માવલડીના પાલવ ગ્યા, ગઈ દાદા ની વાતો.
ઘી ગોળના ચૂરમા ગ્યા, ને ગઈ સંતાકૂકડી ગાતી.
ગિલ્લી ડંડા, ભમરડા ગ્યા, ગઈ બળદ ગાડા ની વાત્યું.
રાસ, રાહડા, ગરબી ગ્યા, ને ગઈ ચંદરવાની ભાત્યું.
ગોરી કેરું ગવન ગ્યું, ગઈ પનઘટની પનિહારી.
તાંબા પિત્તળ ની હેલ ગઈ, ને ગઈ ઝરૂખા બારી.
ગાય ભાંભરડા ઘમ્મર વલોણા, ગ્યા રાગ પ્રભાતી.
ધૂપ, દિપ ને ઝાલર ટાણું, નોબત આરતી થાતી.
ગઈ ડેલીઓ, ગયા ડાયરા, ગઈ મેમાનુંની મોજું.
લાપસી, લાડુ, શિરામણ ગ્યા, કયાં ગઈ અરજુ-ચરજુ.
માંચી, ઢોલીયા, ઘરરર ઘંટી, માફો વેલ્ય મશીયાળા.
ખાંડણીયો ને સાંબેલું ગ્યું, ને ઘર થયા ઓશિયાળા.
મેઘ ગાણાં ને પરબલાં, ગઈ મણ દેવતાની વાત્યું.
મોતી તોરણ, મશાલું, ને ગઈ ઘરચોળાની ભાત્યું.
આંણુ, ટાંણુ, ઝિયાણુ ગ્યું, ગ્યું ભાણું તરભાણું.
ગાગર, ઉતરડ, આઝમેણ, ને ગ્યું બલોયાં ને બોઘાણું.
નાડ, જોતરને ભંડકિયું, ગયો મોળીયો, માંચી.
ગયો સલૂખો ગયો વાનોરો, ને ગયા તેલને ઘાંચી.
લાંગ, પટારો, ડામચીયો, ગઈ કેડી ને બેડી.
સુંડલા, સુપડા, ડાલાં, ફાનસ, પીઠ, પલાણ ને ઘોડી.
ગમાણ, સાંકળ, ખીલા, ઓગઠ જોગણ ને જાદરીયું.
ઠોઠા, બાફલુ, નીરણ, નોધણુ, ગ્યું ભેંસ માદરિયું.
માઢ, મેળી, ગોખ, ઓટલો, ખોંભી, ખૂંટ ને ખારું.
મોભ, મોતીયા, ઘોડિયાવટ, ને ખેતર ખોળીબારું.
ખળા, હાલરૂ, શેંકલા, મોગો, ઝાલ, ઉંટડો, થાળુ.
માણ, મોરીયો નાથ ગઈ, ને ગ્યું માંચડો, માણું.
જેર, જોટો, આગળીયો, ભૂંગળ ને વળી તાળું.
તાપણ, સગડી, કુલડી, ને ગ્યા બારસાખ, પાણિયારું.
બાળપણને જુવાની ગઈ, ગ્યું ઘડપણ ગોઝારું……..
“ગીરધર” કહે તું સમર હરિને, પાછો વળ હવે તો સારું.
– સાભાર જીતેન્દ્ર ચાવડા (અમર કથાઓ ગ્રુપ)