધિઓ વિષે વાંચીને તમે આશ્ચર્યચકિત થઈ જશો.

0
1449

પૂર્વ મધ્ય યુગમાં શૈવ ધર્મ નવા રૂપે અને નવા આયામમાં વિકસિત થઈ રહ્યો હતો જેને કાળાંતરે નાથ-સંપ્રદાય અથવા નાથ-પંથ અથવા હઠયોગ અને સહજયાન સિદ્ધિ કહેવાયો. મહાન ચમત્કારિક, રહસ્યમય ગુરુ, નાથ સંપ્રદાયના પ્રવર્તક, સિદ્ધ મહાયોગી ગોરખનાથને ગોરક્ષનાથ પણ કહેવામાં આવે છે. એમના નામ પરથી જ એક શહેરનું નામ ‘ગોરખ પુર’ અને એક જાતિનું નામ ‘ગોરખા’ પડયું છે. ગોરખપુરમાં જ ગુરુ ગોરખનાથનું સમાધિસ્થળ છે.

નાથ સંપ્રદાયના સંતો એમને સત્યયુગ, દ્વાપર, ત્રેતા અને કલિયુગ એ ચારેય યુગમાં પ્રવર્તમાન માને છે. કેટલાક એમને હજારો વર્ષના આયુષ્યવાળા માને છે. જો કે મોટાભાગના લેખક, સંશોધક એમને ૧૧ કે ૧૨મી શતાબ્દીના માને છે. ગોરખનાથજીએ નેપાળ અને ભારતની સીમા પર પ્રસિદ્ધ શક્તિપીઠ દેવીપાતનમાં તપશ્ચર્યા કરી હતી. એ જ સ્થળે પાટેશ્વરી શક્તિ પીઠની સ્થાપના થઈ. ભારતના ગોરખપુરમાં ગોરખનાથનું એક માત્ર પ્રસિદ્ધ મંદિર છે.

મરાઠી ભાષામાં લખાયેલ ‘નવનાથ ભક્તિસાર’માં એમના જન્મ સંબંધી એક ચમત્કારિક ઘટનાનો ઉલ્લેખ છે જે ખૂબ જાણીતી છે. આ ઘટના રાયબરેલી જિલ્લાના જાયસ નામના કસબામાં બની હતી. ‘અલખ નિરંજન, ભિક્ષાન્દેહિ ભગવતી’ સંભળાતા ગૃહિણી ભિક્ષા લઈને બહાર આવી. એના ચહેરાની ઉદાસી જોઈ સંન્યાસીએ એનું કારણ પૂછ્યું.

બાજુમાં રહેતી એની પડોસણે કહ્યું – ‘લગ્નને અનેક વર્ષ વીતી ગયા પણ એને ત્યાં હજુ કોઈ સંતાન નથી એટલે તે દુ:ખી છે.’ સંન્યાસીએ એમના થેલામાંથી ભભૂતિ (ભસ્મ) કાઢી અને તેને આપતાં કહ્યું – ‘બેટી, ચિંતા ન કરીશ. આ ભભૂતિ ખાઈ લેજે. ભગવાન શિવની કૃપાથી તારે ત્યાં એક તેજસ્વી, યોગી અને મહાન પુત્રનો જન્મ થશે જેની વિશ્વભરમાં ખ્યાતિ થશે.’ એને ભભૂતિ આપી એ સંન્યાસી ચાલ્યા ગયા.

હાથમાં ભભૂતિ લઈને ઊભી રહેલી એ ગૃહિણીને પેલી પડોસણે કહ્યું – ‘ભિક્ષા લેવા આવનાર સાધુ-મહાત્માની ભભૂતિથી થોડા સંતાનની માતા બનાય? એ તો ઈશ્વરની કૃપા હોય તો જ સંભવ બને.’ એની વાત સાંભળી તે ગૃહિણીએ ઘરની પાછળ આવેલા ગોબર ભરેલા ખાડામાં તે ભભૂતિ નાંખી દીધી.

