શા માટે કેદારનાથ ધામનું છે આટલું બધું મહત્વ, જાણો મંદિરના ચમત્કારીક તથ્ય અને તેની સાથે જોડાયેલી ભવિષ્યવાણી.
ભારતની દેવભૂમિ માનવામાં આવતા ઉત્તરાખંડમાં ગીરીરાજ હિમાલયની સૌથી ઉંચી કેદાર નામની ટેકરી ઉપર આવેલું છે દેશનું સર્વોચ્ચ કેદારેશ્વર જ્યોતિર્લીંગ મંદિર, જે દેશભરના બધા 12 જ્યોતિર્લીંગો માંથી એક માનવામાં આવે છે. આ મંદિરે પોતાનામાં ઘણા પૌરાણીક રહસ્યો અને ચમત્કારો સમાવી રાખેલા છે, જેનું ઉદાહરણ આપતા તમને કેદારનાથ ધામ અને મંદિરના સંબંધમાં ઘણી પૌરાણીક કથાઓ સાંભળવા મળી જશે.
કેદારેશ્વર મંદિરને લઈને વૈજ્ઞાનિકનો મોટો દાવો :
તે ચમત્કારો માંથી એક ચમત્કારનો દાવો સ્વયં દેહરાદુનના વાડિયા ઇન્સ્ટીટયુટના એક મોટા પ્રસિદ્ધ વૈજ્ઞાનિક દ્વારા કરવામાં આવ્યો હતો. જેમાં તેમણે એ માન્યું કે, 13 મી થી 17 મી સદી સુધી એટલે લગભગ 400 વર્ષ પહેલા એક ભયાનક હિમયુગ આવ્યો હતો જેમાં હિમાલયનો એક મોટો વિસ્તાર બરફની અંદર દબાઈ ગયો હતો અને તેની સાથે જ આ મંદિર પણ બરફની અંદર સમાઈ ગયું હતું.
પણ સૌથી વધુ નવાઈની વાત એ હતી કે 400 વર્ષ પછી જયારે બરફ હટાવવામાં આવ્યો ત્યારે આ મંદિર સંપૂર્ણ રીતે સુરક્ષિત નીકળ્યું હતું, જેને કોઈ ચમત્કારથી ઓછું નથી માનવામાં આવતું. તે દાવાની સાબિતી તમને આજે પણ મંદિરની દીવાલ અને પત્થરો ઉપર નિશાન તરીકે જોવા મળી શકે છે.
તો આવો હવે તમને જણાવીએ કે 400 વર્ષ સુધી હિમાલયના ખોળામાં છુપાયેલા રહેલા કેદારનાથ મંદિર સાથે જોડાયેલા થોડા રોચક અને રહસ્યમયી તથ્યો વિષે.
પહેલું રહસ્ય : 3 ઊંચા પહાડ અને 5 નદીઓનું થાય છે સંગમ.
આ પવિત્ર કેદારનાથ ધામ એક રીતે લગભગ 22 હજાર ફૂટ ઊંચા કેદાર પહાડ, બીજી તરફથી લગભગ 21 હજાર 600 ફૂટ ઊંચા ખર્ચકુંડ અને ત્રીજી તરફ 22 હજાર 700 ફૂટ ઊંચા ભરતકુંડના પહાડ વચ્ચે આવેલું છે.
કુદરતના ખોળામાં વસેલું આ મંદિર ન માત્ર 3 પહાડોથી ઘેરાયેલું છે પણ ત્યાં 5 નદીઓનો સુદંર સંગમ પણ થાય છે.
અહિયાં મંદાકીની, મધુગંગા, ક્ષિરગંગા, સરસ્વતી અને સ્વર્ણગૌરી નદીઓના દર્શન કરવા મળે છે.
આ તમામ નદીઓ માંથી અલકનંદાની સહાયક મંદાકીની નદી આજે પણ રહેલી જોવા મળે છે. જેના કાંઠે જ કેદારેશ્વર ધામ આવેલું છે.
આ ખીણમાં શિયાળાના સમયે ભારે બરફવર્ષાને કારણે ચારેય તરફ બરફની ચાદર પથરાઈ જાય છે, તો ચોમાસામાં જોરદાર પાણીથી આ સ્થળ વિક્રાંત રૂપમાં જોવા મળે છે.
બીજું રહસ્ય : કોઈ ખડકથી ઓછું નથી આ પ્રાચીન મંદિર.
કેદારનાથ મંદિર કટવાં પથ્થરોના ભૂરા રંગના વિશાળ અને મજબુત શીલાખંડોને જોડીને બનાવવામાં આવ્યું છે. જે ભારતીય સંસ્કૃતિનો ઉત્તમ નમુનો પુરવાર થાય છે.
આ મંદિરની દીવાલ લગભગ 6 ફૂટ ઊંચા ચબુતરા ઉપર ઉભી છે. જે લગભગ 85 ફૂટ ઉંચી, 187 ફૂટ લાંબી, લગભગ 80 ફૂટ પહોળી છે અને 12 ફૂટ જાડી છે. જે તેને દરેક ઋતુમાં અડીખમ ઉભા રહેવાની શક્તિ આપે છે.
માનવામાં આવે છે કે, આ મંદિર પૌરાણીક કાળના કેટલાક અવશેષો પછી નિર્મિત કરવામાં આવ્યું હતું. જેમાં પથ્થરોને છત અને દીવાલો સાથે જોડવા માટે ખાસ ઈંટરલોકીંગ ટેકનીકનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
ત્રીજું રહસ્ય : પાંડવોએ કર્યું હતું સૌથી પહેલા મંદિરનું નિર્માણ.
