મિયાં ફુસકી એટલે જીવરામ જોષીનુ અમર પાત્ર : શું થયું જ્યારે મિયાં ફુસકી જવા નીકળ્યો મુંબઈ.

0
811

રાજપરના ઠાકોર મુંબઈ ગયા હતા. ફરતાં ફરતાં નરોત્તમ ભાઉની દુકાને જઈ ચડ્યા.

ઠાકોરે વિચાર કર્યો કે, ઠકરાણી માટે થોડા દાગીના લઈ જઈએ. દાગીના તો પસંદ કર્યા પણ એક મોટી મુસીબત ચડી આવી.

શેઠ બોલ્યા : ‘ઠાકોરસાહેબ, મુંઝાયા કેમ?’

ઠાકોર બોલ્યા : ‘શેઠજી પૈસા પૂરા નથી.’

શેઠ બોલ્યા : ‘તો ઘેર જઈને મોકલાવી દેજો. આપ જેવા માણસોનો અમને પૂરો ભરોસો છે.’

ઠાકોરે દાગીના લઈ લીધા, રૂપિયા એક હજાર આપવાના બાકી રહ્યા.

ઠાકોર પાછા રાજપર ગયા. રૂપિયા તાબડતોબ મોકલી દેવા જોઈએ. ઠાકોરે વિચાર કર્યો કે મિયાં ફુસકીને મોકલીએ. રૂપિયા આપતા આવે અને મુંબઈ જોતા આવે. એ વાત ફુસકી મિયાંને કહી.

તભા ભટ સાથે ન આવે તો મિયાં ફુસકીની બધી મઝા ઊડી જાય.

ભટજીને પણ તે ના ગમ્યું. ભટજી સ્ટેશન સુધી વળાવવા ગયા.

ભટજીએ મિયાંને શિખામણ આપવા માંડી.

મિયાં બોલ્યા : ‘તમે જરા ય ગભરાશો નહિ. અમે કાચાપોચા નથી. હા, અમે સિપાઈ બચ્ચા!’

ભટજી બોલ્યા : ‘ભાઈ, આજકાલ ગઠિયાઓનો રાફડો ફાટયો છે. આપણે રહ્યા ગામડાના ભોળા માણસ.’

મિયાં બોલ્યા : ‘તે ભલે ને રહ્યા. ગામડાનાં માણસ તો હવે શહેરના માણસોના કાન કાપી જાય એવા થઈ ગયા છે. હા, અમે બધું જાણીએ.’

ભટજી બોલ્યા : ‘તમે બધું ભલે જાણો પણ હજાર રૂપિયા જેવી રકમ છે. જો કોઈ ગઠિયો જાણી જશે, તો પાછળ પડી જશે.’

મિયાં બોલ્યા : ‘ગઠિયાથી અમે ડરતા નથી. અમારે ચોરફોરની પણ બીક નથી.’

ભટજી જરા ચિડાઈને બોલ્યા : ‘તમે સમજતા નથી. મિયાં! ખોટી ડંફાશ ના હાંકીએ. ચેતીને ચાલીએ.’

મિયા બોલ્યા : ‘તમારે ચિંતા કરવી જ નહીં. હજાર બે હજાર રૂપિયાનો નોટો સાચવવી એમાં શી મોટી વાત છે?’

આમ ભટજી અને મિયાં વાતો કરતા હતા.

તે એક ગઠિયો સાંભળતો હતો. તે વાત સમજી ગયો. એક હજાર રૂપિયાની નોટો મિયાં પાસે છે. ગઠિયો ફુસકી મિયાં પાછળ પડી ગયો. મિયાંએ મુંબઈની ટિકિટ લીધી એટલે ગઠિયાએ પણ મુંબઈની ટિકિટ લીધી. સૂવાના ડબાની બેઠક લીધી. જે ડબામાં ફુસકી મિયાં બેઠા એ જ ડબામાં ગઠિયો પણ બેસી ગયો. પેલા ગઠિયાભાઈ સામેની બેઠક પર બિસ્તરો પાથરીને બેસી ગયા. ગાડી ઊપડી.

ગઠિયો મિયાં ફુસકી સામે હસીને બોલ્યો, ‘આપને ક્યાંક જોયા છે.’

મિયાં બોલ્યા : ‘અમને ના જોયા હોય એ બને જ નહિ. હા, અમે સિપાઈ બચ્ચા! ક્યાં જોયા હતા અમને?’

ગઠિયો બોલ્યો : ‘રાજપરના ઠાકોરને તમે ઓળખો છો?’

મિયાં તાલી દઈને હસતા હસતા બોલ્યા : ‘લો ભાઈ, ખરી કહી. ભલા, અમે રાજપરના ઠાકોરના તો ખાસ માણસ છીએ.’

ગઠિયો હસીને બોલ્યો : ‘ઓહોહોહોહોહોહો …. એમને ત્યાં જ જોયા હશે. એમનો હું મહેમાન બનેલો. એ મારા ખાસ મિત્ર છે. પણ બે-ત્રણ વરસ થઈ ગયાં એટલે કંઈ યાદ ના રહે. એમના મહેલમાં જ ખાસ જુદો ઓરડો મને કાઢી આપેલો.’