બાર વર્ષ પછી તે મહાત્મા ફરી તેના ઘરની સામે આવીને ઊભા રહ્યા અને ભિક્ષાની ટહેલ નાંખી. તે ગૃહિણી બારણે આવી એટલે તેમણે તેને કહ્યું – ‘બેટી, તારા પુત્રને લઈ આવ.’ તેણે કહ્યું – ‘સ્વામીજી, મારે હજુ કોઈ પુત્ર નથી.’ મહાત્માએ કહ્યું – સંભવ નથી કે ન હોય. મેં તને બાર વર્ષ પહેલાં આ જ જગ્યાએ મંત્રોચ્ચાર કરીને ભભૂતિ આપી હતી ને! પેલી ગૃહિણીએ કહ્યું – ‘હા, આપી તો હતી.

પણ મેં પડોસી સ્ત્રીના કહેવાથી ખાધી નહોતી.’ મહાત્માએ તેને પૂછ્યું – તે પછી તેં એનું શું કર્યું હતું? તેણે જણાવ્યું – ‘મેં તો તેને ઘરની પાછળ ગોબર ભરેલા ખાડામાં ફેંકી દીધી હતી. મહાત્માએ તેને પોતાને ત્યાં લઈ જવા કહ્યું. તે ગૃહિણી સાથે તે ઘરની પાછળ આવેલા એ ગોબર ભરેલા ખાડા પાસે આવ્યા અને મંત્રોચ્ચાર કરી બોલ્યા – ‘અલખ નિરંજન.” એ ધ્વનિ સાંભળતા જ એ ખાડામાંથી બાર વર્ષનો, ગૌર વર્ણનો, વિશાળ લલાટ ધરાવતો તેજસ્વી કુમાર પ્રકટ થયો અને એમની પાસે જઈને ઊભો રહ્યો.

મહિલાના વિસ્મયનો પાર ન રહ્યો તે અવાચક બની, સ્તબ્ધ થઈને ઊભી રહી હતી ત્યાં જ એ મહાત્મા અને બાળક ત્યાંથી અંતર્ધાન થઈ ગયા. એ સંન્યાસી મહાત્મા હતા યોગિરાજ મત્સ્યેન્દ્રનાથ અને બાળક રૂપે પ્રકટ થયા તે હતા ગોરખનાથ! ગોબરમાંથી પ્રકટ થયા હોવાથી એમનું નામ મત્સ્યેન્દ્રનાથે રાખ્યું – ગૌરક્ષનાથ. એ તળપદી ભાષામાં બન્યું ગોરખનાથ.

પૂર્વ મધ્ય યુગમાં શૈવ ધર્મ નવા રૂપે અને નવા આયામમાં વિકસિત થઈ રહ્યો હતો જેને કાળાંતરે નાથ-સંપ્રદાય અથવા નાથ-પંથ અથવા હઠયોગ અને સહજયાન સિદ્ધિ કહેવાયો. આ સંપ્રદાયમાં નવ નાથોને દિવ્ય પુરુષોના રૂપમાં માનવામાં આવ્યા છે. એના પ્રથમ નાથ ભગવાન શિવ સ્વયં છે. દસમી સદીના ઉત્તરાર્ધમાં મત્સ્યેન્દ્રનાથ અથવા મછંદરનાથે આ સંપ્રદાયનો પ્રચાર કર્યો. તેમનો જન્મ બંગાળના એક માછીમાર કુટુંબમાં થયો હતો.

તેમણે બંગાળ, આસામ વગેરે જુદા જુદા સ્થળોની યાત્રા કરી તે પછી ‘યોગિની કૌલ’ નામના નવા સિદ્ધાંતનું પ્રતિપાદન કર્યું હતું. કૌલજ્ઞાાન નિર્ણય અને ‘અકુલવીર તંત્ર’ નામના એમના ગ્રંથોમાં એમણે ‘યોગિની કૌલ’ સિદ્ધાંતની વિસ્તૃત ચર્ચા કરી છે. આ સિદ્ધાંત પ્રમાણે શિવનું નામ ‘અકુલ’ છે અને શક્તિનું નામ ‘કુલ’ છે. બન્ને અન્યોન્ય આશ્રિત છે. એ બન્નેના સંયોગથી સૃષ્ટિ ઉદ્ભવે છે.

