મીરાંબાઈને મંદિરના પૂજારીએ આપ્યો ઠપકો, પછી જે થયું તે જાણીને તમને સાચી ભક્તિનું મહત્વ સમજાશે.

0
360

મીરાંબાઈના જીવનના આ 2 પ્રસંગોમાં સાચી ભક્તિ અને તેની શક્તિનો પરચો જોવા મળે છે, વાંચવાનું ચૂકશો નહીં.

એકવાર કોઈએ ભક્તિમતી મીરાંબાઈને ટોણો માર્યો કે, “મીરાં! તું તો રાણી છો. મહેલોમાં રહેવા વાળી, મિષ્ટાન્ન-પકવાન ખાવા વાળી અને તારા ગુરુ ઝૂંપડીમાં રહે છે. તેમને એક સમયની રોટલી પણ મળતી નથી.”

મીરાં આ કેવી રીતે સહન કરી શકે? મીરાંએ પાલખી મંગાવી અને ગુરુદર્શન માટે રવાના થઈ.

તેણીએ એક હીરાને કપડાંની ગાંઠમાં બાંધ્યો જે તેને તેના પિયરમાંથી મળ્યો હતો. મીરાંના ગુરુ રૈદાસજીની ઝૂંપડી ઘણી જગ્યાએથી તૂટી ગઈ હતી. તે એક હાથમાં સોય અને બીજા હાથમાં ફાટેલું જૂતું લઈને બેઠા હતા. નજીકમાં એક કથરોટ પડેલું હતું.

હાથ વડે કામ અને મુખથી પ્રભુનું નામ સ્મરણ ચાલતું હતું. આવા મહાપુરુષો ક્યારેક બહારથી સાધન-સંપત્તિ વિનાના દેખાતા હોય છે, પરંતુ તેઓ અંદરથી પરમ સંપત્તિથી સમૃદ્ધ હોય છે અને બહારની ધન-સંપત્તિ તેમના ચરણોની દાસી હોય છે. આ સંતોનું વિલક્ષણ ઐશ્વર્ય છે.

મીરાંએ પેલા કિંમતી હીરાને ગુરુના ચરણોમાં રાખીને પ્રણામ કર્યા. તેણીની આંખોમાં ભક્તિ અને પ્રેમના આંસુ આવી રહ્યા હતા.

તેણીએ હાથ જોડીને વિનંતી કરી, “ગુરુજી! લોકો મને મહેણાં મારે છે કે તું મહેલોમાં રહે છે અને તારા ગુરુ પાસે રહેવા માટે સારી ઝૂંપડી પણ નથી. ગુરુદેવ હું આ સાંભળી શકતી નથી. પોતાના ચરણોમાં એક દાસીની આ તુચ્છ ભેટ સ્વીકારો. આ ઝૂંપડી અને કથરોટ છોડીને તીર્થયાત્રા કરો.”

પછી સંત રૈદાસજીએ મીરાંને આગળ બોલવાની તક ન આપી.

તેમણે કહ્યું, “ગીરધર નાગરની સેવિકા થઈને તું આવી કહે છે! મને આની જરૂર નથી. દીકરી! મારા માટે આ કથરોટનું પાણી ગંગાજી છે, આ ઝૂંપડી જ મારું કાશી છે.”

એમ કહીને રૈદાસજીએ કથરોટમાંથી એક અંજલિ જલ લઈને જમીન પર તેની ધાર રેડી તો ઘણા બધા સાચા મોતીની જમીન પર વેરાઈ ગયા.

મીરાં આશ્ચર્યથી જોતી રહી.

આવા છે મારા ગિરધર ગોપાલ.

મીરાંનો બીજો પણ એક પ્રસંગ છે સાચી સેવા અને નિષ્કામ ભક્તિનો.

વૃંદાવનના એક મંદિરમાં મીરાંબાઈ ભગવાનને ભોજન અર્પણ કરવા રસોડામાં રસોઈ કરતી હતી. રસોઈ તૈયાર કરતી વખતે તે મધુર અવાજમાં ભજન ગાતી હતી. એક દિવસ મંદિરના મુખ્ય પૂજારીએ જોયું કે મીરાં પોતાના કપડાં બદલ્યા વિના અને સ્નાન કર્યા વિના રસોઈ તૈયાર કરી રહી છે. તેમણે મીરાંને સ્નાન કર્યા વગર રસોઈ તૈયાર કરવા બદલ મીરાંને ઠપકો આપ્યો.

પૂજારીએ તેને કહ્યું કે ભગવાન આ ભોજન ક્યારેય સ્વીકારશે નહીં. બીજા દિવસે, મીરાંએ પૂજારીના આદેશ મુજબ, ભોગ તૈયાર કરતા પહેલા ન માત્ર સ્નાન કર્યું, પણ અત્યંત શુદ્ધતા અને અત્યંત કાળજી સાથે ભોગ પણ તૈયાર કર્યો. શાસ્ત્રીય વિધિને અનુસરવામાં કોઈ ભૂલ ન થઈ જાય, આ વાતથી તે ઘણી ગભરાયેલી રહી.

ત્રણ દિવસ પછી પૂજારીએ સ્વપ્નમાં ભગવાનને જોયા. ભગવાને તેઓને કહ્યું કે તેઓ ત્રણ દિવસથી ભૂખ્યા છે. પૂજારીએ વિચાર્યું કે મીરાંએ કંઈક ભૂલ કરી હશે. તેણીએ ભોજન બનાવવામાં ન તો શાસ્ત્રીય વિધાનનું પાલન કર્યું હશે અને ન તો શુદ્ધતાનું ધ્યાન રાખ્યું ન હશે!

ત્યારે ભગવાને કહ્યું, અહીં ત્રણ દિવસથી તે ખૂબ સાવધાનીથી ભોગ તૈયાર કરી રહી છે. ભોજન બનાવતી વખતે તે હંમેશા વિચારતી રહે છે કે તેમાં કોઈ અશુદ્ધિ કે ભૂલ ન થઈ જાય! આ કારણે હું તેનો પ્રેમ અને મધુર ભાવ અનુભવી શકતો નથી. તેથી જ મને આ ભોગ સારો લાગતો નથી.

ભગવાનની આ વાત સાંભળીને, બીજા દિવસે પૂજારીએ મીરાંની માફી માંગી. અને એટલું જ નહીં, પણ તેણીને પહેલાની જેમ જ પ્રેમપૂર્ણ ભાવથી ભોગ તૈયાર કરવા વિનંતી કરી.

સત્ય તો એ છે કે જ્યારે ભગવાનની આરાધના અંતર્મનથી કરવામાં આવે છે, તો પછી બીજા કોઈ વિધિ-વિધાનની જરૂર રહેતી નથી. અભિમાન છોડીને અને ફળની ચિંતા કર્યા વિના ભગવાનની ઉપાસના કરવી જોઈએ. જો કે, તેમની પ્રેમપૂર્વક આરાધના અને સેવા જ સર્વોત્તમ છે.

તેથી જ ડોળ કર્યા વિના જો તમે સાચી શ્રદ્ધા સાથે મનમાં બે મિનિટ પણ ભગવાનને યાદ કરો તો એ સાચી પૂજા છે.

જય શ્રી કૃષ્ણ.