મિયાં સમજી ગયા કે ચેતતા રહેવું પડશે. આ પાકો ગઠિયો લાગે છે. રાજપરના ઠાકોર મોટા રાજા હશે એમ આ ગઠિયાભાઈએ ધારી લીધું છે. રાજપરના ઠાકોર તરીકે ઓળખાય છે પણ એમનું કોઈ રાજ નથી. રાજમહેલ પણ નથી. બધાનાં જેવું જ એમનું પણ ડેલીવાળું ઘર છે.

આ ગઠિયાભાઈને યાદ રહી જાય એવું કંઈક કરવું પડશે.

મિયાં બોલ્યા : ‘હું ય છું ભૂલકણો. આપ ઠાકોરના મહેલમાં ઊતરેલા અને બે દહાડા તો રહ્યા, તો તો મારી જ ઘોડાગાડીમાં આપ ફર્યા હશો.’

ગઠિયો બોલ્યો : ‘હા હા, મને બરાબર યાદ આવે છે. એટલે તો મેં તમને ઓળખ્યા કે આ મિયાં તો એ જ.

ફુસકી મિયાં મનમાં હસ્યા કે કેવો આ મૂરખો ગઠિયો છે. આપણે કદી ઘોડાગાડી હાંકતા જ નથી.

ખડખડાટ હસીને મિયાં બોલ્યા : ‘ત્યારે તો ઘણું સારું થયું. ઠીક થયું. લો આપણે લહેરથી મુસાફરી થશે.’

ગઠિયો બોલ્યો : ‘તમ તમારે મોજથી ઊંઘો. કોઈ વાતની ચિંતા નથી.’

મિયાં લાંબા થઈને પાટિયા પર સૂતા. માથે ઓઢી લીધું. માંડ્યા નસકોરાં બોલાવવા. ગઠિયાએ જાણ્યું કે મિયાં ઊંઘી ગયા છે. ધીમેથી ઊભો થયો. મિયાનું પોટલું ફંફોળી જોયું. એમાં ક્યાં ય નોટો ન હતી. તેણે વિચાયું કે, નોટો મિયાંએ પોતાની બંડીના ગજવામાં મૂકી હોવી જોઈએ.

મિયાં એટલામાં જાગી ગયા.

ગઠિયો બોલ્યો : ‘મિયાંસાહેબ, જરા ગરમીની મોસમ છે. બંડી કાઢીને ઓશીકે મુકો. મોજથી હવા લો.‘

મિયાં બોલ્યા : ‘હા, એ તો ભૂલી જ ગયો.’

મિયાંએ બંડી કાઢીને ઓશીકા નીચે મૂકી. પોતે બિસ્તરા ઉપર પલાંઠી જમાવીને બેસી ગયાં. ગઠિયો વિચારે છે કે મિયાં આઘાપાછા થાય તે બંડી તપાસી શકાય.

ગઠિયો ઊભો થયો અને બોલ્યો : ‘આ વર્ગના ડબામાં પાણીની ભારે સગવડ છે. હાથમોઢું ધોવું હોય તો પાણી તૈયાર. લો હું જરા હાથમોં ધોઈ આવું.’

આમ કહીને ગઠિયો હાથમોઢું ધોવા બાથરૂમમાં ગયો. થોડીવારે આવીને કહે : ‘આપ પણ જાઓ, હમણાં જ ઊંઘીને ઊઠયા છો, મોઢું ધોઈ નાખો. ઠંડક થશે. મોઢા પર પાણી છાંટજો. જોઈએ તેટલું મોજથી વાપરો.’

મિયાં કહે : ‘હા, આપણે મફત વાપરવું નથી. રૂપિયા રોકડા દીધા છે.’

આમ કહીને હસતા હસતા મિયાં બાથરૂમમાં પેઠા. બારણું બંધ કર્યું. ગઠિયો ઝડપથી ઊઠયો. મિયાંની બંડી લઇને ગજવા તપાસ્યા. થોડા છૂટા પૈસા સિવાય તેમાં કંઈ નહોતું. ગઠિયો સમજયો કે, મિયાં છે પાકો. નક્કી તેની કેડમાં નોટોની થોકડી બાંધી હોવી જોઈએ.

મિયાં હાથ મોં ધોઈને પાછા આવ્યા અને બોલ્યા : ‘શું મારા વાલા અંગ્રેજો કરી ગયા છે ! દોડતી ગાડીમાં ય પાણીના ફુવારા.’

ગઠિયો બોલ્યો : ‘હવે નિરાંતે ઊંઘીએ.’

મિયાં બોલ્યા : ‘હવે તો બસ. ખરેખરી એક લાંબી ઊંઘ ખેંચી કાઢીએ, કયાં મફત ઊંઘ ખેંચવી છે કે લોભ કરીએ? રૂપિયા આપ્યા છે રોકડા.’