મત્સ્યેન્દ્રનાથની આ સાધના વજ્રયાની બૌદ્ધોની સાધના સાથે સામ્ય ધરાવે છે એટલે મત્સ્યેન્દ્રનાથને ‘અવલોકિતેશ્વર’ના અવતાર રૂપે પણ સ્વીકારવામાં આવ્યા છે અને તિબેટમાં એમને સિદ્ધ લુઇપાદ રૂપે માનવામાં આવ્યા છે. ગુરુ મત્સ્યેન્દ્ર નાથે (મછંદરનાથે) એમના શિષ્ય મહાયોગી ગોરખનાથને હઠયોગનું ગહન જ્ઞાાન આપ્યું હતું.

યોગમાર્ગ, ગોરક્ષ સિદ્ધાંત સંગ્રહ જેવા ગ્રંથોમાં ગોરક્ષનાથે એમના સિદ્ધાંતોનું પ્રતિપાદન કર્યું છે. એમના જણાવ્યા પ્રમાણે ‘શિવ’ જ પરમ તત્વ છે. જ્યારે એમની ઈચ્છા થાય છે ત્યારે તે ‘શક્તિ’ના રૂપમાં પરિવર્તિત થઈ જાય છે. શક્તિની પાંચ સ્થિતિઓ છે : ૧ નિજા. તે પરમ શિવમાં લીન રહે છે. ૨. પરા – તેનામાં પ્રત્યક્ષ થવાની કલા છે. ૩. અપરા. તે અભિવ્યક્તિની સ્થિતિ છે. ૪. સૂક્ષ્મા. તે અભિમાનના ઉદયની અવસ્થા છે. ૫. કુણ્ડલી તે અભિમાનની ચેતનાની ક્રિયાની સ્થિતિ છે. એ રીતે શિવના પણ પાંચ સ્વરૂપ છે – ૧ અપર ૨ પરમ ૩ શૂન્ય ૪ નિરંજન ૫. પરમાત્મા.

ગોરખબાનીના પદ સાડત્રીસમાં ગોરખનાથજી પોતાના વિશે કહે છે – ”આદિનાથ નાતી મછીન્દ્રનાથ પૂતા । નિજ તત નિહારૈ ગૌરક્ષ અવધૂતા ।।” હું આદિનાથ (શિવ)નો જ્ઞાાતિજન અને મત્સ્યેન્દ્રનાથનો પુત્ર છું. મારા પિતાએ મારું નામ ગૌરક્ષ અવધૂત પાડેલું છે.’ ગોરખનાથજીએ કબીરદાસની જેમ એમના ગ્રંથોમાં ‘ઊલટી બાની’ પણ આલેખેલી છે. ગોરખનાથ મહાન યોગી અને શૈવ ધર્મના શ્રેષ્ઠ પ્રચારક પણ હતા. તેમણે હઠયોગના અઘરા આસનો સિદ્ધ કર્યા હતા અને વિવિધ યોગસિદ્ધિઓ પણ મેળવી હતી.

એકવાર સિદ્ધયોગી ગોરખનાથ એક બકુલવૃક્ષની નીચે ધ્યાનમાં બેઠેલા હતા એ વખતે આકાશ માર્ગથી સિદ્ધ કૃષ્ણપાદ જઈ રહ્યા હતા. એમની નજર ગોરખનાથ પર પડી. ગોરખનાથે એમના યોગબળથી સિદ્ધ યોગપાદને નીચે ઉતાર્યા. બન્ને સિદ્ધોએ એકબીજાનું અભિવાદન કર્યું. યોગપાદે ગોરખનાથને કહ્યું – ‘તમે અહીં ધ્યાન લગાવીને બેઠા છો અને ત્યાં કદલી દેશ (સિંહલ દેશ)માં તમારા ગુરુ સોળસો સેવિકાઓથી સેવા કરાતા મહારાણી કમલા અને મંગલા સાથે વનમાં વિહાર કરી રહ્યા છે.