પૌરાણીક માન્યતાઓ મુજબ, આ મંદિરની પાછળ અન્ય એક મંદિરનું નિર્માણ સૌથી પહેલા પોતે પાંડવોએ કર્યું હતું, પણ માનવામાં આવે છે કે સમય સાથે તે મંદિર બરફમાં જ લુપ્ત થઇ ગયું.
પાંડવો દ્વારા નિર્મિત મંદિરના લુપ્ત થયા પછી ઈ.સ. 508 પૂર્વે જન્મેલા આદિ શંકરાચાર્યએ હાલના કેદારનાથ મંદિરનું નિર્માણ કરાવ્યું હતું.
આ મંદિરની પાછળ તમને આદિ શંકરાચાર્યની સમાધીના પણ દર્શન કરવા મળે છે.
જયારે મંદિરના ગર્ભગૃહ અપેક્ષાકૃત પ્રાચીન બતાવવામાં આવે છે, જેને 80 ની સદીના સમયકાળનું માનવામાં આવે છે.
એક માન્યતા મુજબ 10 મી સદીમાં માલવાના રાજા ભોજે આ મંદિરનું સમારકામ કરાવ્યું હતું.
ચોથું રહસ્ય : ચમત્કારી રૂપથી દીવો થાય છે પ્રજવલિત.
દર વર્ષે દિવાળીના બીજા દિવસે એટલે શિયાળાની ઋતુમાં કેદારનાથ મંદિરના દ્વાર બંધ કરવાનો નિયમ છે.
ત્યાર પછી લગભગ 6 માસ સુધી મંદિરની અંદર એક દીવો હંમેશા પ્રજવલિત રહે છે.
આ મંદિરના પુરોહિત મંદિરના તમામ દ્વાર બંધ કરી ભગવાનના વિગ્રહ અને દંડીને 6 માસ સુધી પહાડ નીચે ઉખીમઠમાં લઇ જાય છે.
જેના લગભગ 6 માસ પછી જ મે મહિના દરમિયાન ફરી કેદારનાથ મંદિરના દ્વાર ભક્તો માટે ખોલવામાં આવે છે.
માન્યતા છે કે, જયારે 6 મહિનાના સમયગાળા સુધી મંદિરના દ્વાર બંધ રહે છે તો મંદિરની આસપાસ દુર દુર સુધી કોઈ પ્રાણી નથી રહેતા. અને તે ચમત્કાર જ છે કે કોઈની હાજરી ન હોવા છતાં પણ મંદિરની અંદર 6 મહિના સુધી સતત એક દીવો પ્રજવલિત રહે છે, જેના લીધે મંદિરમાં ક્યારેય અંધારું નથી થતું.
માનવામાં આવે છે કે, જે સમયે 6 માસનો સમયગાળો પૂરો થયા પછી પુરોહિત દ્વાર ખોલે છે, તે સમયે તેમને મંદિરની અંદર સાફ સફાઈ પણ મળે છે.
પાંચમું રહસ્ય : 2013 માં આવેલો પ્રલય પણ મંદિરનું કાંઈ ન બગાડી શક્યો.
ઘણા વર્ષો પહેલા જયારે 16 જુન 2013 ની રાત્રે પ્રકૃતિએ પોતાનું તાંડવ દેખાડ્યું હતું અને ઉત્તરાખંડ સંપૂર્ણ રીતે બરબાદ થઇ ગયું હતું ત્યારે પણ આ મંદિરને એક લીટો પણ પડ્યો ન હતો. ત્યાર પછી તેને વધુ મહત્વનું અને પવિત્ર માનવામાં આવવા લાગ્યું.
વૈજ્ઞાનિક પણ એ વાતથી ચકિત હતા કે, તે સમયે પહાડો પરથી પાણી સાથે મોટા મોટા ખડકો મંદિર સુધી તો આવ્યા પણ તે બધા અચાનક મંદિરની પાછળ જ અટકી ગયા. જેને લઈને એ ખડકોએ થોડે અંશે અદ્દભુત રીતે પુરના પાણીને 2 ભાગોમાં વિભાજીત કર્યું જેને લઈને મંદિરમાં રહેલા કોઈ પણ વ્યક્તિને કશું જ ન થયું.
2013 માં આવેલા આ પ્રલયમાં લગભગ 10,000 લોકોએ જીવ ગુમાવવો પડ્યો હતો.
છઠ્ઠું રહસ્ય : થઇ છે આ મોટી ભવિષ્યવાણી.
આ પવિત્ર ધામને લઈને પુરાણોમાં પણ ઘણી મોટી ભવિષ્યવાણી કરવામાં આવી છે, જે મુજબ કળિયુગમાં આ સમગ્ર ક્ષેત્રના તીર્થ લુપ્ત થઇ જશે.
તે ભવિષ્યવાણી મુજબ એક દિવસ નર અને નારાયણ પર્વતનું આંતરિક મિલન થશે, જેને લઈને આ મંદિરનો રસ્તો સંપૂર્ણ રીતે બંધ થઇ જશે.
આ રીતે મંદિર ફરી વખત કુદરતના ખોળામાં લુપ્ત થઇ જશે અને ભક્ત આ ધામના દર્શન નહિ કરી શકે. જેના વર્ષો પછી ભવિષ્યબદ્રી નામના નવા તીર્થનો ઉદ્દગમ થઇ શકશે.
આ માહિતી એસ્ટ્રો સેજ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.