મેલડી માતાનું આ ધરતી ઉપર આટલું સત શા કારણે છે? જાણવા માટે આ આર્ટિકલ જરૂર વાંચો.

0
1691

આજે આપણે વાત કરીશું માં મેલડીની જે લોકોને માં મેલડી ઉપર શ્રદ્ધા હોય તેમને સમજાઈ જશે કે આ કળયુગમાં પણ માતાજી કેવા પરચા આપે છે, દુઃખીયાની વ્હારે પહોચે છે, પોતાના ભક્તોના દુઃખ દૂર કરે છે અને આજે પણ મેલડીના ભક્તો ખરા દિલથી તેમની પૂજા કરે છે, તેમને ભોગ ધરાવે છે અને તેમના હવન પણ કરે છે, ચાલો જાણીએ આજે માતા મેલડી સાથે જોડાયેલી એક પ્રાચીન કથા.

આ વાત છે ઉજ્જૈનના રાજા પ્રદુમન વીર વિક્રમની જે પોતે 18 ભાષાઓના જાણકાર હતા અને સ્વાબવે ખુબ જ સરળ અને વિવેકી, પોતાની પ્રજાના બેલિ હતા. રાજાને એક સમયે થયું કે તમને યોગ સિદ્ધિ મંત્ર શીખવો છે. આ મંત્ર કામરૂ દેશમાં શીખવવામાં આવતો હતો, તેથી એક રાત્રે રાજા કામરૂ દેશમાં જવા માટે નીકળી ગયા, કામરૂ દેશના અઘોર વનની અંદર બાવા બાળનાથ સાધના કરી રહ્યા હતા.

ત્યાં જઈને વિક્રમ રાજાએ આવીને “અલખ નિરંજન” કહ્યું, રાજાનો અવાજ સાંભળી બાળનાથ બાપાએ પોતાની આંખ ઉધાડી, ઉજ્જડ વનમાં જ્યાં તેમની પરવાનગી સિવાય અહીંયા ચકલું પણ આવવાની હિંમત ના કરે, ત્યાં આ કોણ આવી ચઢ્યું?

બાળનાથ બાપાએ કહ્યું “કોણ છે તું? અને અહીંયા કેમ આવ્યો છે? ત્યારે રાજાએ જવાબ આપતા કહ્યું કે હું “ઉજ્જૈન નગરીનો રાજા છું અને મારે યોગ સિદ્ધિ માંડતર શીખવો છે” રાજાની વાત સાંભળીને બાપા હસવા લાગ્યા અને કહ્યું: “તું આ મંત્ર શીખીને શું કરીશ?” ત્યારે રાજાએ જવાબમાં “મારી પ્રજા માટે” એમ કહ્યું, બાપા રાજાની ઈચ્છા જોઈને તેને મંત્ર શીખવવા માટે તૈયાર થયા, પરંતુ રાજા આગળ એક શરત પણ મૂકી. બાપાએ કહ્યું: “હું તને આ મંત્ર શીખવાડીશ પણ તારે ભૂતડી વાવના તળિયેથી એક લોટો પાણી લાવવું પડશે, ત્યારે જ હું તને આ મંત્ર શીખવીશ, રાજાએ તરત હા પાડી.

કાળીચૌદશની રાત્રે એક વાગે ભૂતડી વાવ પાસે આવીને લોટો લઈ રાજા વીર વિક્રમ વાવની નીચે ઉતરે છે, વાવના પગથિયાં તરફ રાજા નજર નાખે છે, તો પાણી ઘણું ઊંડે સુધી હતું, 50 જેવા પગથિયાં રાજા ઉતરે છે, ત્યાં જ વાવની ઉપરથી એક એવો અવાજ આવે છે કે રાજાના પગ પગથિયાંથી સીધો જ નીચે જતો રહે છે, અવાજના કારણે ડરેલા રાજા વાવણી અંદર જ છુપાઈ જાય છે. ઉપરથી પાછો એક અવાજ આવે છે: “ખાઈ જાવ તને, તારા કાળજા ખાવ” આ સાંભળીને રાજા વિક્રમ વિચારમાં પડી જાય છે. તેમને લાગે છે હવે તેમનું મૃત્યુ પાક્કું છે.

રાજા વિચારે છે કે આવા વખતે મને મારા કુળદેવી મા હિંગળાજ જ ઉગારી શકશે. રાજા તેમના કુળદેવી હિંગળાજ માતાનું સ્મરણ કરે છે અને માતાજી પ્રગટ થાય છે. માતાજી રાજાને પૂછે છે કે “તું અહીંયા શું કામ આવ્યો” ત્યારે રાજા બધી વાત જણાવે છે, પોતાના મંત્ર શીખવા વિશેની વાત પણ માતાજીને કહે છે, ત્યારે માતાજી કહે છે કે “તે મને કેમ આ વાતની જાણ ના કરી, હું પણ તને આ મંત્ર શીખવી શકી હોત, હવે હું તારી કોઈ મદદ નહીં કરી શકું” એમ જણાવી માતાજી ત્યાંથી ચાલ્યા જાય છે.