મિયાં ઊંઘવા માંડયા. જાણે ઘસઘસાટ ઊંઘી ગયા છે એમ લાગ્યું કે ગઠિયો ઊઠયો. ધીમે ધીમે મિયાંની કેડ અને કમર તપાસ્યાં. ત્યાં પણ કશું નહોતું. ગઠિયો ચક્કરમાં પડી ગયો. મિયાંએ નોટો સંતાડી હશે ક્યાં? હા, કદાચ જોડામાં હોય. ઘણા લોકો જોડામાં સંતાડી દે છે. જોડા જોયા. તેમા કશું નહોતું. એક વાત ગઠિયાને મનમાં આવી કે આ મિયાંએ પોતાના બિસ્તરમાં નોટો સંતાડી હોવી જોઈએ.

ત્યાં મિયાં જાગી ઊઠયાં.

ગઠિયો બોલ્યો : ‘કમબખ્ત મને તો ઊંઘ જ ન આવી. મને ભારે ખોટી ટેવ છે. ડાબે પડખે સૂવા જઉં તો જ ઊંઘ આવે. આ પાટિયા પર ડાબે પડખે સૂવા જઉં તો સામે ડબાની ભીંત છે એટલે ફાવે નહીં. તમને કંઈ કહેવાય કે તમે મારે બિસ્તરે સૂવો અને હું તમારે બિસ્તરે સૂઈ જાઉં? તો ઘડીક ઊંઘ આવે.’

મિયાં બોલ્યા : ‘એમાં શી મોટી વાત!’

ગઠિયો બોલયો : ‘ના ભાઈ, એમ આપને તકલીફ ના અપાય.’

મિયાં બોલ્યા : ‘ના કેમ અપાય? ખુશીથી અપાય. લો, આવી જાઓ તમે મારી સીટમાં …

આમ કહીને ફુસકી મિયાં તો હળવેથી ઊભા થયા. પોતે ગઠિયાને બિછાના ઉપર સૂતા અને ગઠિયો મિયાંના બિછાના ઉપર જામી ગયો. મિયાં પણ માંડયા ઊંઘવા. ધીમે ધીમે કરતાં ગઠિયો આખો બિસ્તરો તપાસી જોયો. પણ કશું જ મળ્યું નહિ. ગઠિયો ભારે ચક્કરમાં પડી ગયો. પોતે ભલભલા ચતુર માણસોનાં ગજવાં સાફ કરી દીધાં છે, પણ આ ગામડાના એક ભોળાભટ મિયાં તેને હરાવી જાય છે!

એમને એમ છેક મુંબઈ પહોંચી ગયા. સ્ટેશન આવી ગયું. ગાડી ઊભી રહી.

ગઠિયો બોલ્યો : ‘મિયાંસાહેબ, મારે એક વાત આપની પાસેથી શીખવી છે. આપ ઠાકોરના રૂપિયા આપવા મુંબઈ આવ્યા છો. આપે એ રૂપિયા કેવી રીતે સાચવ્યા છે, તે જરા કહેશો? એ ઉપરથી હું પણ જરા શીખી લઉં.’

મિયાં બોલ્યા : ‘જરા ઊભા થાઓ.’ ગઠિયો પોતાના બિસ્તરા ઉપરથી ઊભો થયો.

મિયાંએ ગઠિયાના બિસ્તરામાં હાથ નાખીને રૂમાલમાં વીંટાળેલી નોટો બહાર કાઢી.

ગઠિયો બોલ્યો : ‘મારા બિસ્તરામાંથી એ શું કાઢયું?’

મિયાં બોલ્યા : ‘મેં આ રીતે રૂપિયાની નોટો તમારા બિસ્તરામાં છુપાવી રાખી હતી, સાહેબ!’

ગઠિયો તો આભો જ બની ગયો.

મિયાં બોલ્યા : ‘હું જાણી ગયો હતો, કે આપ મારી ઝડતી લેશો. આપ હાથમોઢું ધોવા ગયા ત્યારે મેં આપના બિસ્તરા નીચે રૂપિયાની નોટો સંતાડી દીધી હતી.’

આ વાત સાંભળીને ગઠિયો તો મોઢામાં આંગળાં નાખી ગયો, ઢીલોઢફ બની ગયો.

મિયાં બોલ્યા : ‘હવે છેવટની સલામ સાહેબ, સ્ટેશન આવી ગયું. નરોત્તમદાસ ભાઉની મોટર અમને લેવા આવી હશે. હવે આપનું કશું નહિ ચાલે, અમે ચપટી ચતુરાઈ વાપરી અને તમારી ચાલાકીમાંથી બચી ગયા.’

આમ બોલીને મિયા એકદમ ડબામાંથી બહાર નીકળ્યા. ત્યાં તો મિયાં ફુસકીના નામની બૂમ પાડતો માણસ આવ્યો. તે મોટર લઇને તેડવા આવેલો. મોટરમાં બેસીને મિયાં જતા રહ્યા. રૂપિયા આપીને મોજથી પાછા રાજપુર પહોંચી ગયા.

જીવરામ જોષી

સાભાર રાધા પટેલ, અમર કથાઓ ગ્રુપ.