ઘરેણાં :
ડોસાએ કરચલી વળેલી ચામડી અને ઉંડી ઉતરી ગયેલ આંખે ડોશી સામે ઓશિયાળા ચહેરે જોયું અને થોથવાતી જીભે તૂટક તૂટક શબ્દોમાં કહ્યું, હજી રમેશ ચ્યમ ના આયો?
રાંમ જાણે! આખો દા’ડો થ્યો, બળ્યું મનેય ચંત્યા થાય છે. શું રૂપિયાંનો ચ્યાંય મેળ નઈ આયો હોય? મારો ભઈ હાવ એમનેમ તો પાછો ના જ મેલે, થોડા ઘણાય પૈસા તો એના ઘરમાં હોય જ. અરે રમી વઉં ફૂન કરીને પુછો કે હજી ચ્યમ ના આયો રમેશ? બા, હાલ જ ફોન કર્યો મેં. રસ્તામાં જ છે, અડધા કલાકમાં આવી જશે.
રામજીભાઈ અને જેઠીબેનનો પરિવાર રામપુરા નામના એક ગામમાં રહે છે. ખેતમજુરી અને પશુપાલન કરીને જીવન નિર્વાહ કરતા આ પરિવારમાં રમેશ નામનો ગ્રેજ્યુએટ દિકરો અને ધોરણ બાર પાસ વહુ રમીલા છે. રમેશ ભણવામાં હોશિયાર હતો અને સ્પર્ધાત્મક પરીક્ષામાં પાસ પણ થઈ ગયો છે. બસ નોકરીનો કાગળ આવે એટલી વાર છે. વહુ રમીલા પણ શિવણ ક્લાસ શીખી રહી છે. એના પિયરમાંથી સિલાઈ મશીન લગ્ન વખતે જ મળેલ છે. ટુંકમાં સુખના દિવસોના કિનારા પર બેઠેલ આ નાના પરિવારને કોની નજર લાગી ગઈ!
રામજીભાઈને કમળો થયો, એમાંથી કમળી થઈ ગઈ. ઈલાજમાં દુઝણી ભેંસ વેચાઈ ગઈ. રામજીભાઈને સારુ પણ થયું પરંતુ બે મહિને બિમારીએ ઉથલો માર્યો. સેવા ચાકરીમાં આખો પરિવાર ખડા પગે હાજર હતો, છતાંય રામજીભાઈનું શરીર ક્ષીણ થઈ ગયું. ખર્ચો કરતા ગયા, ઉછી ઉધારો કરતા ગયા ને ઘર ધોવાઈ ગયું.
રમેશે નક્કી કર્યું કે ગમે તે ભોગે પિતાજીને સારા દવાખાને દાખલ કરવા અને એમને બચાવી લેવા. માતા જેઠીબેનની સલાહથી રમેશ રૂપિયાના બંદોબસ્ત માટે મામાને ઘેર ગયો હતો.
સાંજના છ વાગ્યે રમેશ ઘેર આવી ગયો. રમીલાએ પાણી આપ્યું, ચાર પાંચ મિનિટ જવા દઈને જેઠીબેને પુછ્યું, શું કર્યું દિકરા? નિરુતર ચહેરો જ કહી રહ્યો હતો કે, કોઈ મેળ આવ્યો નથી. જેઠીબેનની આંખોમાં ઝળઝળિયાં આવી ગયાં, રામજીભાઈએ વેદનાસભર મુખે ઉંચે જોયું. પાંચેક મિનિટની ખામોશી પછી રામજીભાઈ ધીરેથી બોલ્યા, જો રમેશ, મું તો પાકુ પાંન છું, ખોટા ખરચા રેવા દો. ભગવાંનને જે મજુર હશે ઈ થાશે.
શું બોલે રમેશ? આંખોમાં પાણી ભરાઈ આવ્યાં, ગળે ડૂમો વળી ગયો. હાય રે કુદરત! શું આ જ છે માનવ જીંદગી? આ માયાળુ પરિવારે નથી કોઈનું કદી ખોટું કર્યુ, ખોટામાં કદી ભાગ નથી લીધો, મહેમાનો માટે તો આ ઘરના દરવાજા સદા ખુલ્લા રહ્યા છે, ને એટલે તો આખા મહોલ્લા, ગામ -સૌને અફસોસ છે કે આવા પરગજું પરિવાર પર આવી આફત! ખેર, કુદરતને કદાચ આવું મંજૂર હશે.