તે મહાજ્ઞાાનને ભૂલી આત્મ-સ્વરૂપનું અનુસંધાન છોડી કામના આવેશથી સ્ત્રી-સંગમાં ગળાડૂબ ડૂબી ગયા છે. એમના આયુષ્યના માત્ર ત્રણ દિવસ જ બાકી રહ્યા છે.’ યોગિરાજ ગોરખનાથે પણ એમને કહ્યું – તમારા ગુરુ આનાથી પણ વધારે ખરાબ હાલતમાં છે. ગૌડ પ્રદેશના રાજા ગોપીચંદે એમને માટીમાં દાટી દીધા છે. બન્ને પોતાના ગુરુને બચાવવા પોતાના ગંતવ્ય સ્થાને પહોંચી ગયા.

ગોરખનાથની સાથે લંગ અને મહાલંગ નામના બે શિષ્યો પણ ગયા હતા. ત્રણેય બ્રાહ્મણ વેશમાં કદલીવનમાં આવ્યા. મહેલની એક દાસીએ ગોરખનાથને જણાવ્યું કે મત્સ્યેન્દ્રનાથ મહારાણી કમલા અને મંગલા સાથે મહેલમાં જ છે પણ મહેલમાં અન્ય કોઈ પુરુષના પ્રવેશ પર પ્રતિબંધ છે. એ સમયે એક નર્તકી મહેલમાં જઈ રહી હતી.

ગોરખનાથે પણ નર્તકીનું રૂપ ધારણ કરી લીધું અને તે નૃત્યસભામાં પહોંચી ગયા. પોતાના યોગબળથી મૃદંગમાંથી ધ્વનિ પ્રકટ કરી કહેવા લાગ્યા – ‘ચેત મછંદર ગોરખ આયા.’ મૃદંગના માધ્યમથી તેમણે ગુરુ મત્સ્યેન્દ્રનાથને સૂચન કર્યું કે હું ગોરખનાથ અહીં આવ્યો છું. તમે નારીઓની મોહજાળમાં કેમ ફસાયા? તમારા કામ-વિકારને છોડી દો. જાગૃત થાઓ, સચેત બનો, તમારા અસલ સ્વરૂપ અને સ્વભાવને ફરી પ્રાપ્ત કરો.’ ગોરખનાથની વાણી સાંભળી મત્સ્યેન્દ્રનાથને હોશ આવી ગયો.

બન્ને એમની યોગશક્તિથી ત્યાં અંતર્ધાન થઈ આકાશ માર્ગે યાત્રા કરી ગિરનાર પર્વત પર ઊતર્યા જ્યાં એક ઝૂંપડી હતી. ત્યાં મત્સ્યેન્દ્રનાથ સશરીર ઉપસ્થિત હતા. શિષ્યમંડળી એમની પાસે બેઠેલી હતી. ગોરખનાથ આ દ્રશ્ય જોઈ વિસ્મય પામી ગયા. એમણે શિષ્યોને પૂછ્યું તો તેમણે સર્વેએ જણાવ્યું એમના ગુરુ મત્સ્યેન્દ્રનાથ તો વર્ષોથી અહીં જ હાજર છે. તે જગ્યાએથી ક્યાંય ગયા નથી.

એવું માનવામાં આવે છે ગોરખનાથના અહંકારને મીટાવવા માટે મસ્ત્યેન્દ્રનાથે સ્ત્રી રાજ્યમાં કદલી વનમાં મહારાણી સાથે વિલાસ કરવાની એક માયા જ રચી હતી. એક સ્વરૂપે ત્યાં હોય અને બીજા સ્વરૂપે શિષ્યો પાસે હોય એવો કોઈ યૌગિક પ્રયોગ પણ કર્યો હોય. મત્સ્યેન્દ્રનાથ પાસેથી ગોરખનાથે પણ ઘણી યોગસિધ્ધિઓ પ્રાપ્ત કરી હતી. એમના આવિર્ભાવની જેમ એમનો તિરોભાવ ક્યાં અને ક્યારે થયો તે કોઈ જાણતું નથી. નાથ સંપ્રદાયના સંતો તો ગોરખનાથને અમર માને છે.

અગોચર વિશ્વ – દેવેશ મહેતા

(સાભાર અનિલ પઢીયાર, અમર કથાઓ ગ્રુપ)