રાજા હવે વધારે ડરવા લાગે છે, તેમેને કોઈ રસ્તો દેખાતો નથી અને તેમને યાદ આવે છે કે તેમની પાસે 64 જોગણીયોનો મંત્ર છે, જે મને જરૂર મદદ કરશે, રાજા મંત્રનો પાઠ કરે છે અને 64 જોગણીયો પ્રગટ થાય છે, પરંતુ એ પણ રાજાને હિંગળાજ દેવીની જેમ જ કહીને ચાલી જાય છે. જેથી રાજાને ખુબ દુઃખ થાય છે અને તે રડવા બેસે છે. હવે માની લે છે કે તેમનું મૃત્યુ નિશ્ચિત જ છે, અંતે તેઓ ઉભા થાય છે અને કહે છે” આ કામરૂ દેશમાં કોઈ એવા કોઈ દેવી, કોઈ ભગવાન, કોઈ પીર, કોઈ પયગંબર હોય, જે મને જીવતો બહાર કાઢે અને મારા રાજ્ય સુધી પહોંચાડે, તો હું તમે કહેશો એમ કરવા તૈયાર એવું હું વીર વિક્રમ રાજા વચન આપું છું.”

રાજાનો અવાજ સાંભળીને પણ કોઈ વહારે આવ્યું નહીં પરંતુ માખણિયા ડુંગર ઉપર બેઠેલા માતા મેલડીએ રાજા વિક્રમનો અવાજ સાંભળ્યો, માતાજી પોતાનું ત્રિશુળ લઈને બુટીયા બોકડા ઉપર બેસી રાજાની સામે આવીને ઊભા રહી ગયા. માતાજીને આંખો સામે આવીને ઉભેલા જોઈને રાજાએ કહ્યું: “માડી તમે કહેશો એમ કરીશ પરંતુ મને અહિયાંથી બહાર કાઢો.” રાજાની વાત સાંભળી માતાજીએ કહ્યું: “રાજા, તું વચન આપે છે, તો હું તારો વાળ પણ વાંકો નહિ થવા દઉં, હું માખણિયા ડુંગરની મા મેલડી છું.”

માતાજીએ રાજાને હેમ ખેમ બહાર કાઢ્યા, રાજાએ નમન કરીને માતાજીને કહ્યું “બોલો માડી, હું આપના માટે શું કરી શકું?” ત્યારે માતાજીએ કહ્યું “આજે નહિ પરંતુ એક વર્ષ બાદ કાળી ચૌદસના દિવસે અડધી રાત્રે તું આજ જગ્યાએ આવજે ત્યારે હું તારી પાસે જે માંગીશ એ તારે આપવું પડશે.” રાજાએ એ દિવસે આવવાનું વચન આપ્યું અને માતાજીએ વિદાય લીધી.

ધીમે ધીમે એમ કરતા વર્ષ નીકળી ગયું અને અને કાળી ચૌદસની રાત આવી, રાજાને યાદ આવ્યું કે “મેં મા મેલડીને વચન આપ્યું છે એને આજે પૂરું કરવાનું છે” રાજા રાત્રે જ જે જગ્યાએ માતાજીએ કહ્યું હતું, ત્યાં જવા માટે નીકળી પડ્યા”

માતાજી પાસે આવીને રાજાએ કહ્યું: “મા મારા વચન પ્રમાણે હું આપની સામે આવીને ઉભો છું, આજ્ઞા કરો હું આપના માટે શું કરી શકું?” ત્યારે માતાજીએ કહ્યું: “મારે તારું કાળજું જોઈએ છીએ.” રાજાએ કારણ પણ ના પૂછ્યું અને કમરમાં ખોસેલી પોતાની કતાર કાઢી અને એક ઝાટકે જ પોતાનું કાળજું કાઢી માતાના ચારણોમાં ધરી આપ્યું.

માતાજી રાજાની આ વચન પાલનની ભાવના જોઈને પ્રસન્ન થયા, રાજાને જીવિત કરી અને કહ્યું: “હું તારી ભક્તિથી પ્રસન્ન થઇ છું, હું તો તારી પરીક્ષા કરતી હતી, તારા ઉજ્જેનના રાજમાં મારી સ્થાપના કરજે, ઉજ્જૈનમાં બિરાજી હું તારા નગરજનોના દુઃખોને દૂર કરું, તો માનજે કે માખણિયા ડુંગરની મા મેલડી સાચી હતી.”

માતાજીની આજ્ઞાથી રાજા વિક્રમે ઉજ્જૈનમાં માતા મેલડીનું મંદિર બંધાવ્યું, ત્યાં ભક્તો તેમના દર્શને આવવા લાગ્યા અને નગરજનોના દુઃખો પણ દૂર થવા લાગ્યા, આજે પણ માતા મેલડીના મંદિરે જઈને ભક્તો પોતાના દુઃખ વ્યક્ત કરતા હોય છે, માતાજી તેમના ભક્તોને ક્યારેય નિરાશ નથી કરતા.

બોલો જય મા મેલડી !!

– પિયુષ રાનપરાની પોસ્ટનું સંપાદન – અમર કથાઓ