રમીલાથી ડૂચકું નંખાઈ ગયું, છેવટે જેઠીબેને ઉભાં થઈને રમેશ અને રમીલાને સાંત્વના આપવી પડી. થોડો સમય શાંતિ છવાઈ ગઈ. રમીલાએ ઝટપટ આંખો લુંછી નાખી. મા સમાન સાસુમા જેઠીબેન પાસે આવીને બોલી બા, મારાં ઘરેણાં શું કામમાં આવશે? જો ઘરનો મોભ જ તુટી પડશે તો એ આભૂષણો પહેરીને કોને બતાવીશ બા.
રામજીભાઈ, રમેશ અને જેઠીબેન એકીટશે રમીલાને જોઈ રહ્યાં. કોઈ પાસે બોલવાના શબ્દો નહોતા છતાંય જેઠીબેને આ અણમોલ રત્ન સમાન વહુના માથા પર હાથ મુકીને કહ્યું, બેટા એ ઘરેણાં તો તમારા પિયરની અમાનત છે, એના પર અમારો હક્ક શો?
ઘડીનોય વિલંબ કર્યા વગર રમીલાએ તેના પિતાજીને ફોન જોડ્યો અને સ્પીકર ચાલું કર્યું…
સામેથી અવાજ આવ્યો, જય શ્રી કૃષ્ણ બેટા, મજામાં છે ને? અને હા, મારા વેવાઈની તબીયત કેવી છે હવે?
જય શ્રી કૃષ્ણ પપ્પા. મારા સસરાની તબીયત હાલ બરાબર નથી અને એમને દવાખાને દાખલ કરવા માટે પૈસાની જરૂર હોવાથી તમારા જમાઈ શ્રીએ મારાં ઘરેણાં વેચી દીધાં છે, બોલો મારે હવે શું કરવું?
ઓહ બેટા! જરૂરીયાત મૂજબ એ સારુ જ કર્યું છે બેટા. ઘરેણાં તો કાલે જમાઈ નોકરીએ ચડશે ને બનાવી આપશે ને હું તો બેઠો જ છું ને! ભગવાન જેવા મારા વેવાઈ ને પિતાતુલ્ય તારા સસરા ફરીથી નહીં મળે બેટા.
માફ કરશો પપ્પા. એ આપે શીખવેલ આદર્શ ભારતિય સંસ્કૃતિ અને સાસરીના અનન્ય સ્નેહના રુણને પરિપૂર્ણ કરવા હું જુઠું બોલી ઘડીક માટે. ઘરેણાં વેચ્યાં નથી તમારા જમાઈએ પરંતુ હવે હું વેચવા જઈ રહી છું મારા પિતાતુલ્ય સસરાજીની સારવાર માટે.
માફ કરશો પપ્પા. મેં ફોનનું માઈક ચાલું કરીને આપની હાર્દિક મનોભાવનાને મારા પરિવાર સાથે ઓતપ્રોત કરી છે, જય શ્રી કૃષ્ણ પપ્પા. મારી મમ્મીને રાજીખુશીના સમાચાર આપશો ને કહેજો કે મારા સસરાજી જલ્દી સાજા થઈ જાય એના માટે માતાજીને માનતા માને. એની શ્રધ્ધા પર મને સંપૂર્ણ વિશ્વાસ છે. સાથે સાથે કહેજો કે, હમણાં થોડું વઘારે વ્યસ્ત રહેવાનું થશે એટલે ફોન થાય કે ના થાય પરંતું કોઈ ચિંતા ના કરે.
જેઠીબેનના બંધ છુટી ગયા. રમીલાવહુને બાથ ભરીને એટલાં રડ્યાં કે આડોશ પાડોશનો મોટો જમાવડો થઈ ગયો. વાયુવેગે આખા ગામમાં વાત પ્રસરી ગઈ….
વાહ! રમીલાવહુ વાહ! ધન્ય છે તારી ખાનદાનીને.
– નટવરભાઈ રાવળદેવ થરા (અમર કથાઓ ગ્રુપ)